Thursday, Jul 16, 2026

શ્રદ્ધા, સંસ્કૃતિ અને સમર્પણનો સંગમ: અષાઢી બીજે યોજાતો ‘જગન્નાથ મહાપર્વ

9 Min Read

અષાઢ સુદ બીજના પવિત્ર દિવસે યોજાતી જગન્નાથ રથયાત્રા એ ભારતીય સંસ્કૃતિની સામાજિક સમરસતા, અખંડ આસ્થા અને સામૂહિક ભક્તિનું સર્વોચ્ચ પ્રતિક છે. આ વર્ષે ૧૪૯મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળશે. સામાન્ય દિવસોમાં ભક્તો ભગવાનના દર્શને મંદિર જાય છે, પરંતુ વર્ષમાં એકવાર અષાઢી બીજના દિવસે જગતનો નાથ સ્વયં પોતાના ગર્ભગૃહમાંથી બહાર નીકળીને પ્રજાના સુખ-દુઃખ જાણવા અને તમામ વર્ગના ભક્તોને દર્શન આપવા નગરચર્યાએ નીકળે છે. આ મંગલમય અવસરે સમગ્ર વાતાવરણ ‘જય જગન્નાથ’ના નારાઓ, ભજન મંડળીઓના સૂર અને ભક્તિભાવથી ગુંજી ઉઠે છે. પરંતુ આ મહાપર્વ પાછળ પૌરાણિક કથાઓ અને ઐતિહાસિક તથ્યો જોડાયેલા છે.

રથયાત્રાનો ઇતિહાસ અને પૌરાણિક માન્યતાઓ

રથયાત્રાનો ઉલ્લેખ બ્રહ્મ પુરાણ, પદ્મ પુરાણ અને સ્કંદ પુરાણમાં પણ જોવા મળે છે. પુરીમાં આ પરંપરા સદીઓ જૂની છે, જ્યારે અમદાવાદમાં આ પરંપરાનો પ્રારંભ ૨ જુલાઈ ૧૮૭૮ના રોજ મહંત નરસિંહદાસજી મહારાજ દ્વારા કરવામાં આવ્યો હતો, જે આજે ભારતની બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા બની ચૂકી છે.તેની પાછળ બે પ્રચલિત માન્યતાઓ અને કથાઓ જોડાયેલી છે.

સુરત શહેરમાં રથયાત્રાની પરંપરાનો ઇતિહાસ ખૂબ જ ભવ્ય છે. સુરતમાં ભક્તિભાવપૂર્વક રથયાત્રાની શરૂઆત વર્ષ ૧૯૮૦થી અમરોલી સ્થિત ઐતિહાસિક લંકા વિજય હનુમાનજી મંદિરની રથયાત્રા સમગ્ર શહેરમાં વિશેષ આકર્ષણનું કેન્દ્ર અને સૌથી જૂની રથયાત્રા પૈકીની એક માનવામાં આવે છે. સુરતમાં વસતા ઓડિશાવાસીઓ અને સ્થાનિક મંદિરો દ્વારા પણ પરંપરાગત શૈલીમાં રથયાત્રા કાઢવામાં આવે છે, જે સુરતની સાંસ્કૃતિક વિવિધતા અને એકતાનું પ્રતિક છે. આ ઉપરાંત, દર વર્ષે અષાઢી બીજના પવિત્ર દિવસે ઈસ્કોન મંદિર દ્વારા રેલવે સ્ટેશનથી શરૂ થઈને જહાંગીરપુરા ઇસ્કોન છેલ્લા મંદિર સુધી જાય છે.

  • બહેન સુભદ્રાની નગર જોવાની ઈચ્છા: પ્રચલિત કથા અનુસાર, એકવાર ભગવાન શ્રીકૃષ્ણના બહેન સુભદ્રાજીએ દ્વારકા નગર જોવાની ઈચ્છા વ્યક્ત કરી. તેથી ભગવાન શ્રીકૃષ્ણ અને મોટાભાઈ બલરામે બહેન સુભદ્રાને રથમાં બેસાડીને આખું નગર ફેરવ્યું હતું. આ ઘટનાની યાદમાં દર વર્ષે અષાઢી બીજના દિવસે ત્રણેય ભાઈ-બહેનની રથયાત્રા કાઢવાની પરંપરા શરૂ થઈ.
  • ગુંડિચા દેવી (માસીનું ઘર) ની કથા: અન્ય કથા મુજબ, ભગવાન જગન્નાથના પરમ ભક્ત રાજા ઇન્દ્રદ્યુમ્ન અને તેમની રાણી ગુંડિચાના આગ્રહથી ભગવાને વચન આપ્યું હતું કે તેઓ વર્ષમાં એકવાર તેમના ઘરે (મોસાળ/માસીના ઘરે) આવશે. આ વચન પૂરું કરવા માટે ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાજી રથમાં સવાર થઈને માસીના ઘરે એટલે કે ગુંડિચા મંદિર જાય છે.

રથયાત્રા પૂર્વેની તૈયારીઓ અને ધાર્મિક વિધિઓ

રથયાત્રા એ માત્ર એક દિવસનો ઉત્સવ નથી, તેની પાછળ મહિનાઓની શાસ્ત્રોક્ત વિધિઓ જોડાયેલી છે:

  • અક્ષય તૃતીયા(રથ નિર્માણ): વૈશાખ સુદ ત્રીજના દિવસે નવા રથ બનાવવાનું અથવા ચકાસણી કરવાનું કામ શરૂ થાય છે. લીમડા અને પવિત્ર લાકડામાંથી બનેલા આ રથો પર સુંદર કોતરણી કરવામાં આવે છે.
  • જળયાત્રા અને સ્નાનયાત્રા (જેઠ પૂનમ): જેઠ મહિનાની પૂનમે નદીના પવિત્ર જળના ૧૦૮ કળશથી ભગવાનને દિવ્ય સ્નાન કરાવવામાં આવે છે.
  • ભગવાનનો એકાંતવાસ(અણસર ઓઝર): વધારે સ્નાન કરવાને કારણે પ્રભુ બીમાર પડે છે અને ૧૫ દિવસ માટે ગર્ભગૃહના કપાટ બંધ થાય છે. રાજવૈદ્ય દ્વારા ભગવાનની સારવાર કરવામાં આવે છે અને તેમને માત્ર આયુર્વેદિક ઉકાળા તથા વિશેષ પથ્ય ભોગ ધરાવવામાં આવે છે. આ વિધિ દર્શાવે છે કે, ભગવાન પણ માનવ સહજ લીલાઓ કરીને ભક્તોની અત્યંત નજીક હોવાનો અહેસાસ કરાવે છે.
  • નેત્રોત્સવ વિધિ: એકાંતવાસ અને ઉપચાર પછી, અષાઢ સુદ એકમના દિવસે ભગવાન સંપૂર્ણ સ્વસ્થ થઈને પુનઃ પ્રગટ થાય છે. આ પવિત્ર અવસરે ‘નેત્રોત્સવ વિધિ’ કરવામાં આવે છે. જેમાં પરંપરાગત સેવાધારીઓ દ્વારા પ્રભુની મૂર્તિઓની આંખોને નવો રંગ આપી આખરી ઓપ આપવામાં આવે છે. ત્યારબાદ ભક્તો માટે પ્રભુના જે પ્રથમ દર્શન ખુલે છે, તેને ‘નવયૌવન દર્શન’ કહેવામાં આવે છે. પોતાના આરાધ્ય દેવને પુનઃ સ્વસ્થ અને તેજોમય સ્વરૂપમાં જોઈને ભક્તો ભાવવિભોર બની જાય છે અને રથયાત્રાનો ઉત્સાહ બમણો થઈ જાય છે.

નગરચર્યાની ખાસિયત અને ધાર્મિક રીતિ-રિવાજો

ભગવાન જગન્નાથ એટલે ‘જગતના નાથ’. સામાન્ય રીતે ભક્તો ભગવાનના દર્શને મંદિરે જાય છે, પણ આ દિવસે ગર્ભગૃહમાંથી ભગવાન પોતે બહાર આવીને નગરમાં ફરે છે. આ નગરચર્યાની કેટલીક વિશિષ્ટ પરંપરાઓ છે:

  • પહંડી વિધિ: ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાજીને ગર્ભગૃહમાંથી લયબદ્ધ રીતે ઝુલાવતા ઝુલાવતા રથ સુધી લાવવામાં આવે છે, જેને ‘પહંડી’ કહેવાય છે.
  • છેરા પહંરા વિધિ: ઓડિશાના ગજપતિ રાજા(પુરીના રાજા) સોનાની સાવરણીથી રથના માર્ગ અને રથના પ્લેટફોર્મને સાફ કરે છે. આ વિધિ દર્શાવે છે કે ભગવાનની સામે રાજા પણ એક સામાન્ય સેવક જ છે.
  • પહિંદ વિધિ (ગુજરાત સંદર્ભે): સુરત ઈસ્કોન દ્વારા રેલ્વે સ્ટેશનથી અને અમરોલી ખાતેથી નીકળતી ભવ્ય રથયાત્રાઓમાં સુરત મહાનગરપાલિકાના મેયરશ્રી અથવા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા રાજ્ય કે કેન્દ્ર સરકારના મંત્રીશ્રીઓ સોનાની સાવરણીથી રથનો માર્ગ સાફ કરી, સુગંધિત જળનો છંટકાવ કરીને આ પવિત્ર ‘પહીંદ વિધિ’ સંપન્ન કરે છે.

રથયાત્રાનો ક્રમ અને દિવસનું વર્ણન

અષાઢી બીજના દિવસે વહેલી સવારે ચાર વાગ્યે મંગલા આરતી થાય છે. ભગવાનને મગ અને ખિચડાનો ભોગ ધરાવાય છે. ત્યારબાદ સૌથી મહત્વપૂર્ણ ‘પહિંદ વિધિ’ થાય છે, જેમાં રાજા અથવા રાજ્યના વડા સોનાની સાવરણીથી રથનો માર્ગ સાફ કરે છે.યાત્રાનો લશ્કરી ક્રમ:

  • આગળનો ભાગ: સૌથી આગળ સુશોભિત ગજરાજો માર્ગ મોકળો કરે છે.
  • મધ્ય ભાગ: સાહસ અને શારીરિક શક્તિના કરતબો બતાવતા અખાડાના બલવાનો અને હરિનામ સંકીર્તન કરતી ભજન મંડળીઓ વાતાવરણને ગજવી મૂકે છે.
  • પાછળનો ભાગ: મુખ્ય આકર્ષણ એવા ત્રણેય ભવ્ય રથો શ્રદ્ધાળુઓ દ્વારા ખેંચવામાં આવે છે. શાસ્ત્રોક્ત માન્યતા અનુસાર, શ્રદ્ધાપૂર્વક રથનું દોરડું ખેંચવાથી મનુષ્યના જન્મોજન્મોના પાપો નષ્ટ થાય છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે.

પરંપરાગત પ્રસાદનું મહત્વ

રથયાત્રામાં મગ, જાંબુ અને કાકડીનો પ્રસાદ અઢળક પ્રમાણમાં વહેંચવામાં આવે છે. ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્વ અનુસાર ચોમાસાની શરૂઆતમાં આ ત્રણેય વસ્તુઓ સ્વાસ્થ્ય માટે ઉત્તમ માનવામાં આવે છે. અંકુરિત મગ શક્તિ આપે છે અને જાંબુ ચોમાસાના રોગો સામે રક્ષણ આપે છે. પ્રભુનો આ પ્રસાદ લેવા ભક્તોમાં ભારે ધસારો જોવા મળે છે.

  • નવ દિવસનું વર્ણન: રથયાત્રા પોતાના ગંતવ્ય સ્થાન એટલે કે ભગવાનના મોસાળ પહોંચે છે. માસીનું ઘર: ભગવાન અહીં ૭ થી ૯ દિવસ રોકાય છે. અહીં તેમની ભારે આગતા-સ્વાગતા થાય છે અને વિવિધ પકવાનો ધરાવાય છે.
  • કોમી એકતાનું પ્રતીક: સરસપુરમાં કોઈપણ જાતના ભેદભાવ વગર લાખો ભક્તો માટે રસોડા શરૂ થાય છે, જ્યાં આખું નગર સેવા આપે છે.• હેરા પંચમી: પાંચમા દિવસે લક્ષ્મીજી રિસાઈને ભગવાનને મનાવવા મોસાળ આવે છે, જે એક અત્યંત રસપ્રદ વિધિ છે.

નવ દિવસનું વર્ણન: રથયાત્રા પોતાના ગંતવ્ય સ્થાન એટલે કે ભગવાનના મોસાળ પહોંચે છે.

  • માસીનું ઘર: ભગવાન અહીં ૭ થી ૯ દિવસ રોકાય છે. અહીં તેમની ભારે આગતા-સ્વાગતા થાય છે અને વિવિધ પકવાનો ધરાવાય છે.
  • કોમી એકતાનું પ્રતીક: સરસપુરમાં કોઈપણ જાતના ભેદભાવ વગર લાખો ભક્તો માટે રસોડા શરૂ થાય છે, જ્યાં આખું નગર સેવા આપે છે.
  • હેરા પંચમી: પાંચમા દિવસે લક્ષ્મીજી રિસાઈને ભગવાનને મનાવવા મોસાળ આવે છે, જે એક અત્યંત રસપ્રદ વિધિ છે.

મોસાળથી પરત ફરવાની યાત્રાને ‘બહુડા યાત્રા’ (ઉલટી રથયાત્રા) કહેવાય છે. મંદિરે પાછા ફર્યા પછી પ્રભુના અદભુત સ્વરૂપો જોવા મળે છે:

  • સુના બેશે (સોનાના શણગાર): રથો જ્યારે મુખ્ય મંદિરની બહાર આવીને ઊભા રહે છે, ત્યારે ભગવાનને અસલી સોનાના આભૂષણો પહેરાવવામાં આવે છે. આ દિવ્ય અલૌકિક સ્વરૂપ જોવા લાખો લોકો ઉમટી પડે છે.
  • અધર પના: રથ પર જ પ્રભુને માટીના મોટા ઘડામાં ખાસ શરબત ધરાવીને તે ઘડા ત્યાં જ ફોડી નાખવામાં આવે છે, જેથી અદ્રશ્ય જીવો તૃપ્ત થાય.
  • નીલાદ્રી વિજે: અંતે, ભાઈ-બહેન રથ પરથી ઉતરીને પુનઃ ગર્ભગૃહમાં સ્થાપિત થાય છે અને ઉત્સવ સંપન્ન થાય છે.રથનો મહિમા અને તેમની વિશેષતારથયાત્રામાં ત્રણેય ભાઈ-બહેન માટે અલગ-અલગ રથ હોય છે, જેમના નામ અને રંગ શાસ્ત્રોમાં પૂર્વનિર્ધારિત છે:
  • નંદીઘોષ (ભગવાન જગન્નાથનો રથ): પીળા અને લાલ રંગના કાપડથી સજ્જ આ રથ સૌથી મોટો હોય છે. તેના ગરુડધ્વજ અને ૧૬ પૈડાં હોય છે.
  • તાલધ્વજ (બલભદ્રજીનો રથ): લીલા અને લાલ રંગના કાપડથી સજ્જ આ રથમાં ૧૪ પૈડાં હોય છે અને તેની પર મુસળનું ચિહ્ન હોય છે.
  • દેવદલન અથવા પદ્મધ્વજ (બહેન સુભદ્રાનો રથ): કાળા અને લાલ રંગના કાપડવાળા આ રથમાં ૧૨ પૈડાં હોય છે.સ્કંદ પુરાણ અનુસાર, ‘રથસ્થં વામનં દૃષ્ટ્વા પુનર્જન્મ ન વિદ્યતે’ અર્થાત્ રથ પર બિરાજમાન ભગવાન જગન્નાથના માત્ર દર્શન કરવાથી મનુષ્ય પુનર્જન્મના બંધનમાંથી મુક્ત થઈ જાય છે.

રથયાત્રા ભારતીય સંસ્કૃતિની ભવ્યતા, અખાડાની કલા, ભક્તિનો નાદ, કોમી એકતા અને વસુધૈવ કુટુંબકમની ભાવનાનું જીવંત પ્રતિક છે. રાત્રે જ્યારે નાથ પોતાના ભક્તોને હેત વરસીને નિજ મંદિરે પરત ફરે છે, ત્યારે સૌ કોઈ આવતા વર્ષની પ્રતીક્ષા સાથે ભાવુક હૈયે વિદાય લે છે. ‘જય જગન્નાથ’ ના નારા સાથે વાતાવરણ મહિનાઓ સુધી ગુંજતું રહે છે.

Share This Article