મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી અને એનસીપી નેતા બાબા સિદ્દીકીની હત્યા કેસમાં વધુ 5 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં શૂટર શિવકુમાર અને તેને આશરો આપનારાઓની રવિવારે (10 નવેમ્બર) ધરપકડ કરવામાં આવી હતી. STF ઉત્તર પ્રદેશ અને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની સંયુક્ત ટીમે આ શૂટરને પકડ્યો છે. પોલીસે તેને નાનપરા બહરાઈચમાંથી પકડી પાડ્યો હતો.
ઉત્તર પ્રદેશની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (એસટીએફ) અને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમે જૉઈન્ટ ઑપરેશન હાથ ધરી રવિવારની સાંજે શિવકુમાર ગૌતમ, અનુરાગ કશ્યપ, જ્ઞાન પ્રકાશ ત્રિપાઠી, આકાશ શ્રીવાસ્તવ અને અખિલેન્દ્ર પ્રતાપ સિંહને પકડી પાડ્યા હતા. અનુરાગ કશ્યપ આ કેસમાં અગાઉ ધરપકડ કરાયેલા શૂટર ધર્મરાજ રાધે કશ્યપનો ભાઈ છે. પાંચેય આરોપીને મુંબઈ લાવવામાં આવી રહ્યા હોવાનું એક અધિકારીએ જણાવ્યું હતું.
બાન્દ્રા પૂર્વમાં 12 ઑક્ટોબરની રાતે ગોળી મારી બાબા સિદ્દીકીની હત્યા કરવામાં આવી હતી. હત્યામાં સંડોવાયેલા બે શૂટર ગુરમેલ બલજિત સિંહ અને ધર્મરાજ કશ્યપ ઘટનાની રાતે જ ઝડપાઈ ગયા હતા, જ્યારે મુખ્ય શૂટર શિવકુમાર ફરાર થઈ ગયો હતો. શિવકુમાર ઉત્તર પ્રદેશના બહરાઈચનો વતની હોવાથી મુંબઈ પોલીસે તેની માહિતી મેળવવા અંગે યુપી એસટીએફની મદદ માગી હતી. 23 ઑક્ટોબરે આ અંગેનો પત્ર પણ યુપી પોલીસને આપવામાં આવ્યો હતો.
પ્રાથમિક પૂછપરછમાં શિવકુમાર ગૌતમે પોલીસને જણાવ્યું હતું કે સિદ્દીકીની હત્યા માટે તેને 10 લાખ રૂપિયા મળવાના હતા. એ સિવાય દર મહિને મહેનતાણું આપવાનો વાયદો તેને કરવામાં આવ્યો હતો. પૂનામાં ભંગારના કામ દરમિયાન તેની ઓળખાણ શુભમ લોણકર સાથે થઈ હતી. ફરાર શુભમ લોણકર ગુજરાતની સાબરમતી જેલમાં બંધ ગૅન્ગસ્ટર લૉરેન્સ બિશ્ર્નોઈ માટે કામ કરતો હોવાનું તેણે જણાવ્યું હતું.
મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી બાબા સિદ્દીકીની હત્યાના સંદર્ભમાં સતત તપાસ ચાલી રહી છે અને આરોપીઓની ધરપકડ કરીને પૂછપરછ કરવામાં આવી રહી છે. આ પહેલા ગુરુવારે (7 નવેમ્બર) મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે પુણેમાંથી વધુ બે લોકોની ધરપકડ કરી હતી. આ પહેલા બુધવારે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે પૂણેથી ગૌરવ અપુને (23)ની ધરપકડ કરી હતી. તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે ગૌરવ બાબા સિદ્દીકીની હત્યાની યોજના બનાવવા માટે અન્ય આરોપીઓને ઘણી વખત મળ્યો હતો. તમને જણાવી દઈએ કે NCP નેતા બાબા સિદ્દીકીની 12 ઓક્ટોબરે મુંબઈના બાંદ્રામાં તેમના પુત્ર જીશાન સિદ્દીકીની ઓફિસની બહાર ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ હત્યાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી હતી.
આ પણ વાંચો :-