Tuesday, May 12, 2026

શિસ્ત, સેવા અને સમર્પણનું ઉત્તમ દ્રષ્ટાંત એટલે નર્સ: પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત

2 Min Read

આજે આંતરરાષ્ટ્રીય નર્સ દિવસની ઉજવણીરૂપે સુરત સિવિલ હોસ્પિટલમાં પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌતની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં બે થી ત્રણ દાયકાઓ સુધીની લાંબી સેવાકીય કારકિર્દી બાદ નિવૃત્તિ મેળવનાર નર્સીસનું સન્માન કરાયું હતું.                    

      આ અવસરે પોલીસ કમિશનરે નર્સની ભૂમિકા દર્શાવતા કહ્યું કે, સમગ્ર સમાજમાં શિસ્ત, સેવા અને સમર્પણનું ઉત્તમ દ્રષ્ટાંત એટલે નર્સ. નર્સ દ્વારા પોતાના દરેક દર્દી પ્રત્યે નિ:સ્વાર્થ ભાવે કરાતી સેવાકીય પ્રવૃત્તિ સાચે જ પ્રેરણારૂપ છે. તેઓ નિરાશાને આશામાં પરિવર્તિત કરવાની ક્ષમતા ધરાવે છે. તદ્દન અજાણ્યા લોકોને પોતીકા બનાવી દર્દીને શારીરીકની સાથે માનસિક સહાય આપી સ્વસ્થ કરવામાં નર્સની ભુમિકા અનેરી હોય છે.

        વધુમાં, કમિશનરે તબીબ અને દર્દી વચ્ચેની મહત્વની કડી સમાન નર્સને તેમની ઉત્તમ કામગીરી માટે અભિનંદન પાઠવી દર્દી સાથે હર હંમેશ સંયમ અને સ્મિત સાથે સકારાત્મક વલણ અપનાવી કાર્ય કરવા અનુરોધ કર્યો હતો.

            આ પ્રસંગે પૂર્વ હેલ્થ ડાયરેક્ટર(ગુજરાત) ડો.વિકાસબેન દેસાઈએ સારવાર દરમિયાન દર્દી પ્રત્યેના નર્સનાં વ્યવહાર, વર્તણુકનું મહત્વ જણાવી ‘વર્તનમાં પરિવર્તન’ વિષય પર ચર્ચા કરી હતી. જેમાં તેમણે નર્સના આંતરિક અને બાહ્ય પરિબળો જેવા કે, સંજોગ, ઉછેર, માનસિકતાને નિર્ણાયક ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે, ખાસ કરીને સરકારી હોસ્પિટલમાં આવતા દર્દી કે, જે શારીરિક, માનસિક અને આર્થિક સહિતની ઘણી વિષમ પરિસ્થિતિઓથી ઝઝૂમતા હોય છે ત્યાં દરેક નર્સને સંવેદનશીલતા સાથે કાર્ય કરવા જણાવ્યું હતું.

         આ પ્રસંગે સોફ્ટ સ્કીલ ટ્રેનર શ્રી પ્રિયંકાબેને દિવસ-રાત સેવાકીય કાર્યમાં જોડાયેલા નર્સોને ગમે તેવા સંજોગોમાં વાણી અને વર્તનમાં વિનમ્રતા રાખી રિએક્ટિવની જગ્યાએ રિસ્પોન્સિવ રીએકશન પર ભાર આપવા સમજાવ્યું હતું.

         આ કાર્યક્રમમાં સુરત સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટ ધારીત્રી પરમાર, RMO ડૉ કેતન નાયક, નર્સિંગ સુપ્રિટેન્ડેન્ટ નીરજાબેન પટેલ, નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા, પ્લાસ્ટિક સર્જન ડૉ.નિલેશ કાછડીયા, નર્સિંગ કોલેજના પ્રિન્સીપાલ ડૉ. ઇન્દ્રાવતી રાવ, નર્સિંગ એસોસિએશનના નિલેશ લાઠીયા, વીરેન પટેલ અને જગદીશ બુહા સહિત વિવિધ કોલેજના હેડ નર્સ, સ્ટાફ નર્સ, નર્સિંગના છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

Share This Article