માનવ સેવાની કામગીરી માટે ઢંઢેરો શા માટે ? પૂણ્ય કરો તપ આપો આપ પ્રગટ થશે

Share this story
  • મૃતક ઉપર કફન ઓઢાડનારા ક્યારેય પોતાનું નામ લખતા નથી છતાં દુનિયાની નજરથી અજાણ પણ રહેતા નથી.
  • સુરતમાં ચક્ષુદાનની આહલેક જગાવનારા લોકોએ ક્યારેય ઢંઢેરો પીટ્યો નહોતો છતાં લિમ્કા વર્લ્ડ રેકોડમાં વારંવાર નોંધ લેવા સાથે દુનિયાના દેશોએ એવોર્ડ આપ્યા હતા.
  • લોકદૃષ્ટિ ચક્ષુબેંક ટ્રસ્ટ દ્વારા ૨૫ વર્ષમાં ૪૩૪૧૩ ચક્ષુઓનું દાન મેળવ્યું અને લગભગ ૮૫ હજાર લોકોને નવી દૃષ્ટિ આપી : રાષ્ટ્રપતિએ પણ સન્માન કર્યું પરંતુ ક્યારે જાહેરાતો કરી નથી.
  • સુરતના નીલેશ માંડલેવાલાની અંગદાન માટે જાગૃતિ ફેલાવતી ‘ડોનેટ લાઈફ’ સંસ્થાની કામગીરી સરાહનીય પરંતુ તેની સામે સમાંતર સરકારી હોસ્પિ.માં સક્રિય અંગદાન ટ્રસ્ટ અને જીવનદીપ ઓર્ગન ડોનેશન સંસ્થાની પ્રવૃતિ પણ માનવસેવાની મિશાલ બરાબર.

પાછલા કેટલાક સમયથી ગુજરાતમાં ઓર્ગન ડોનેશન એટલે કે ‘અંગદાન’ના નામે રાજકારણ ગરમાઈ રહ્યું છે. સુરતમાં ભૂતકાળમાં પણ અંગદાન થતા હતા, પરંતુ કોઈ ઢોલનગારા વાગતા નહોતા. ખરેખર તો દેહદાનની પ્રવૃત્તિ ગુજરાતમાં સૌપ્રથમ ભાવનગરથી શરૂ થઈ હતી. એ જમાનાના મૃતકના સ્વજનો ‘દેહદાન’ કરતા અચકાતા હતા, પરંતુ ખાસ કરીને મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ માટે થઈને જાગૃત લોકોમાં ‘દેહદાન’ની પ્રથા શરૂ થઈ હતી. અલબત્ત એ જમાનામાં અંગોનું બીજાના શરીરમાં રોપણ થતું નહોતું.

ભાવનગર પંથકમાં દેહદાન બાદ સુરતમાં ‘ચક્ષુદાન’ની જાગૃતિ આવી હતી. ડો. પ્રફુલ્લ શિરોયા, દિનેશ પટેલ, મફત શિરોયા અને હાલના રાજ્યકક્ષાના મંત્રી પ્રફુલ્લ પાનશેરિયાએ મૃતક વ્યક્તિના ચક્ષુદાન માટે આહલેક જગાવી હતી અને ફળશ્રુતિરૂપે લોકોમાં એટલી હદે જાગૃતિ આવી હતી કે એક તરફ ઘરમાં સ્વજનનું મૃત્યુ થયું હોય અને બીજી તરફ ચક્ષુદાન કરવા માટે લોકદૃષ્ટિ ચક્ષુ બેંકના ડો. પ્રફુલ્લ શિરોયાને જાણ કરવામાં આવતી હોય. સુરતમાં ચક્ષુદાનની ઉદારતાને પગલે કેટલાય લોકોની આંખનો અંધાપો દૂર થયો હશે. તેના આંકડા ગણવા પણ મુશ્કેલ છે.

કદાચ જાણીને નવાઈ લાગશે કે ૨૫ વર્ષ પૂર્વે ડો. પ્રફુલ્લ શિરોયાની ટીમે લોકોને ચક્ષુદાન કરવા માટે જાગૃત કરવા કમર કસી હતી ત્યારે છ માસમાં માત્ર ત્રણ મૃતકોના ચક્ષુઓનું દાન મળ્યું હતું અને છતા હિંમત હાર્યા વગર કે પબ્લિસિટીનો સ્ટંટ કર્યા વગર લોકોમાં જાગૃતિ લાવવાનો સતત પ્રયાસ ચાલુ રાખતા. આખરે મહેનતનું પરિણામ આવ્યું હતું અને કોઈપણ સ્થળે જાહેરાતનું પા‌િટયું મૂક્યા વગર ચક્ષુદાન માટે લોકોમાં સ્વયંભૂ જાગૃતિ આવી હતી અને આજે સ્થિતિ એવી છે કે રોજના સરેરાશ ત્રણ વ્યક્તિઓના ચક્ષુનું દાન આવે છે અને અનેક લોકો ચક્ષુદાન કરવાનો સંકલ્પ કરી ચૂક્યા છે. લોકદૃષ્ટિ ચક્ષુદાન ટ્રસ્ટની ૧૯૯૬ના વર્ષમાં ચોથી જૂનના રોજ સ્થાપના કરવામાં આવી હતી અને વિતેલાં ૨૭ વર્ષ દરમિયાન લગભગ ૪૩૪૧૩ લોકોના ચક્ષુઓનું દાન મળી ચૂક્યું છે અને એક ગણતરી મુજબ લગભગ ૮૫ હજાર લોકોને નવી દૃષ્ટિ મળી છે !

આ ઉપરાંત લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ લોકદૃષ્ટિ ચક્ષુદાન ટ્રસ્ટની એક નહીં, અનેક વખત નોંધ લેવામાં આવી હતી. આ ઉપરાંત અમેરિકા, જાપાન, અને ચીન દ્વારા પણ પ્રશંસાપત્ર એટલે કે એવોર્ડ એનાયત કરાયા હતા.

આટલું મોટ‌ું વિરાટ કાર્ય કરવા છતાં ડો.પ્રફુલ્લ શિરોયા, દિનેશ પટેલ, મફત શિરોયા કે પ્રફુલ્લ પાનશેરિયા દ્વારા કોઇ ઢંઢેરો પીટવામાં આવ્યો નથી પરંતુ રાબેતા મુજબ લોકસેવાનું કાર્ય કર્યા કરે છે. વળી આ ટ્રસ્ટે એક પણ રૂપિયાનું દાન ઉઘરાવ્યું નથી. સંસ્થા સાથે સકળાયેલી દરેક વ્યક્તિ ગજવાના ખર્ચીને સેવા કરી રહી છે.

પરંતુ ગુજરાતમાં પાછલા કેટલાક સમયથી ‘અંગદાન’ના નામે જાણે સ્પર્ધા ચાલી છે. વિજ્ઞાનનો વિકાસ થયો, નવા સંશોધનો થયાં અને માનવ શરીરના અંગોનું અન્ય જરૂરિયાતમંદ વ્યક્તિના શરીરમાં રોપણ કરવામાં ભારતના વિજ્ઞાને સિદ્ધિ હાંસલ કરી છે. વિજ્ઞાનનું સંશોધન સરવાળે માનવજીવન માટે ઉપકારકારક પુરવાર થઈ રહ્યું છે. પરંતુ માનવસેવાના કાર્યો માટે એકબીજાને નીચા પાડવાની કે ઢંઢેરો પીટવાની સ્પર્ધા શા માટે? લોકોમાં જાગૃતિ લાવવી જ જોઇએ.જાગૃતિ લાવવા માટે તાયફા કરવાની જરૂરિયાત નથી. જેનું સુરતની જ સંસ્થા લોકદૃષ્ટિ ચક્ષુબેંક જીવતું-જાગતું ઉદાહરણ છે.

સુરતમાં નીલેશ માંડલેવાલાએ ‘ડોનેટ લાઈફ’ નામની સૌપ્રથમ સંસ્થા શરૂ કરી અંગદાન માટે લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો અને અંગદાનની પ્રવૃત્તિને સફળ બનાવવા સરકારી તંત્રો પોલીસ સહિત  તમામે વિનમ્રભાવે મદદ પણ કરી હતી અને હજુ પણ કોઈક બ્રેઈનડેડ વ્યક્તિના અંગોનું દાન મળે ત્યારે સરકારી તંત્રો એટલા જ વિનમ્ર ભાવથી મદદ કરી રહ્યા છે.

પરંતુ પાછલા કેટલાક સમયથી નીલેશ માંડલેવાલાની પ્રવૃત્તિ સામે આંગળી ચીંધાઈ રહી છે. કોઈ ચોક્કસ કારણ નથી, પરંતુ જાહેર જીવનમાં પડેલા લોકો તેમનાથી વિમુખ થઇ રહ્યા છે અને બીજી નવી જ સંસ્થાઓ ઊભી થઈ ચૂકી છે. ખુદ સરકારી સંસ્થા સિવિલ હોસ્પિટલમાં જ બ્રેઈનડેડ વ્યક્તિના લોકોના અંગોનું દાન કરવા માટે લોકોને સમજાવવાનો અભિગમ અપનાવતા સુરત સિવિલ હોસ્પિટલમાં જ માત્ર ૧૦ માસમાં ૪૪ અંગોનું દાન મળ્યું હતું !

દિલીપદાદાના નામથી જાણીતા દિલીપ દેશમુખની આગેવાની હેઠળ શરૂ કરવામાં આવેલા ‘અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટ’ને અપેક્ષા કરતા વધુ આશ્ચર્યજનક સફળતા મળી છે આ ટ્રસ્ટમાં ડો. ગોવેકર, ડો.નીલેશ કાપડિયા, ડો.પારૂલ વડગામા, ડો.કેતન નાયક નર્સિંગ એસો.ના ઈકબાલ કડીવાલા વગેરે સુરત સિવિલ હોસ્પિ.માં કાર્યરત છે તથા બ્રેઈનડેડ દરદીના અંગોનું દાન કરવા માટે નજીકના સંબંધીઓને સમજાવવા સતત પ્રયાસો કરી રહ્યા છે. આ ઉપરાંત દિલીપ દેશમુખની આગેવાનીમાં અમદાવાદ, વડોદરા અને રાજ્યની અન્ય સરકારી હોસ્પિટલો ઉપરાંત ખાનગી હોસ્પિટલોમાં સારવાર હેઠળના બ્રેઇનડેડ અથવા તો અકસ્માતમાં મૃત્યુ પામેલી વ્યક્તિના સ્વજનોને સમજાવી અન્યને નવજીવન માટે અંગદાન કરવા સમજાવી રહ્યા છે અને અપેક્ષા કરતા પણ વધુ સફળતા મળી રહી છે.

કોઈ ચોક્કસ કારણો સામે આવ્યા નથી પરંતુ અંગદાનક્ષેત્રે જાગૃતિ ફેલાવતી અન્ય સંસ્થાઓને નીલેશ માંડલેવાલાની પ્રવૃત્તિ સામે ક્યાંક તકલીફ છે. બની શકે કે પર્સનાલિટી કલેશ પણ હોઇ શકે પરંતુ અંગદાનની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા મોટાભાગના લોકોને નીલેશ માંડલેવાલા સાથે ફાવતું નથી અને એટલે જ સરકારી હોસ્પિ.માં કરવામાં આવતી અંગદાનની પ્રવૃત્તિમાંથી નીલેશ માંડલેવાલાનો સમૂળગો એકડો કાઢી નંખાયો છે.

જાણવા મળતી વિગતો મુજબ દિલીપ દેશમુખ એટલે કે દિલીપદાદા પણ આરએસએસ સાથે સંકળાયેલા છે અને સરકાર અને ભાજપ પક્ષમાં ભારે પ્રભુત્વ ધરાવે છે. દિલીપદાદાની કિડની પણ બદલવામાં આવી હતી અને કોઇકના અંગદાનથી પોતાને નવજીવન મળ્યા બાદ પોતે પણ અંગદાનની પ્રવૃ‌‌ત્તિમાં જોડાઈ ગયા હતા અને સરકારી હોસ્પિટલોમાં પણ અંગદાન માટે જાગૃતિ ફેલાવવા માટે બાથ ભીડતા સકારાત્મક પરિણામો મળી રહ્યા છે અને દિલીપદાદાની પ્રેરણા અને સ્ટાફની મહેનતને પગલે સુરત સિવિલ હોસ્પિ.માં માત્ર ૧૦ માસમાં ૪૪ અંગદાન મળવાની ઘટના ચોક્કસ આશ્ચર્યજનક કહી શકાય. એ જ રીતે અમદાવાદ, વડોદરા, ભાવનગર, રાજકોટ સહિત રાજ્યભરની સરકારી હોસ્પિટલોમાં અંગદાનની પ્રવૃત્તિને અપે‌િક્ષત પ્રતિસાદ મળી રહ્યા હોવાથી આવનારા દિવસોમાં કદાચ સ્વયંભૂ લોકો આગળ આવતા હશે.

સુરતની જ વાત કરીએ તો માત્ર દોઢ વર્ષ પહેલા શરૂ થયેલા જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટની સમજાવટને કારણે છ વ્યક્તિઓના અંગોનું દાન મળ્યું હતું.

સરેરાશ જોવા જiએ તો ભૂતકાળમાં દેહદાન ત્યારબાદ ચક્ષુદાન અને હવે અંગદાનની સ્વયંભૂ જાગૃતિ આવી રહી હોવાથી આવનારા દિવસોમાં અંગદાન સહજ અને સામાન્ય બની જશે.

અલબત્ત, લોકોમાં અંગદાન માટે જાગૃતિ ફેલાવી રહેલા લોકોનો પણ સમાંતર આદર કરવો જોઇએ પરંતુ ‘‘આ કામ મેં કર્યું અથવા તો મારે કારણે નવજીવન મળ્યું’’ એવો ઢંઢેરો પીટવાની જરૂર નથી.

વળી અંગદાન જેવા સંવેદનશીલ કાર્યક્રમોમાં રાજકીય આગેવાનો લાવીને પોતાની જાતને મોટા બનાવવાની હરીફાઇમાં ઊતરવાથી સરવાળે સમાજની સેવા કરવાને બદલે સમાજને મોટું નુકસાન થશે.

આ પણ વાંચો :