દિલ્હીની કોર્ટે શીખ રમખાણો મામલે આરોપી સજ્જન કુમારને જન્મટીપની સજા ફટકારી છે. દિલ્હીના સરસ્વતી વિહારમાં બે શીખોની હત્યા કરવા મામલે તેમને દોષિત ઠેરવાયા હતા. આ મામલે સજ્જન કુમારને જન્મટીપની સજા ફટકારી છે. રાઉઝ એવન્યુ કોર્ટના સ્પેશિયલ જજ કાવેરી બાવેજાએ બપોરે 2 વાગ્યા પછી ચુકાદો સંભળાવ્યો. કોર્ટે 21 ફેબ્રુઆરીએ સજા પર નિર્ણય અનામત રાખ્યો હતો.
પોલીસે કોર્ટમાં દાખલ કરેલી અરજીમાં કહ્યું હતું કે, આ કેસ ‘નિર્ભયા કેસ’થી પણ વધુ ગંભીર છે. નિર્ભયા કેસમાં એક મહિલાને નિશાન બનાવવામાં આવી હતી. અહીં એક ‘ચોક્કસ સમુદાય’ના લોકોને નિશાન બનાવ્યા હતા. દિલ્હી પોલીસે પોતાની દલીલમાં કહ્યું હતું કે આમાં એક ચોક્કસ સમુદાયને નિશાન બનાવવામાં આવ્યો હતો. આ રમખાણે સમાજના અંતરાત્માને હચમચાવી નાખ્યો હતો. 1 નવેમ્બર 1984ના રોજ દિલ્હીના સરસ્વતી વિહાર વિસ્તારમાં બે શીખ, જસવંત સિંહ અને તેમના પુત્ર તરુણદીપ સિંહની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી.
દિલ્હીમાં શીખો સામે રમખાણો ભડકાવવામાં સજ્જન કુમારનું નામ મોખરે છે. દિલ્હીના સુલતાનપુરી, કેન્ટ અને પાલમ કોલોની જેવી વિસ્તારોમાં ભડકેલી હિંસામાં તેમનો મુખ્ય હાથ હતો. પીડિતોના મતે 1 નવેમ્બર 1984ના રોજ, દિલ્હીમાં સંબોધિત કરતી વખતે સજ્જન કુમાર ‘અમારી માતાની હત્યા થઈ, સરદારોને મારી નાખો તેવું નિવેદન આપ્યું હતું, જે બાદ હિંસા ભડકી હતી.
સજ્જન સિંહ વિરુદ્ધ દાખલ કરાયેલા કેસોમાં, ઘણા સાક્ષીઓએ તેમના નિવેદનોમાં જણાવ્યું હતું કે સજ્જન સિંહે શીખોના ઘરો વ્યક્તિગત રીતે ઓળખી કાઢ્યા હતા અને ટોળાને હુમલો કરવા માટે ઉશ્કેર્યા હતા. સજ્જન સિંહના સમર્થકોએ દિલ્હીમાં મતદાર યાદી દ્વારા શીખોના ઘરો અને વ્યવસાયોને ઓળખી કાઢ્યા હતા અને તોડફોડ કરી હતી અથવા તેમને આગ લગાવી દીધી હતી. તેમજ ઘણા શીખોને તેમના ઘરમાંથી ખેંચીને મારી નાખવામાં આવ્યા હોવાના આરોપ પણ લાગ્યા હતા.