Friday, Mar 20, 2026

સુરતના ડીંડોલીમાં ધોરણ-12 સાયન્સમાં ભણતી વિદ્યાર્થિનીનો આપઘાત

2 Min Read

સુરતના ડીંડોલી વિસ્તારમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં ધોરણ-12 સાયન્સમાં અભ્યાસ કરતી એક 17 વર્ષીય સગીરાએ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

મળતી માહિતી મુજબ, જ્યારે પરિવારના તમામ સભ્યો ઘરમાં સૂતા હતા, ત્યારે 17 વર્ષીય વિદ્યાર્થિનીએ અચાનક આ અંતિમ પગલું ભર્યું હતું. સવારે જ્યારે પરિવાર જાગ્યો ત્યારે દીકરીની હાલત જોઈ તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. ધોરણ-12 સાયન્સમાં અભ્યાસ કરતી તેજસ્વી વિદ્યાર્થિનીના આવા પગલાથી પરિવાર સ્તબ્ધ છે.

ઘટનાની જાણ થતા જ ડીંડોલી પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં હજુ સુધી આપઘાત પાછળનું કોઈ ચોક્કસ કારણ બહાર આવ્યું નથી. પોલીસે વિદ્યાર્થિનીના મૃતદેહને કબજે કરી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો છે. શું અભ્યાસનું ભારણ હતું કે અન્ય કોઈ અંગત કારણ? તે દિશામાં પોલીસે પરિવારજનોની પૂછપરછ અને તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે સુરતમાં બે દિવસ પહેલા જ અલથાણ વિસ્તારમાં રહેતા કથાકારની પુત્રી ધો. 12 સાયન્સમાં અભ્યાસ કરતી હતી. તેણે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી. વિદ્યાર્થિનીના પિતા ધાર્મિક પ્રસંગે કથા કરવા માટે બહાર ગયા હતા અને ઘરે કોઈ હાજર નહોતું ત્યારે તેણે આ પગલું ભર્યું હતું. પરિવારના અન્ય સભ્યોએ જ્યારે લટકતી જોઈ ત્યારે પોલીસને જાણ કરી હતી.

પોલીસ તપાસમાં સામે આવેવી વિગત પ્રમાણે, વિદ્યાર્થિની આગામી ધોરણ-12ની બોર્ડની પરીક્ષા અને મેડિકલમાં પ્રવેશ માટેની NEET (નીટ) ની પરીક્ષાને લઈને છેલ્લા કેટલાક સમયથી ભારે માનસિક તણાવમાં હતી. પોલીસે મૃતક વિદ્યાર્થિનીની બહેનપણીઓના નિવેદન નોંધ્યા છે, જેમાં તેમણે જણાવ્યું હતું કે તે ભણતરમાં તેજસ્વી હોવા છતાં બંને મહત્વની પરીક્ષાઓ એકસાથે આવતી હોવાથી ગભરાયેલી રહેતી હતી.

Share This Article