ઉત્તરાખંડના ટિહરીમાં મુસાફરોને લઈ જતી બસ ખીણમાં પડી જતાં પાંચ લોકોના મોત થયા છે. ટિહરીના પોલીસ અધિક્ષક આયુષ અગ્રવાલે અકસ્માતની પુષ્ટિ કરી છે. 17થી વધુ લોકો ઘાયલ થયા છે, જેમાંથી સાતની હાલત ગંભીર છે. અકસ્માતમાં મોતને ભેટેલા લોકો ગુજરાતી હોવાની આશંકા છે.
બસમાં 29થી વધુ લોકો સવાર હતા. SDRF અને રાહદારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે મદદ માટે પહોંચ્યા હતા. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને SDRFની પાંચ વધુ ટીમો રવાના કરવામાં આવી છે. બસ 70 મીટર ઊંડી ખીણમાં ખાબકી હતી, જેના કારણે બચાવ કામગીરી મુશ્કેલ બની હતી.
આ અકસ્માત નરેન્દ્રનગરના કુંજપુરી-હિંદોળાખાલ નજીક થયો હતો. ઘાયલોને ઋષિકેશના એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. મૃતકોમાં ચાર મહિલાઓ અને એક યુવાનનો સમાવેશ થાય છે. બસ નંબર UK14PA1769 છે.