ઉત્તરકાશીમાં સિલ્કયારા ટનલમાંથી તમામ શ્રમિકોને બહાર લાવવાની તૈયારીઓ શરૂ

Share this story

ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં સિલ્ક્યારા ટનલમાં ૧૭ દિવસથી ફસાયેલા ૪૧ શ્રમિકો માટે આજે નવો સુરજ ઉગવાની તૈયારીમાં છે, તમામ શ્રમિકો થોડા સમયમાં જ બહાર આવશે. NDRF-SDRF, ઉત્તારખંડ પોલીસ, વહિવટી તંત્ર સહિતની ટીમ દ્વારા અથાગ મહેનત બાદ શ્રમિકોને ટનલમાંથી સફળતાપૂર્વક બહાર કાઢવાની કામગીરી ઝડપી બનાવાઈ છે. હાલ શ્રમિકોના પરિવારજનો ટનલ પાસે પહોંચી ગયા છે. શ્રમિકો બહાર આવવાની સાથે જ તેમનું ફુલહારથી સ્વાગત કરવામાં આવશે. ટનલ પાસે મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી, કેન્દ્રીય મંત્રી જનરલ વીકે સિંહ (નિવૃત્ત), PMOના ભૂતપૂર્વ સલાહકાર ભાસ્કર ખુલબે અને ભૂતપૂર્વ એન્જિનિયર-ઈન-ચીફ અને BRO DG લેફ્ટનન્ટ જનરલ હરપાલ સિંહ (નિવૃત્ત) પણ સ્થળ પર ઉપસ્થિત છે. તમામ શ્રમિકો ૮ રાજ્યોના હોવાનું પણ કહેવાય છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીને ફરી ફોન કરીને ટનલમાં ફસાયેલા મજૂરોની રાહત અને બચાવ કાર્ય અંગે માહિતી લીધી હતી. તેમણે કહ્યું હતું કે અંદર ફસાયેલા કામદારોની સુરક્ષાની સાથે બહાર રાહત કાર્યમાં લાગેલા લોકોની સુરક્ષા માટે પણ ખાસ કાળજી લેવી જોઈએ.

આજે સવારે માઈનીંગ વચ્ચે સિલ્ક્યારામાં વરસાદ શરૂ થયો હતો. આવી સ્થિતિમાં બચાવ કાર્યમાં લાગેલી ટીમોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો, જોકે વરસાદ રોકાઈ ગયા બાદ સૌકોઈએ રાહતના શ્વાસ લીધા હતા. જણાવી દઈએ કે આજે રાજ્યના પહાડી વિસ્તારો, ઉત્તરકાશી, ચમોલી અને પિથોરાગઢમાં છૂટાછવાયા સ્થળોએ હળવા અને ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. ૩૫૦૦ મીટરથી વધુની ઉંચાઈ પર હિમવર્ષા થવાની સંભાવના છે.

આ પણ વાંચો :-