ઓડિશાની મહાનદીમાં બોટ પલટી જતાં એક બાળક સહિત ૭ લોકોનાં મોત

Share this story

ઓડિશાના ઝારસુગુડા જિલ્લામાં શુક્રવારે મોડી સાંજે એક મોટી બોટ દુર્ઘટના ઘટી હતી. અહીં મહાનદી નદીમાં એક હોડી પલટી જવાથી સાત લોકોના મૃત્યુ થયા હોવાની માહિતી મળી છે. લોકોના મોતની પુષ્ટિ થઈ હતી. જણાવવામાં આવી રહ્યું છે કે આ તમામ લોકો છત્તીસગઢના રહેવાસી હતા. દરમિયાન, ગુમ થયેલા લોકોને શોધવા માટે શોધ અને બચાવ કામગીરી ચાલુ છે.

ઓડિશાના ODRF અને ફાયર ઇમરજન્સીના સ્કુબા ડાઇવર્સ દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. આ દરમિયાન અત્યાર સુધીમાં ૭ લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે એક બોટમાં આશરે ૫૦ જેટલા લોકો રાયગઢ જિલ્લાની સરહદે ઓડિશાના પંચગાંવ સ્થિત પથરસેની મંદિરમાં દર્શન કરવા ગયા હતા. આ દરમિયાન, આ બધા એક બોટમાં મુસાફરી કરી રહ્યા હતા અને અચાનક હોડી પલટી જતા આ સમગ્ર ઘટના બની હતી.

આ ઘટનામાં ડૂબી જવાથી મૃત્યુ પામેલાઓમાં રાધિકા રાઠીયા, કેસરબાઈ રાઠીયા, લક્ષ્મી રાઠીયા, બાળક કુણાલ રાઠીયા અને એક બાળક નવીન રાઠીયાના મૃતદેહ મળી આવ્યા છે. આ ઘટનામાં ૮ લોકોમાંથી ૭ લોકોના મૃતદેહ મળી આવ્યા છે. એક વ્યક્તિની શોધ હજુ ચાલુ છે. આ તમામ લોકો છત્તીસગઢના ખરસિયા વિધાનસભા ક્ષેત્રના હોવાનું કહેવાય છે.

પોલીસના જણાવ્યા અનુસાર, બોટ પાથરસેની કુડાથી બરગઢ જિલ્લાના બાંજીપલ્લી જઈ રહી હતી. તેમાં ૫૦થી વધુ લોકો હતા. હોડી ઝારસુગુડા જિલ્લાના રેંગાલી પોલીસ સ્ટેશની હદમાં સારદા ઘાટ પર પહોંચી કે તરત જ તે પલટી ગઈ. સ્થળ પર હાજર માછીમારોએ શુક્રવારે સાંજે જ ૩૫ લોકોને પાણીમાંથી બહાર કાઢ્યા હતા. માહિતી મળતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને વધુ ૭ લોકોને બચાવી લીધા હતા. બચાવ ટીમે જણાવ્યું કે શનિવાર સવાર સુધી ૪૭-૪૮ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. એક મહિલાની લાશ મળી આવી છે.