દક્ષિણ ગુજરાતની આર્થિક રાજધાની ગણાતા સુરત શહેરના વિકાસને નવી ગતિ આપવા માટે સુરત મહાનગરપાલિકાએ વર્ષ 2026-27 માટે રૂ.11,301 કરોડનું ઐતિહાસિક બજેટ મંજૂર કર્યું છે. મ્યુનિસિપલ કમિશનરે રજૂ કરેલા રૂ.10,593 કરોડના ડ્રાફ્ટ બજેટમાં સ્થાયી સમિતિએ રૂ.708 કરોડનો વધારો કરીને કુલ બજેટ મંજૂર કર્યું છે. મહત્વની બાબત એ છે કે આ વર્ષે પણ કોઈપણ પ્રકારના મ્યુનિસિપલ કર અથવા દરોમાં વધારો કરવામાં આવ્યો નથી, જેથી મોંઘવારીના સમયમાં સુરતીઓને સીધી રાહત મળી છે.
બજેટમાં મહિલાઓ માટે મહત્વનો નિર્ણય લેવાયો છે. વિધવા મહિલાઓના નામે નોંધાયેલી મિલકતોને મિલકતવેરામાં સંપૂર્ણ મુક્તિ આપવાની જાહેરાત કરવામાં આવી છે. રાજ્ય સરકારની સહાય મેળવતી વિધવા બહેનો લાભાર્થી કાર્ડ રજૂ કરીને આ છૂટ મેળવી શકશે. સાથે જ શહેરમાં મહિલા સ્વસહાય જૂથો અને સખી મંડળોને પ્રોત્સાહન આપવા માટે ‘સુરતી હાટ બજાર’ શરૂ કરાશે, જ્યાં મહિલાઓ દ્વારા બનાવવામાં આવેલી ચીજવસ્તુઓ વેચાણ માટે ઉપલબ્ધ રહેશે.
વરિષ્ઠ નાગરિકોને મોટી ભેટ તરીકે સુરત BRTSમાં મુસાફરી સંપૂર્ણ મફત કરવાની જાહેરાત કરવામાં આવી છે. સિનિયર સિટીઝન્સને સિવિક સેન્ટર પરથી પાસ કાઢીને આ સુવિધાનો લાભ મળશે. મહિલાઓ માટે પણ રક્ષાબંધન અને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના રોજ સિટી બસ અને BRTSમાં મફત મુસાફરીની જાહેરાત કરવામાં આવી છે. સાથે શહેરમાં 250 નવા પિંક ટોયલેટ બનાવવામાં આવશે.
શહેરના વિકાસ કાર્યો માટે બજેટમાં રૂ.656 કરોડનો વિશેષ વધારો કરવામાં આવ્યો છે. આ રકમથી નવા ફ્લાયઓવર, રસ્તાઓનું નવીનીકરણ, ડ્રેનેજ વ્યવસ્થા મજબૂત બનાવવી અને સ્માર્ટ સિટી સંબંધિત પ્રોજેક્ટો હાથ ધરવામાં આવશે. રિવરફ્રન્ટ પ્રોજેક્ટ અંતર્ગત સિંગણપોરથી કોઝવે સુધી આધુનિક પાથવે અને લેન્ડસ્કેપિંગનું આયોજન પણ કરવામાં આવ્યું છે.
ધાર્મિક સંસ્થાઓ માટે પ્રથમ વખત રૂ.25 કરોડની ગ્રાન્ટની જાહેરાત કરવામાં આવી છે. આ ગ્રાન્ટથી ધાર્મિક સ્થળોએ પાણી, રસ્તા, પેવર બ્લોક અને સોલર પેનલ જેવી સુવિધાઓ વિકસાવવામાં આવશે. સાથે જ શહેરની અંદાજે 1160 રહેણાંક સોસાયટીઓને મળતી સફાઈ ગ્રાન્ટ વધારીને રૂ.1.5 પ્રતિ ચોરસ મીટર કરવામાં આવી છે.
નાગરિક સુવિધા વધારવા માટે શહેરના તમામ 30 વોર્ડમાં નવા આધાર કાર્ડ સેન્ટરો શરૂ કરાશે. આ ઉપરાંત સુરતના મહત્વના આકર્ષણ સરથાણા નેચર પાર્કનું આધુનિકીકરણ કરવામાં આવશે, જેથી તેને આંતરરાષ્ટ્રીય સ્તરના પ્રવાસન સ્થળ તરીકે વિકસાવી શકાય.
શિક્ષણ ક્ષેત્રે પણ મોટી ફાળવણી કરવામાં આવી છે. મનપાની 362 શાળાના કુલ 1,99,186 વિદ્યાર્થીઓને રૂ.15 કરોડના ખર્ચે રમતગમતના ગણવેશ આપવામાં આવશે. વધુ 20 શાળાઓમાં હાઇ-ટેક લેબ સ્થાપિત કરવામાં આવશે, જેના લાભ અંદાજે 15 હજાર વિદ્યાર્થીઓને મળશે. AR/VR આધારિત શિક્ષણ માટે રૂ.1.50 કરોડ અને શાળાઓમાં કોમ્પ્યુટર, પ્રિન્ટર તથા ફોટોકોપિયર માટે રૂ.2 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
આરોગ્ય સુવિધાઓ માટે સ્મીમેર હોસ્પિટલમાં અત્યાધુનિક બ્લડ સેન્ટર અને એફેરેસીસ યુનિટ માટે રૂ.2 કરોડ ફાળવવામાં આવ્યા છે. સેન્ટ્રલ લેબોરેટરીમાં મોલેક્યુલર ડાયગ્નોસ્ટિક અને એડવાન્સ પેથોલોજી સુવિધાઓ માટે રૂ.2.50 કરોડની ફાળવણી કરવામાં આવી છે. સાથે પૂણા-સીમાડા અને સરથાણા વિસ્તારમાં નવા આરોગ્ય કેન્દ્રો અને હોસ્પિટલના નિર્માણની પણ જાહેરાત કરવામાં આવી છે.
શહેરના રમતગમત અને જાહેર સુવિધા ક્ષેત્રે મોટા વરાછા અને પાલ-હજીરા રોડ પર અત્યાધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને સ્વિમિંગ પૂલ બનાવાશે. સરથાણા વિસ્તારમાં જંકશન રિમોડેલિંગ અને ફૂટ ઓવરબ્રિજનું આયોજન કરવામાં આવ્યું છે. આમ, ચૂંટણી પૂર્વ વર્ષમાં રજૂ થયેલું આ બજેટ સુરતના વિકાસ સાથે મહિલાઓ, વરિષ્ઠ નાગરિકો અને મધ્યમ વર્ગને કેન્દ્રમાં રાખીને તૈયાર કરાયું હોવાનું સ્પષ્ટ થાય છે.