Saturday, Sep 13, 2025

બુટલેગરો એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડની ગાડીમાં દારૂની હેરાફેરી કરતા પકડાયા

3 Min Read
  • ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ દારૂ માફિયાઓ ગુજરાતમાં પડોશી રાજ્યોમાંથી દારૂની હેરાફેરીનું મોટું રેકેટ ચલાવે છે. એવું પણ નથી કે પોલીસ અને સરકારને આ બધું ખબર નથી.

જ્યારે પણ પોલીસ દારૂ માફિયાઓ સામે કડક નીતિ અપનાવે છે ત્યારે દારૂ માફિયાઓ પોલીસની પકડમાંથી બચવા અવનવા રીતે દારૂની હેરાફેરી શરૂ કરી દે છે. સુરત પોલીસે આવા બે કેસનો પર્દાફાશ કર્યો છે. જેમાં દારૂ માફિયાઓ એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડના વાહનોમાં દારૂની હેરાફેરી કરતા હતા. એમ્બ્યુલન્સમાં દારૂની હેરાફેરી કરનાર વ્યક્તિ ઝડપાઈ ગયો હતો. પરંતુ ફાયર બ્રિગેડના વાહનમાં દારૂની હેરાફેરી કરનાર વ્યક્તિ નાસી છૂટ્યો હતો.

જો તમે પુષ્પા ફિલ્મ જોઈ હોય તો તેમાં પોલીસથી બચવા માટે દૂધ ભરેલા ટેન્કરમાં ચંદનની દાણચોરી કરતા હોવાનું બતાવ્યું છે. આ જ પુષ્પા સ્ટાઈલમાં સુરતમાં દારૂ માફિયાઓ પોલીસથી બચવા એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડના વાહનમાં દારૂની હેરાફેરી કરતા ઝડપાયા છે.

જ્યારે એમ્બ્યુલન્સ અથવા ફાયર બ્રિગેડનું વાહન નેશનલ હાઈવે પરથી પસાર થાય છે ત્યારે વાહન ચાલકો તેમને રસ્તો આપે છે. સુરતના પલસાણા વિસ્તારમાંથી મહારાષ્ટ્ર પાસિંગની એમ્બ્યુલન્સ પસાર થવાની હતી. પોલીસને બાતમી મળી હતી કે એમ્બ્યુલન્સમાં કોઈ દર્દી નથી પરંતુ દારૂની હેરાફેરી થઈ રહી છે.

આગોતરી માહિતીના આધારે પોલીસે સફેદ કલરની એમ્બ્યુલન્સને અટકાવી અંદરથી દારૂની 842 બોટલો જપ્ત કરવામાં આવી હતી, જેની કિંમત 105250 રૂપિયા આંકવામાં આવી છે. જ્યારે એમ્બ્યુલન્સની કિંમત 70000 રૂપિયા આંકવામાં આવી છે. કુલ મળીને ₹180250નો માલ જપ્ત કરવામાં આવ્યો હતો.

એમ્બ્યુલન્સ ચાલક ઋષિકેશ શાંતારામ ભાઈ પવારની ધરપકડ કરવામાં આવી છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં એમ્બ્યુલન્સના ચાલકે જણાવ્યું હતું કે તેણે પોલીસથી બચવા માટે આ યુક્તિ અપનાવી હતી અને તે મહારાષ્ટ્રના નાસિકથી બીજી વખત એમ્બ્યુલન્સમાં દારૂ ભરીને સુરત આવ્યો હતો.

આવી જ રીતે પોલીસને બાતમી મળી હતી કે દારૂ માફિયાઓ ફાયર બ્રિગેડના વાહનમાં દારૂની હેરાફેરી કરી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે વડસા ગામ પાસે ફાયર બ્રિગેડના વાહનને અટકાવતા વાહન ચાલક રાત્રિના અંધારામાં ફાયર બ્રિગેડની ગાડીને મૂકીને સ્થળ પરથી ભાગી ગયો હતો. પોલીસે તે વાહનની તલાશી લેતા તેમાંથી 3780 દારૂની બોટલો મળી આવી હતી. દારૂ માફિયાઓ દ્વારા દારૂની હેરાફેરી કરવાની પુષ્પા સ્ટાઈલને લઈને ખુદ પોલીસ પણ આશ્ચર્યમાં છે.

આ પણ વાંચો :-

Share This Article