બિહારના દુલારચંદ યાદવ મર્ડર કેસમાં હવે મોટો અપડેટ સામે આવ્યો છે. તેમની પોસ્ટમોર્ટમ રિપોર્ટ બહાર આવી છે, જેમાં તેમની મોતનું સાચું કારણ ખુલાસો થયું છે. રિપોર્ટ મુજબ દુલારચંદ યાદવની મોત ગોળી વાગવાથી નહીં, પરંતુ ફેફસું ફાટવું અને કાર્ડિયેક અરેસ્ટથી થઈ હતી. પાછળથી કોઈ ભારે વસ્તુના ધક્કાથી તેઓ નીચે પડી ગયા હતા, જેના કારણે તેમની છાતીની અનેક હાડકીઓ તૂટી ગઈ હતી અને ફેફસાને ગંભીર ઇજા પહોંચી હતી. આ કારણે અંતે તેમનું ફેફસું ફાટી ગયા બાદ હાર્ટ અટેક આવ્યો અને તેમનું મોત થયું. પોસ્ટમોર્ટમ રિપોર્ટ તપાસ અધિકારીને સોંપી દેવાયો છે, જેને આધારે હવે કેસની આગળની તપાસમાં નવા મુદ્દાઓ પ્રકાશમાં આવી શકે છે.
દુલારચંદ યાદવ 30 ઓક્ટોબર, ગુરુવારે બપોરે પટના જિલ્લાના મોકામા વિધાનસભા મતવિસ્તારના તાલ વિસ્તારમાં પ્રચાર કરવા ગયા હતા. તેઓ ઘોષવારીમાં પ્રશાંત કિશોરની જનસુરાજ પાર્ટીના ઉમેદવાર પીયૂષ પ્રિયદર્શી માટે પ્રચાર કરી રહ્યા હતા ત્યારે તેમના કાફલા પર અચાનક હુમલો કરવામાં આવ્યો. દુલારચંદને માર મારવામાં આવ્યો અને પછી ગોળી મારી દેવામાં આવી.
દુલારચંદ યાદવના પૌત્રની ફરિયાદના આધારે, પોલીસે JDU ઉમેદવાર અનંત સિંહ સહિત પાંચ વ્યક્તિઓના નામ જાહેર કર્યા છે. આરોપીઓમાં અનંત સિંહ, તેમના બે ભત્રીજા રણવીર સિંહ અને કર્મવીર અને તેમના નજીકના સાથીઓ છોટન સિંહ અને કંજય સિંહનો સમાવેશ થાય છે.