બાંગ્લાદેશની ઢાકામાં સાત માળની ઇમારતમાં આગ લાગતાં ૪૩ લોકોનું મૃત્યું

Share this story

બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં ગુરુવારે મોડી રાત્રે એક મોટી દુર્ઘટના જોવા મળી હતી. આ દરમિયાન રાજધાની ઢાકામાં સાત માળની ઈમારતમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ આગમાં દાઝી જવાથી ૪૩ લોકોના મોત થયા હતા અને ડઝનબંધ લોકો ઘાયલ થયા હતા. બાંગ્લાદેશના સ્વાસ્થ્ય મંત્રી સામંત લાલ સેને ઢાકા મેડિકલ કોલેજ હોસ્પિટલ અને નજીકની બર્ન્સ હોસ્પિટલની મુલાકાત લીધા બાદ જણાવ્યું કે આગમાં અત્યાર સુધીમાં ૪૪ લોકોના મોત થયા છે. સ્વાસ્થ્ય મંત્રીના જણાવ્યા અનુસાર લગભગ ૪૦ ઘાયલોને શહેરની મુખ્ય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમની સારવાર કરવામાં આવી રહી છે. મૃત્યુઆંકમાં પણ વધારો થઈ શકે છે.

એક પ્રેસ બ્રીફિંગમાં, આઈજીપી ચૌધરી અબ્દુલ્લા અલ મામુને ખુલાસો કર્યો કે, ૭૫ લોકોને બચાવી લેવામાં આવ્યા છે, જેમાંથી કેટલાકને સુરક્ષિત રીતે ઘરે પાછા ફરતા પહેલા પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. આગને કાબૂમાં લેવા માટે સંઘર્ષ કરી રહેલા અગ્નિશામકોએ જણાવ્યું હતું કે મોટાભાગના ભોગ બનેલા લોકોનું મૃત્યુ ઇમારત પરથી કૂદકો માર્યા પછી અથવા દાઝી જવાથી અને ગૂંગળામણને કારણે થયેલી ઇજાઓથી થયું હતું. ઈમારતમાંથી મૃતદેહોને રાહ જોઈ રહેલી ટ્રકમાં ખસેડવાની પ્રક્રિયા સવારે ૧ વાગ્યાથી શરૂ થઈ હતી.

પ્રથમ માળે આવેલી કચ્છીભાઈ રેસ્ટોરન્ટમાં રાત્રે લગભગ ૯:૪૫ વાગ્યે આગ ફાટી નીકળી હતી, જે ઝડપથી ગ્રાહકો જ્યાં જમતા હતા ત્યાં સુધી ફેલાઈ ગઈ હતી. બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશ, રેપિડ એક્શન બટાલિયન, જનરલ અંસાર અને અંસાર ગાર્ડ બટાલિયનના સહયોગથી 13 ફાયર સર્વિસ યુનિટોએ આગ ઓલવવા માટે અથાક મહેનત કરી હતી. ફાયર અધિકારીઓએ રેસ્ટોરન્ટના રસોડામાં કેટલાક માળ પર રહેલા ગેસ સિલિન્ડરોને કારણે આગ ઝડપથી ફેલાઈ હતી. ઢાકા ટ્રિબ્યુનના અહેવાલ મુજબ, દાદરમાં ગાઢ ધુમાડાના કારણે લોકો તાત્કાલિક બિલ્ડિંગમાંથી બહાર નીકળી શકતા ન હતા, જેના કારણે પરિસ્થિતિ ગંભીર બની ગઈ હતી.

આ પણ વાંચો :-