અમરેલી જિલ્લામાં આવેલા રાજુલાના જાફરાબાદ વિસ્તારમાં મોડી રાત્રે ભૂકંપનો ઝટકો અનુભવાયો હતો, જેના કારણે લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. રાત્રે લગભગ 2:24 કલાકે આવેલા આ 3.7 તીવ્રતાના ભૂકંપથી પીપાવાવ કોસ્ટલ બેલ્ટ સહિત આસપાસના વિસ્તારોમાં ધરા ધ્રુજી ઉઠી હતી અને લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.
પ્રાથમિક માહિતી મુજબ ભૂકંપનું કેન્દ્રબિંદુ મહુવા હોવાનું સામે આવ્યું છે. આ ઝટકાની અસર ખાંભા અને સાવરકુંડલા સહિતના વિસ્તારોમાં પણ જોવા મળી હતી, જ્યાં કેટલાક ઘરોની દિવાલોમાં તિરાડો પડતા લોકોમાં ભયની લાગણી વધુ વધી હતી.
રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતાનો અંદાજ કેવી રીતે લગાવી શકાય?
- 0 થી 1.9: સીસ્મોગ્રાફથી મળતી માહિતી
- 2 થી 2.9: ખૂબ જ ઓછું કંપન જાણવા મળે છે
- 3 થી 3.9: એવું લાગે કે કોઈ ભારે વાહન પાસથી પસાર થયું
- 4 થી 4.9: ઘરમાં રાખેલું સામાન તેની જગ્યાએથી નીચે પડી શકે
- 5 થી 5.9: ભારે સામાન અને ફર્નિચર પણ હલી શકે
- 6 થી 6.9: ઈમારતનો પાયો ફટી શકે
- 7 થી 7.9: ઈમારતો તૂટી પડે
- 8 થી 8.9: સુનામીનું જોખમ, વધુ વિનાશ
- 9 અથવા વધુ: સૌથી ભયાનક વિનાશ, ધરતીનું કંપન સ્પષ્ટ અનુભવાય