Sunday, Sep 14, 2025

સુરતના સિંગણપોર સ્વીમીંગ પુલ ફીમાં તોતિંગ ભાવ વધારો થતાં વિરોધ પ્રદર્શન

2 Min Read

સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્વિમિંગ પુલમાં 80 થી માંડીને 300 ટકાનો વધારો કરાયો છે તેનો વિરોધ અનેક જગ્યાએ થઈ રહ્યો છે. આજે સિંગણપોર સ્વીમીંગ પુલ બહાર સભ્યો દ્વારા પ્લે કાર્ડ સાથે વિરોધ પ્રદર્શન  કરવામાં આવ્યું હતું. પાલિકા દ્વારા સ્વિમિંગ પુલની ફીમાં 80થી 300 ટકાનો આકરો વધારો, ગરીબ અને મધ્યમ વર્ગ સ્વિમિંગ પુલનો ઉપયોગ નહીં કરી શકે તેમ જણાવી આજે પ્રતિક ધરણા કર્યા હતા. તેમ છતાં જો શાસકો ફી નહીં ઘટાડે તો સભ્યો દ્વારા ભેગા મળીને વધુ ધરણા કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

સુરત મહાનગરપાલિકા સંચાલિત 18 જેટલા સ્વિમિંગ પુલમાં લાંબા સમયથી ફીમાં કોઈ વધારો કરાયો નથી તેવું જણાવી પાલિકાએ સ્વિમિંગ પુલની ફીમાં તોતીંગ વધારો કર્યો છે. વિવિધ સ્વિમીંગ પુલનો નિયમિત ઉપયોગ કરનારા સભ્યો દ્વારા આ ફી વધારાનો વિરોધ કરવામા આવી રહ્યો છે. આજે પાલિકાના કતારગામ ઝોનમાં આવેલા સ્વિમિંગ પુલ બહાર સભ્યો દ્વારા આ ફી વધારાનો વિરોધ કરવામાં આવ્યો હતો. વિરોધ પ્રદર્શન કરનારા મહેન્દ્ર કાચરીયાએ જણાવ્યુ હતુ કે, પાલિકા દ્વારા વર્ષ 2018 માં દર વર્ષે 100 રૂપિયા ફી વધારાની વાત કરવામા આવી હતી. પરંતુ પાલિકાએ આ વર્ષે 80 ટકાથી માંડીને 300 ટકા સુધીનો વિવિધ કેટેગરીમાં વધારો કરી દીધો છે જે સામાન્ય માણસ માટે અસહ્ય છે.

પાલિકાની ફી પહેલા 900 રૂપિયા હતી તે સીધી વધારીને 3500 રૂપિયા કરી દેવામાં આવી છે. આ ઉપરાંત 2500 રૂપિયા ફી હતી તેને સીધી 4500 રૂપિયા કરી દેવામાં આવી છે. આવી જ રીતે ત્રણ, છ, નવ અને બાર મહિનાની ફીમાં 80થી 300 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો જેઓ સ્વિમિંગ શિખવા માગતા હોય તેવા સભ્ય પણ બની ન શકે તેવી ફી વધારા સામે વિરોધ છે.

આ પણ વાંચો :-

 

Share This Article