Sunday, Dec 7, 2025

બિહારમાં રાબડી દેવીને ઝાટકો: સત્તાવાર નિવાસસ્થાન ખાલી કરવાનો અપાયો આદેશ

2 Min Read

બિહારમાં વિધાનસભાની ચૂંટણી પૂરી થયા બાદ હવે નવી NDA સરકાર સત્તામાં આવી છે. ફરી એકવાર નીતિશ કુમાર બિહારના મુખ્ય પ્રધાન બની ગયા છે. પરંતુ આ પરિવર્તન સાથે જ ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને વિધાન પરિષદમાં વિરોધ પક્ષના નેતા રાબડી દેવીને મોટો ફટકો પડ્યો છે. રાબડી દેવી લાંબા સમયથી જ્યાં રહેતા હતા, તે નિવાસસ્થાનને ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ આદેશ પાછળનું કારણ શું છે, આવો જાણીએ.

19 વર્ષથી રાબડી દેવીનું હતું નિવાસસ્થાન
2005માં નીતિશ કુમારની સરકાર સત્તામાં આવ્યા પછી 16 જાન્યુઆરી, 2006 થી 10 સર્ક્યુલર રોડ પર આવેલું નિવાસસ્થાન સત્તાવાર રીતે રાબડી દેવીને સોંપવામાં આવ્યું હતું. રાબડી દેવીએ સતત 19 વર્ષ સુધી આ નિવાસસ્થાને વસવાટ કર્યો હતો, પરંતુ હવે તેઓને આ સત્તાવાર નિવાસસ્થાન ખાલી કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત, મકાન બાંધકામ વિભાગે તેમને વિધાન પરિષદમાં વિરોધ પક્ષના નેતાના ક્વોટા હેઠળ 39 હાર્ડિંગ રોડ પર નવું નિવાસસ્થાન ફાળવ્યું છે.

સત્તાપરિવર્તનના કારણે થયો ફેરફાર
મકાન બાંધકામ વિભાગના સંયુક્ત સચિવ-કમ-રિયલ એસ્ટેટ અધિકારી શિવ રંજને આ અંગેનો ઔપચારિક પત્ર જારી કર્યો છે, પરંતુ વિધાનસભાની ચૂંટણી પૂરી થયા બાદ તરત કરવામાં આવેલો આ ફેરફાર લાલુ પરિવાર માટે એક મોટો ફટકો માનવામાં આવે છે, કારણ કે નવી સરકારમાં ભાજપનું વર્ચસ્વ સ્પષ્ટ જોવા મળ્યું છે, અને આ નિર્ણય તેનો સંકેત હોવાનું રાજકીય વિશ્લેષકો અનુમાન લગાવી રહ્યા છે.

રાબડી દેવીએ તાત્કાલિક ઘર ખાલી કરવું જોઈએ
આ ફેરફારને લઈને ભાજપે લાલુ પરિવાર પર આકરી ટીકા કરી છે. ભાજપ (ભારતીય જનતા પાર્ટી)ના પ્રવક્તા નીરજ કુમારે જણાવ્યું હતું કે, “જો રાબડી દેવીને 10 સર્ક્યુલર રોડ ખાતેનું નિવાસસ્થાન ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે તો તેમણે તાત્કાલિક તે ખાલી કરવું જોઈએ. મને આશા છે કે આ વખતે તેઓ પોતાના પરિવારના ટ્રેક રેકોર્ડથી વિપરીત કોઈ સરકારી મિલકતમાંથી ચોરી કરશે નહીં અથવા નુકસાન પહોંચાડશે નહીં. તેઓ બાથરૂમની પાઈપ પણ ખોલી શકશે નહીં, કારણ કે અમે તેમના પર બાજ નજર રાખીશું.”

Share This Article