ઉત્તરાખંડના સીએમ પુષ્કર સિંહ ધામી રવિવારે મહાકુંભમાં પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે મહાકુંભને આસ્થાનો મહાન સંગમ ગણાવ્યો હતો અને કહ્યું હતું કે આપણે ભાગ્યશાળી છીએ કે આપણા યુગમાં આ મહાકુંભ આવ્યો છે.
તેમણે મહાકુંભનું ભવ્ય આયોજન કરવા બદલ પીએમ મોદી અને સીએમ યોગીની પ્રશંસા કરી હતી. મુખ્યમંત્રી ધામીએ ઉત્તરાખંડ મંડપમનું પણ નિરીક્ષણ કર્યું હતું. સાથે જ સેકટર 8માં યોજાયેલ ‘જ્ઞાન મહાકુંભ’માં ભાગ લેવા આવ્યા હતા.ધામીએ કહ્યું, આ શ્રદ્ધાનો મહાન સંગમ છે. આપણા દેશના કરોડો લોકો અહીં પવિત્ર સ્નાન કરે છે. આપણે ભાગ્યશાળી છીએ કે આપણા યુગમાં આ મહાકુંભ આવ્યો છે.
ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ કહ્યું કે, “મહાકુંભ 2027નું ઉત્તરાખંડમાં આયોજન કરવામાં આવશે અને અમે સંતો, સાધુઓ અને ધાર્મિક સંગઠનોના લોકો સાથે ચર્ચા કરીશું. અમે એ સુનિશ્ચિત કરીશું કે મહાકુંભમાં શ્રેષ્ઠ વ્યવસ્થા કરવામાં આવે અને લોકોને તેનો શ્રેષ્ઠ લાભ મળે.” આ સાથે જ પુષ્કર સિંહ ધામીએ ઉત્તર પ્રદેશમાં ચાલી રહેલા મહાકુંભ માટે કરવામાં આવેલી વ્યવસ્થાઓની પણ પ્રશંસા કરી. આ સાથે જ તેમણે કુશળ સંચાલન માટે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નેતૃત્વવાળી ઉત્તર પ્રદેશ સરકારની પણ પ્રશંસા કરી.
ઉત્તરાખંડના મુખ્યમંત્રી એ કહ્યું, “વિશ્વભરમાંથી લોકો અહીં શ્રદ્ધાની પવિત્ર ડૂબકી લેવા માટે આવી રહ્યા છે. હું અહીં આવવા માટે પોતાને ભાગ્યશાળી માનું છું. 2027 નું કુંભ હરિદ્વારમાં થશે અને અમે તેની તૈયારી શરૂ કરી દીધી છે.”
આ અગાઉ રવિવારે ઉત્તરાખંડના મુખ્યમંત્રીએ મહાકુંભ 2025 માટે સ્થાપિત ઉત્તરાખંડ મંડપમનું નિરીક્ષણ કર્યું, આ દરમિયાન તેમણે ત્યાં રોકાયેલા તીર્થયાત્રીઓ સાથે મુલાકાત કરી અને તેમની હાલચાલ પૂછ્યા.
તેમણે આ બાબત પર પ્રકાશ નાખ્યો કે ઉત્તરાખંડ મંડપમ દેશ અને વિશ્વભરના ભક્તો માટે ઉત્તરાખંડની સંસ્કૃતિનો અનુભવ કરવાનો એક મંચ રૂપે કાર્ય કરે છે. સીએમ ધામીએ નિરંજની અખાડાના આચાર્ય મહામંડલેશ્વર સ્વામી કૈલાશાનંદ ગિરી અને પરમાર્થ નિકેતનના મુખ્ય ચિદાનંદ સરસ્વતી સાથે ‘સમાનતા સાથે સમરસતા’ કાર્યક્રમમાં પણ ભાગ લીધો. સીએમ ધામીએ મહાકુંભમાં યોજાયેલા જ્ઞાન મહાકુંભ “ભારતીય શિક્ષણ: રાષ્ટ્રીય સંકલ્પના” કાર્યક્રમમાં ભાગ લીધો.
13 જાન્યુઆરી, 2025થી શરૂ થયેલું મહાકુંભ 2025 વિશ્વનું સૌથી મોટું આધ્યાત્મિક અને સાંસ્કૃતિક સમાગમ છે. ઉત્તર પ્રદેશ સરકાર અનુસાર અત્યાર સુધીમાં 42 કરોડથી વધુ શ્રદ્ધાળુઓ મહાકુંભ 2025માં પવિત્ર ડૂબકી લગાવી ચૂક્યા છે. આ ભવ્ય આયોજાન 26 ફેબ્રુઆરી, મહાશિવરાત્રી સુધી ચાલુ રહેશે, જેમાં હજી પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મહાકુંભ પહોંચતા રહ્યા છે.