Friday, May 8, 2026

બંગાળમાં ભાજપ સરકાર બનાવવાની તૈયારીઓ તેજ, શુભેન્દુ અધિકારી CM પદની રેસમાં સૌથી આગળ

2 Min Read

પશ્ચિમ બંગાળમાં ઐતિહાસિક જીત બાદ ભારતીય જનતા પાર્ટી (BJP) હવે સરકાર રચવાની પ્રક્રિયામાં વ્યસ્ત થઈ ગઈ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કેન્દ્રીય નિરીક્ષક તરીકે કોલકાતા પહોંચ્યા છે, જ્યાં તેઓ ભાજપના તમામ ધારાસભ્યો સાથે મહત્વપૂર્ણ બેઠક કરશે. રાજકીય સૂત્રોના જણાવ્યા મુજબ, રાજ્યના આગામી મુખ્યમંત્રી તરીકે શુભેન્દુ અધિકારીનું નામ લગભગ નક્કી માનવામાં આવી રહ્યું છે.

શુભેન્દુ અધિકારીએ આ ચૂંટણીમાં બે મોટી જીત મેળવી પોતાની રાજકીય શક્તિ સાબિત કરી છે. તેમણે નંદીગ્રામ બેઠક જાળવી રાખવાની સાથે મમતા બેનર્જીના ગઢ ગણાતી ભવાનીપુર બેઠક પર પણ જીત મેળવી છે. એક સમયના તૃણમૂલ કોંગ્રેસના અગત્યના નેતા રહેલા શુભેન્દુ અધિકારી ડિસેમ્બર 2020માં ભાજપમાં જોડાયા હતા અને ત્યારથી બંગાળ ભાજપનો મુખ્ય ચહેરો બની ગયા છે.

સૂત્રોના દાવા મુજબ, ભાજપ બંગાળમાં બે નાયબ મુખ્યમંત્રીઓની ફોર્મ્યુલા પણ અમલમાં મૂકી શકે છે. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીઓના નામોની સત્તાવાર જાહેરાત આજે સાંજ સુધીમાં થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

નવી સરકારમાં દિલીપ ઘોષ, અગ્નિમિત્રા પોલ, નિશીથ પ્રામાણિક, રૂપા ગાંગુલી, સ્વપન દાસગુપ્તા, શંકર ઘોષ, તાપસ રોય, અશોક ડિંડા અને ડૉ. રાજેશ કુમાર જેવા દિગ્ગજ નેતાઓને સ્થાન મળી શકે તેવી ચર્ચાઓ રાજકીય વર્તુળોમાં ચાલી રહી છે.

તાજેતરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે પ્રચંડ બહુમતી મેળવીને તૃણમૂલ કોંગ્રેસના 15 વર્ષના શાસનનો અંત લાવ્યો છે. રાજ્યપાલ આર. એન. રવિએ વિધાનસભા ભંગ કરી દીધી હોવાથી હવે નવી સરકાર રચવાનો માર્ગ સંપૂર્ણપણે ખુલ્લો થયો છે. બંગાળમાં સત્તા પરિવર્તન વચ્ચે સુરક્ષા એજન્સીઓ અને વહીવટી તંત્ર પણ સંપૂર્ણ સતર્ક બન્યું છે.

Share This Article