લગભગ ૭૦ લાખની વસ્તીથી ફાટફાટ થતાં સુરતમાં ગુનાખોરી રોકવા પો.કમિ. અજય તોમરની ‘જાદુઈ છડી’

Share this story
  • વસ્તી અને વિસ્તારમાં અફાટ વધારો છતાં ગુનાખોરી ઉપર નિયંત્રણ પાછળ પોલીસદળની માનસિક સ્થિતિમાં બદલાવ કારણભૂત
 
  • નજીકના ભૂતકાળમાં મોર્નિંગ વોકથી શરૂ કરીને શાકભાજી માર્કેટ સુધી મહિલાઓ સલામત
    નહોતી, પરંતુ હવે સ્થિતિ બદલાઈ છે, કારણ ગુનેગારોને ભગાડવા પોલીસની હાજરી જ મહત્ત્વની
 
  • ઉપરી અધિકારીઓ બદલાયા પરંતુ પોલીસ જવાનો તો એના એજ છે છતાં પોલીસ દળના નૈતિક જુસ્સામાં બદલાવ લાવવામાં આવતાં પોલીસની સક્રિયતામાં નવું જોમ રેડાયું
 
  • અજય તોમરને એ પણ ખબર છે કે, નવાપુરા રાણાવાડ (ગોલવાડ)માં એક ચબુતરા નીચે લખ્યું છે કે, ‘‘અહિંયા બેસીને દારૂ પીવાની મનાઈ છે’’
 
કોઈપણ ગામ કે શહેરનો વિસ્તાર અને વસ્તી વધે એટલે સમાંતર ગુનાખોરી વધવાની, પરંતુ સુરત માટે કંઈ જ જુદુ જ ચિત્ર ઉપસી રહ્યું છે. સુરતનો વિસ્તાર અને વસ્તીમાં બેહદ વધારો થયો છે. લગભગ ૭૦ લાખની વસ્તીથી ફાટફાટ થતાં આ શહેરમાં ચમત્કારીક શાંતિ પ્રસરી રહી છે. સુરત ઔદ્યોગિક શહેર હોવા ઉપરાંત દેશભરના રાજ્યોના અર્ધશિ‌‌િક્ષત અને મજુર વર્ગની ખૂબ મોટી વસ્તીએ સુરતમાં સ્થળાંતર કર્યું છે. ડાયમંડ અને કાપડ, કેમિકલ્સ, એન્જિનિયરીંગ ઉદ્યોગથી ધમધમતા સુરત શહેરમાં સાવ અજાણ્યા માણસને પણ નોકરી મળી જાય છે. કારણ કે, આ એવા ઉદ્યોગો છે જેમાં મજુરી કામ મેળવવા ઉચ્ચ શિક્ષણની લાયકાતની જરૂર નથી. કોરોનાની મહામારી બાદ સુરતની વસ્તીમાં રાતોરાત ૧૦ લાખથી વધુ લોકોનો વધારો થયો હશે એમ કહી શકાય. કારણ ગુજરાતના ગ્રામિણ વિસ્તારના લોકો અને પરપ્રાંતિય લોકોનું રોજગારી માટે સુરત તરફ મોટાપાયે સ્થળાંતર થયું હતું અને થઈ રહ્યું છે.
પરંતુ આટલી મોટી વસ્તીનું સ્થળાંતર અને વિવિધ પ્રાંત, વિવિધ ભાષા અને વિવિધ વર્ગના લોકોનો સમૂહ છતાં ગંભીર ગુનાખોરીમાં ઘટાડો. આને ચમત્કાર જ કહેવો પડે. કોરોના પછીની સ્થિતિ અને ચારેતરફ મંદીનો માહોલ હોવાથી સ્વભાવિક આર્થિક ગુનાખોરી વકરવા સાથે ચીલઝડપના બનાવોની સંખ્યા વધી શકે. પરંતુ આમાનું સુરતમાં કંઈ જ થયું નથી. કોઈ એકલ દોકલ બનાવોને બાદ કરતાં શહેરનું જનજીવન નિર્ભય બનીને ધબકી રહ્યું છે. અહિંયા મધરાત્રે પણ બહેન, દિકરીઓ જાહેર માર્ગો ઉપર નીકળી શકે છે. દેશના અન્ય પ્રાંતોમાં બનતી કોમવાદની ઘટનાના સુરતના કોઈ ખૂંણામાંથી પ્રત્યાઘાત જોવા કે સાંભળવા મળતા નથી.
પાછલાં બે ત્રણ વર્ષને નજીકથી જોવામાં આવે તો આ એક હકીકત છે. કોરોનાની મહામારીનો સામનો કરવા અને એકબીજાને મદદ કરવામાં સુરતમાં વર્ગવાદના વાડા ભુલાઈ ગયા હતા અને કોરોનાની મહામારીમાંથી બહાર આવ્યા પછી આર્થિક મંદીના દોરમાં પણ સુરતના કોઈ ખૂંણામાં કોઈ ગંભીર ગુનાખોરીની બૂમ ઊઠી નથી.
કારણ સુરત શહેરનું પોલીસતંત્ર સતર્ક છે અને પોલીસ તંત્રને સતર્ક રાખવા માટે સુકાની મજબૂત છે. ઘણી વખત આપણી આસપાસ બનતી સકારાત્મક અને સુખદ ઘટનાઓ પાછળના કર્ણધારોની ભૂમિકા મહત્ત્વની હોય છે. પહેલી વાત તો એ છે કે, ૭૦ લાખની અફાટ વસ્તી. ઠેર ઠેર ઔદ્યોગિક વસાહતો, લાંબો દરિયા કિનારો અને નજીકમાંથી પસાર થતો રાષ્ટ્રીય ધોરીમાર્ગ. ખરેખર તો ગુનેગારો માટે મોકલુ મેદાન કહી શકાય અને છતાં ગુનેગારો અહિંયા ફરકવા સુદ્ધાની હિંમત કરતા નથી. વળી જે કોઈ એકલ દોકલ ઘટનાઓ બનવા પામે છે તેમાં પણ સોએ સો ટકા રિકવરી સાથે ગુના ઉકેલાય ગયા છે.
આજે અષાઢી બીજ, રથયાત્રા અને વરસાદી માહોલથી શહેરમાં ખુશનુમા વાતાવરણ છવાઈ ગયું હતું. સુરતના પોલીસ કમિશનર અજયકુમાર તોમર કંઈક જુદા જ મૂડમાં હતા. મૂળભૂત કવિ હૃદયના અજયકુમાર તોમર સાથે કોઈપણ પ્રકારના આયોજન વગર ભેટો થઈ ગયો હતો. પાછલા લગભગ ત્રણ વર્ષથી સુરતમાં ફરજ બજાવી રહેલા અજયકુમાર તોમર પોતે પણ કંઈક અંશે સુરતી બની ગયા છે. થોડી ઘણી વાતો વચ્ચે સુરત શહેરના રિવાજ, ભૂતકાળ, ભૂતપૂર્વ સનદી અધિકારીઓ અને પંચરંગી સુરત વિશેની વાતો નીકળી હતી.
આ બધાની વચ્ચે સુરતની કાયદો, વ્યવસ્થાના મુદ્દે પ્રશ્ન છેડતા અજયકુમાર તોમરની આંખોમાં ગૌરવ સાથે રોનક છવાઈ ગઈ હતી અને તેમણે માંડીને વાત કરતાં કહ્યું હતું કે, સુરતની ધરતી મૂળભૂત રીતે પ્રેમાળ છે. અહિંયા કોઈને ઈર્ષાભાવ નથી. દરેક શહેર, રાજ્ય અને દેશનો એક સ્વભાવ હોય છે. કોઈ ગામ કે શહેરનું વિસ્તરવુ એ સ્વભાવિક પ્રક્રિયા છે, પરંતુ આ વિસ્તરણની સાથે સમાંતર ઘસડાઈ આવતા તત્ત્વોને ઓળખીને દૂર કરવામાં આવે કે નિયંત્રિત કરવામાં આવે તો ચોક્કસ ગુનાખોરી રોકી શકાય. સુરતમાં દેશભરના રાજ્યોના લોકો વસવાટ કરે છે. બધા જ અહિંયા બે પૈસાની કમાણી કરવા માટે જ આવે છે, પરંતુ શ્રમજીવી સમૂહની સાથે ઘુસી આવતા તત્ત્વોને ઓળખી લેવામાં આવે તો ગુનાખોરી ઉપર માત્ર નિયંત્રણ જ નહીં, પરંતુ પૂર્ણવિરામ પણ મુકી શકાય.
પરંતુ આ બધુ કરતાં પહેલા પોલીસદળના નૈતિક જુસ્સામાં વધારો કરવો અનિવાર્ય છે. ભૂતકાળમાં ઘણાં પોલીસના જ લોકો ગુનેગારો સાથે મળેલા હોવાની ઘટનાઓ બનવા પામી હતી. દારૂ, જુગારના અડ્ડાવાળાઓ સાથે ઉઠક બેઠક અને ઘણી વખત અનૈતિક ધંધામાં સંડોવણીના આક્ષેપો થતા હતા. કારણ પોલીસદળને યોગ્ય દિશા આપવાનું કામ થતું નહોતું. પ્રત્યેક પોલીસ જવાનમાં કોઈકને કોઈક ખૂબી છુપાયેલી હોય છે. આ ખૂબીને ઓળખવામાં આવે તો ધાર્યા પરિણામો મેળવી શકાય.
આજે સુરત પોલીસદળના જવાનોના ચારિત્ર્યનો ચોતરફો વિકાસ કરવામાં આવે છે. તેમનામાં છુપાયેલી શક્તિ, આવડતનો તેમને અહેસાસ કરાવવા સાથે પ્રજાના રક્ષણની જવાબદારી પ્રત્યે સજાગ કરવામાં આવવાથી ગુનાખોરી ઉપર નિયંત્રણ અને કોઈ ગુનો બન્યો હોય તો તત્કાળ ડિટેન્શન એટલે કે ગુનો અને ગુનેગારોને શોધી કાઢવામાં અપે‌િક્ષત સફળતા મળી રહી છે. વહેલી સવારે લોકોના મોર્નિંગ વોકના સ્થળથી શરૂ કરીને મધરાત્રે પણ પોલીસની જાહેરમાં હાજરી જોવા મળે છે.
આ ઉપરાંત પોલીસ દળને માનસિક અને શારીરિક તંદુરસ્ત રાખવાની દિશામાં કરાયેલા પ્રયાસો અપે‌િક્ષત પરિણામો આપનારા નીવડી રહ્યાં છે. પોલીસ જવાનોમાં ચિત્તા જેવી સ્ફૂર્તિ જોવા મળે છે.
અજય તોમરના કહેવા મુજબ ગુનાખોરી રોકવાનું કામ જાદુઈ છડી જેવું નથી, પરંતુ પોલીસના સનિષ્‍ઠ અને સંગઠિત પ્રયાસો હોય તો ગુનાખોરી ઉપર ચોક્કસ નિયંત્રણ લાવી શકાય. ધાડ, લૂંટ જેવી ગુનાખોરી આયોજનપૂર્વક આચરવામાં આવતી હોય છે. પરંતુ પોલીસ સતર્ક હોય અને બાતમીદારોનું સબળ નેટવર્ક હોય તો આવા ગંભીર ગુનાઓને અંજામ આપતા પહેલા રોકી શકાય છે.
પોલીસની સતર્કતાનું ઉદાહરણ આપતાં પો.કમિ. અજયકુમાર તોમરે કહ્યું હતું કે, તાજેતરમાં રાંદેર વિસ્તારના એક વકીલના ઘરમાં બનેલી ચોરીની ઘટનાના બીજા જ દિવસે સુરત પોલીસની ક્રાઈમ બ્રાંચે આખી ટોળકીનો પર્દાફાશ કરી નાંખ્યો અને નવસારી સહિત અન્ય સ્થળોએ ગુનેગારોએ આચરેલી ગુનાખોરીનો ભેદ ઉકેલી નાંખ્યો હતો.
રાહદારીઓ, પ્રવાસીઓ, મહિલાઓને રંઝાડતા ચીલઝડપ જેવી ગુનાખોરી રોકવા જાહેર સ્થળો ઉપર પોલીસની હાજરી જ પુરતી છે. જે કામ સુરત પોલીસના જવાનો કરી રહ્યાં છે. ફળશ્રૃતિરૂપે ચીલઝડપના ગુનાઓ ઉપર અપે‌િક્ષત નિયંત્રણ આવવાથી લોકોને શાંતિ સાથે સલામતિનો અહેસાસ થવા ઉપરાંત પોલીસ પ્રત્યેના વિશ્વાસમાં વધારો થઈ રહ્યો છે.
પાછલા ત્રણ વર્ષની ગુનાખોરીની વિગતો ઉપર નજર દોડાવવામાં આવે તો અને ગુનાખોરી ઉપર નિયંત્રણ લાવવામાં સુરત પોલીસ ગૌરવ લઈ શકાય એટલી હદે સફળ પુરવાર થઈ છે અને ગુનાઓ ઉકેલવામાં ૮૩ ટકા સુધી સફળ પુરવાર થઈ છે!
હત્યા, ઘાડ, લૂંટ, ઘરફોડ ચોરી અને ચોરી જેવી ઘટનાઓમાં ૮૩ ટકા જેટલા ગુનાઓ ઉકેલી નાંખવા સાથે ગુનેગારોને જેલના સળિયા પાછળ ધકેલી દેવાની કામગીરી સુરત પોલીસે કરી હોવાથી શહેરમાં ગુનાખોરી ઉપર આપોઆપ નિયંત્રણ આવે એ સ્વભાવિક છે. માત્ર ગુના ઉકેલવાથી અટકી નહીં જતા કોર્ટ કેસ ઝડપથી ચલાવડાવીને ગુનેગારોને સજા કરાવવામાં પણ સુરત પોલીસ સફળ રહી છે.
ખરેખર જોવા જઈએ તો સુરતના પો.કમિ. અજયકુમાર તોમરે આધુનિક સાધનોનો ઉપયોગ કરવા સાથે પોલીસદળનો નૈતિક જુસ્સો બહાર લાવીને સુરતના લોકોને સલામતિ બક્ષવામાં ‘જાદુઈ છડી’ જેવું કામ કર્યું છે. પાછલાં દિવસો ઉપર નજર ફેરવવામાં આવે તો ચીલઝડપ, છેડતી, જાહેરમાં હંગામો કે મારામારીની ઘટના બની હોવાનું જાણવા નહીં મળે. અન્યથા ઘરની બહાર નીકળતી ગૃહિણીને ચીલઝડપ બાજોથી સાવધ રહેવા ટકોર કરવી પડી હતી.
ચીલઝડપની ઘટનાઓ ઉપર નિયંત્રણ આવવા પાછળ જાહેર સ્થળોએ પોલીસની હાજરી જ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. નજીકના ભૂતકાળમાં મોર્નિંગ વોકમાં નીકળતી મહિલાઓની સુરક્ષા સામે સવાલો ઉઠતા હતા. પરંતુ વર્તમાન સ્થિતિ જુદી જ છે. કારણ કે લોકો મોર્નિંગ વોકમાં નીકળે ત્યાર પહેલા પોલીસની હાજરી જોતા ગુનેગારો ગુનાખોરી આચરવાની હિંમત કરતા નથી.
સુરત પોલીસની બદલાયેલી સુરત પાછળ પો.કમિ. અજય તોમરની મનોવૈજ્ઞા‌નિક રીતે કામ કરવાની પદ્ધતિ કારગત સાબિત થઈ રહી છે. અન્યથા પોલીસ દળમાં કોઈ મોટા બદલાવ આવ્યા નથી અને તેમ છતાં પોલીસ દળની સો ટકા અસરકારકતાની ઘટના સુરત પોલીસ માટે ચોક્કસ ગૌરવપ્રદ ગણી શકાય.
પો.કમિ. અજયકુમાર તોમરનું સૌથી મહત્ત્વનું જમા પાસુ એ છે કે, તેઓ કોઈપણ સમયે અને શહેરના કોઈપણ ખૂંણામાં લટાર મારતા જોવા મળશે. ક્યારેક સાયકલ ઉપર તો ક્યારેક મોટરસાયકલ ઉપર તો ક્યારેક જાતે ડ્રાઈવ કરીને કારમાં ફરતા જોવા મળશે અને તેમની આ ‘ટેવ’ને કારણે પણ પોલીસ દળમાં સતત જાગૃતિ જોવા મળે છે. કેટલીક વખત તો રાત્રે ગુડનાઈટ કહીને બંગલે પહોંચી ગયેલા પો.કમિ. અજય તોમર મન થાય તો મોટરસાયકલ લઈને પણ નીકળી પડે છે.
અને છેલ્લે અજયકુમાર તોમરને એ પણ ખબર છે કે, સુરતના નવાપુરા ગોલવાડ તરીકે જાણિતા વિસ્તારમાં એક ચબુતરા નીચે લખ્યું છે કે, ‘ચબુતરા નીચે બેસીને દારૂ પીવાની મનાઈ છે..!’
આ પણ વાંચો –