સુરતમાં મોડી રાત્રે લિફ્ટમાં ફસાયેલા ૧૦ લોકોને આખરે દીવાલ તોડીને બહાર કઢાયા

Share this story
  • સુરતમાં મોડી રાત્રે લિફ્ટ બંધ પડી જવાની ઘટના બની હતી. જેમાં ૧૦ લોકો ફસાઈ ગયા હતા. લિફ્ટનું મેઈન્ટેન્સ જોતી કંપની દ્વારા લોકોને બહાર કાઢવામાં સફળતા ન મળ્યા પછી આખરે આ ઘટનામાં ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી.

સુરત શહેરના અલથાણમાં બુધવારની મોડી રાત્રે ૧૦ લોકો લિફ્ટમાં ફસાયાની ઘટના બની હતી. અંધારામાં લિફ્ટમાં લોકોની ફસાઈ જવાની ઘટનાએ લોકોના જીવ ઊંચા કરી દીધા હતા. બનાવની જાણ થતાં મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા અને ફસાયેલાને બહાર કાઢવાના વિવિધ પ્રયાસો શરુ કરવામાં આવ્યા હતા.

 

હોસ્પિટલમાં આવેલી લિફ્ટમાં લોકો ફસાઈ જવાનો આ બનાવ બન્યો હતો. આ ઘટના બનતા લિફ્ટ મેઈન્ટેન્સની જવાબદારી સોંપાઈ હોય તે કંપનીઓ સામે પણ કેટલાક સવાલો ઉભા થઈ રહ્યા છે.

હોસ્પિટલની લિફ્ટમાં ફસાયેલા ૧૦ લોકોને બહાર કાઢવા માટે દીવાલ તોડવી પડી હતી. ઘટના અંગે જાણ થતાં ફાયર વિભાગની ટીમ બનાવના સ્થળ પર પહોંચી ગઈ હતી. પછી ફસાયેલા લોકોને બહાર કાઢવાના પ્રયાસ શરુ કરવામાં આવ્યા બાદ આખરે દીવાલ તોડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

 સુરતના અલથાણમાં આવેલી સિગ્નેચર હોસ્પિટલની લિફ્ટ પાછલી મોડી રાત્રે બંધ પડી હતી. જેમાં વહેલી સવારે 4 વાગ્યાની આસપાસ બંધ પડેલી લિફ્ટમાંથી લોકોને બહાર કાઢવામાં સફળતા મળી છે. ફાયર વિભાગને લિફ્ટમાં 10 લોકો ફસાયા હોવાની માહિતી મળી હતી. લિફ્ટ ખામીના કારણે અટકી ગઈ હોવાથી તેમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી.

લિફ્ટ બંધ પડવાની ઘટના બાદ સૌથી પહેલા લિફ્ટનું મેઈન્ટેનન્સનું કામ જોતી કંપનીને જાણ કરવામાં આવી હતી. જોકે, આ પ્રયાસમાં લિફ્ટ ફરી શરુ કરીને લોકોને બહાર કાઢવામાં સફળતા ન મળ્યા બાદ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. જેમાં ફાયર બ્રિગેડ દ્વારા દીવાલ તોડીને ૧૦ લોકોને બહાર કાઢવાનો નિર્ણય લેવાયો હતો.

લિફ્ટની અંદર લોકો લગભગ એકથી દોઢ કલાક જેટલો સમય ફસાયેલા રહ્યા હોવાની વિગતો મળી રહી છે. આ ઘટનામાં કેટલીક ચોંકાવનારી વિગતો પણ સામે આવી રહી છે. લિફ્ટ મેઈન્ટેનન્સનું કામ કરતી કંપનીઓ દ્વારા ૧૨ મહિનાના કોન્ટ્રાક્ટમાં માત્ર ૧૦ મહિનાની જ સર્વિસ આપવામાં આવતી હોય છે. જો તેમનો કોન્ટ્રાક્ટ ૧૦મા મહિના પછી રિન્યૂ ન થાય તો તેઓ સર્વિસ આપવાનું બંધ કરી દેતા હોય છે.

આ પણ વાંચો :-