Saturday, Sep 13, 2025

ઠાસરામાં શિવજીની યાત્રા પર પથ્થરમારાની ઘટનામાં ૧૫ની અટકાયત, પોલીસે ૩ અલગ ફરિયાદ દાખલ કરી

2 Min Read
  • ખેડાના ઠાસરા તાલુકામાં શ્રાવણ મહિનાની અમાસે શિવજીની સવારી દરમિયાન બે જુથો વચ્ચે પથ્થરમારાની ચોંકાવનારી ઘટના સામે આવી હતી. તોફાની તત્વોએ શાંતિ ડહોળવાનો પ્રયાસ કરતા પોલીસ સક્રિય થઈ હતી.

ખેડાના ઠાસરા તાલુકામાં શ્રાવણ મહિનાની અમાસે શિવજીની સવારી દરમિયાન બે જુથો વચ્ચે પથ્થરમારાની ચોંકાવનારી ઘટના સામે આવી હતી. તોફાની તત્વોએ શાંતિ ડહોળવાનો પ્રયાસ કરતા પોલીસ સક્રિય થઈ હતી. આ મામલે અત્યાર સુધીમાં અલગ અલગ ૩ ફરિયાદ નોંધવામાં આવી છે. અત્યાર સુધીમાં ૧૫ જેટલા લોકોની અટકાયત કરી લેવામાં આવી છે.

જેમાં એક ફરિયાદ હિન્દુ પક્ષ દ્વારા ૧૭ જેટલા વ્યક્તિઓ સામે દાખલ કરવામાં આવી છે. તો અન્ય એક ફરિયાદ મુસ્લિમ પક્ષ દ્વારા ૧૦૦૦થી ૧૫૦૦ લોકોના ટોળા સામે દાખલ કરવામાં આવી છે. જ્યારે અન્ય એક ફરિયાદ પોલીસ કોન્સ્ટેબલ દ્વારા પણ કરવામાં આવી છે જેમાં ચાર વ્યક્તિઓ વિરૃદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તો સમગ્ર ઠાસરા શહેરમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

શુક્રવારે શ્રાવણ મહિનાનો અંતિમ દિવસ હોવાથી શિવજીની યાત્રાનું આયોજન કરવામાં કરવામાં આવ્યું હતું. જો કે કેટલાક અસામાજિક તત્વો દ્વારા વાતાવરણ ડહોળવાના ઇરાદે યાત્રા પર પથ્થરમારો કર્યો હતો. ત્યાર બાદ સ્થિતિ વણસતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. સમગ્ર સ્થિતિ પર કાબુ મેળવ્યો હતો.

આ અંગે ધારાસભ્ય યોગેન્દ્રસિંહ પરમારે કહ્યું કે, ઠાસરામાં થયેલી ઘટના અંગે માહિતી મળી છે. આ અંગે એસપી અને કલેક્ટર સહિતના અધિકારીઓ સાથે વાતચીત કરી છે. આ કૃત્ય કરનારા એક પણ વ્યક્તિને છોડવામાં આવશે નહીં. તમામ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. ઉદાહરણીય કાર્યવાહી કરાશે કે ભવિષ્યમાં ફરી કોઈ આ પ્રકારનું કૃત્ય ન કરે. હાલ સ્થિતિ કાબુમાં છે. પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

 

Share This Article