હરિયાણાના પંચકૂલામાં સોમવારે મોડી રાત્રે સામૂહિક આપઘાતના કારણે ચકચાર મચી છે. મૂળ ઉત્તરાખંડના પરિવારના સાત લોકોના મૃતદેહ મળી આવ્યા. આશંકા છે કે દંપતી, તેમના ત્રણ બાળકો અને બે વૃદ્ધોએ એકસાથે ઝેર ખાઈને આપઘાત કર્યો છે.
ઘટનાની જાણ થતાં જ તમામને સૌપ્રથમ એક પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ જવાયા હતા, જ્યાં એક જ વ્યક્તિને છોડી તમામને મૃત જાહેર કરવામાં આવ્યા. જે બાદ જે વ્યક્તિ બચી ગઈ હતી તેણે પણ સિવિલ હોસ્પિટલમાં દમ તોડ્યો. પંચકૂલા પોલીસના ડીસીપી સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. FSLની ટીમ દ્વારા તમામ પૂરાવા એકત્ર કરવામાં આવ્યા છે.
સ્થાનિક રહેવાસીએ જણાવ્યું, “હું તે માણસ પાસે ગયો અને તેને તેના ઠેકાણા વિશે પૂછ્યું. તેણે મને કહ્યું કે તેનો પરિવાર બાગેશ્વર ધામથી પાછો ફરી રહ્યો છે. તેમને કોઈ હોટેલ મળી નહીં અને તેમણે કારમાં રાત વિતાવવાનું નક્કી કર્યું ત્યાર બાદ તેણે કહ્યું કે કારમાં બધા મરી ગયા છે અને હું પણ 5 મિનિટમાં મરી જઈશ. આ પછી તે માણસે કારમાં નજર નાખી તો અંદર 6 લાશ પડેલી દેખાય ત્યાર બાદ તેણે પોલીસને એલર્ટ કર્યું હતું.
પોલીસને ઘટનાસ્થળેથી એક સુસાઈટ નોટ મળી છે જેમાં સામૂહિક આપઘાતનું કારણ લખાયેલું હતું. પરિવારે ભારે દેવાના કારણે આત્મહત્યા કરી હતી. દેવું હદ બહાર જતાં રહેતાં ભરપાઈ શકે તેવો કોઈ માર્ગ જ રહ્યો નહોતો તેથી પરિવારને મોત વ્હાલું લાગ્યું અને બધાએ ભેગા મળીને ઝેર પી લીધું. પ્રવિણ મિત્તલે થોડા સમય પહેલાં દેહરાદૂનમાં ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનો ધંધો શરુ કર્યો હતો પરંતુ તેમાં પણ કંઈ ન વળ્યું અને દેવું હદ બહાર જતાં રહ્યું હતું.