હલ્દવાની હિંસાના મુખ્ય આરોપી સામે ૨.૪૪ કરોડની રિકવરી નોટિસ ફટકારી

Share this story

ઉત્તરાખંડમાં હલ્દવાની મ્યુનિસિપલ કોર્પોરેશને બનભૂલપુરા હિંસાના મુખ્ય આરોપી અબ્દુલ મલિક વિરુદ્ધ સરકારી સંપત્તિઓને કથિત રીતે નુકસાન પહોંચાડવા બદલ ૨ કરોડ ૪૪ લાખ રૂપિયાની વસૂલી નોટિસ ફટકારી છે. મ્યુનિસિપલ કમિશનર દ્વારા જારી કરાયેલી નોટિસમાં કહેવામાં આવ્યું છે કે મલિકના સમર્થકોએ ‘મલિક કા બગીચા‘માં ગેરકાયદેસર રીતે બાંધવામાં આવેલી બે ઈમારતોને ધ્વસ્ત કરી દેવા માટે ગયેલી વહીવટી ટીમ પર હુમલો કરીને મ્યુનિસિપલ કોર્પોરેશનની મિલકતોને નુકસાન પહોંચાડ્યું હતું.

મલિક દ્વારા કથિત રીતે થયેલા નુકસાનનું પ્રાથમિક મૂલ્યાંકન રૂપિયા ૨.૪૪ કરોડ હોવાનું જણાવતા, મ્યુનિસિપલ કોર્પોરેશને તેમને આ રકમ ૧૫ ફેબ્રુઆરી સુધીમાં હલ્દવાનીની મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જમા કરાવવા જણાવ્યું છે. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે જો આમ નહીં કરવામાં આવે તો કાયદાકીય માધ્યમથી તેની પાસેથી વસૂલાત કરવામાં આવશે.

મલિકે કથિત રીતે ગેરકાયદેસર મદરેસા અને નમાઝ સ્થળનું નિર્માણ કર્યું હતું, જેને ધ્વંસ કરવાની કામગીરી દરમિયાન હિંસા ફાટી નીકળી હતી. ૮ ફેબ્રુઆરીના રોજ આ ફાટી નીકળેલી હિંસામાં, બદમાશોએ વહીવટી કર્મચારીઓ પર પથ્થરમારો કર્યો હતો અને વાહનોને સળગાવી દીધા બાદ, તેઓએ બનભૂલપુરા પોલીસ સ્ટેશનને પણ સળગાવી દીધું હતું. ઘટના દરમિયાન પોલીસે બળપ્રયોગ પણ કર્યો હતો. હિંસામાં છ લોકો માર્યા ગયા હતા અને પોલીસકર્મીઓ તેમજ પત્રકારો સહિત ૧૦૦થી વધુ લોકો ઘાયલ થયા હતા.

આ પણ વાંચો :-