Whose money is it Chancellor of GTU
ગુજરાત ટેક્નોલોજી યુનિવર્સિટી (Gujarat University of Technology) એક યા બીજા કારણસર સતત મીડિયામાં ચમકતી રહે છે. એમાંય વળી, તાજેતરમાં તો જીટીયુના કુલપતિએ (Chancellor of GTU) હદ વટાવી દીધી હોય એવી હકીકત પ્રકાશમાં આવી છે. વિદ્યા અને શિક્ષાના પાઠ ભણાવવાનું કાર્ય કરતી યુનિવર્સિટીના સત્તાધીશોને ચાલુ ફરજ દરમિયાન જ કર્મચારીઓને ફિલ્મ જોવા લઈ જવાનો ચસકો લાગ્યો હોય એવું દેખાઇ રહ્યું છે.
એક વખત નહીં, બલકે છેલ્લા ત્રણ મહિનામાં બીજી વખત ફિલ્મ જોવા લઈ ગયા હતા. ત્યાં સુધી કે આ ફિલ્મની ટિકિટનાં પૂરેપૂરાં નાણાં પણ કર્મચારીઓએ કાઢ્યા ન હતા અને તેમને ટિકિટની રકમમાં જીટીયુ તરફથી ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું હતું. આ ડિસ્કાઉન્ટ 5-10 રૂપિયા નહીં, બલકે તગડું ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું હતું. ત્યારે પ્રશ્ન એ થાય છે કે ડિસ્કાઉન્ટનાં નાણાં ચૂકવ્યાં કોને ? એ તપાસનો વિષય છે.
જો આ વધારાનાં નાણાં યુનિવર્સિટીએ પણ ભોગવ્યા હોય તો એવું તો શું રહી જતું હતું કે યુનિવર્સિટી દ્વારા ફિલ્મ જોવા માટે પોતાના પૈસે કર્મચારીઓને ફિલ્મ બતાવી હતી. આ ડિસ્કાઉન્ટની રકમ પણ જોઈએ તો 5-10 હજાર નહીં, બલકે અંદાજે 70 હજાર થતી હોવાની વિગતો જાણવા મળી છે. જોકે યુનિવર્સિટીના કુલપતિ તરફથી કર્મચારીઓને ટિકિટ પેટે આપવામાં આવેલું ડિસ્કાઉન્ટ સ્પોન્સરરે આપ્યું હોવાનું જણાવ્યું છે, ત્યારે પ્રશ્ન એ થાય છે કે આ સ્પોન્સરર છે કોણ ? તેણે કેમ આપ્યું હશે ડિસ્કાઉન્ટ ?
જીટીયુને ગુજરાત ટેક્નોલોજી યુનિવર્સિટી તમામ ક્ષેત્રે આગળ હોવાનું વારંવાર રટણ કરવામાં આવે છે, ત્યારે પોતાના સ્ટાફને ફિલ્મો બતાવવામાં પણ આગળ હોવાનું સાબિત કરી દીધું હોય એમ લાગી રહ્યું છે. કર્મચારીઓ ચાલુ ફરજ દરમિયાન ફિલ્મો જોવા જતા હોવાને કારણે યુનિવર્સિટીમાં કામ અર્થે આવતા વિદ્યાર્થીઓને ધરમધક્કા પડી રહ્યા છે.
એક નહીં બે-બે વાર ફિલ્મ જોવા લઈ ગયા :
નૈતિકતા અને સમાજસેવાની સુફિયાણી વાતો કરતા જીટીયુના કુલપતિ ડો. નવીન શેઠે અગાઉ માર્ચ મહિનામાં તેમના ટવિટ્રર એકાઉન્ટ પરથી કાશ્મીર ફાઇલ્સ ટેક્સ ફ્રી કરવાની અપીલ કરી હતી . ત્યાર બાદ જીટીયુના તમામ કર્મચારીઓ, એટલે કે લગભગ 300 જેટલા કર્મચારીઓને જોવા લઈ ગયા હતા. એમાં કર્મચારીઓ પાસેથી ટિકિટ પેટે 50 રૂપિયાનું ઉઘરાણું કરીને બાકીનાં નાણાં જીટીયુએ ભોગવ્યા હતા.
એટલું જ નહીં, વળી પાછા આ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મ જોવા દરેક કર્મચારીઓને ચાલુ ફરજ દરમિયાન જ લઈ ગયા હતા. વાત આટલેથી અટકતી નથી. ત્યાં વળી સોમવારે 30મી મેના રોજ પાછા જીટીયુના કુલપતિ તેમની ગુડબુકમાં આવતા 100 કર્મચારીને ગુજરાતી ફિલ્મ નાયિકા દેવી જોવા લઈ ગયા હતા, એ પણ ચાલુ ફરજ દરમિયાન જ બતાવી હતી.
65 હજારથી વધુ રકમનો ધુમાડો કરવામાં આવ્યો :
આમ, છેલ્લા ત્રણેક મહિનાના સમયગાળામાં જ ફરી એકવાર યુનિવર્સિટી કોના પૈસે તાડગધિન્ના કરાવી રહી છે એ ચર્ચાનો મુદ્દો બન્યો છે. માર્કેટ રેટ પ્રમાણે પીવીઆર સિનેમાની ટિકિટના 150 રૂપિયાથી લઈને 600 રૂપિયા સુધીની ટિકિટ મળે છે. કાશ્મીર ફાઇલ્સ મૂવીનું 300 કર્મચારીનું 15,000 અને નાયકા દેવી ફિલ્મ વખતે 100 કર્મચારી પાસેથી 8 હજારનું ઉઘરાણું કર્યું હતું. જ્યારે કર્મચારીઓને આપવામાં આવેલા ડિસ્કાઉન્ટની રકમ જોઈએ તો આ બે ફિલ્મમાં અનુક્રમે 50,000થી વધુ અને 15,000 મળીને અંદાજિત 65 હજારથી વધુ રકમનો ધુમાડો કરવામાં આવ્યો હોવાની વિગતો પ્રાપ્ત થવા પામી છે. આ પ્રકારના તાયફા યોજીને સરકારી નાણાંનો વ્યય તેમજ કચેરી સમય દરમિયાન આ પ્રવૃત્તિનું આયોજન કરવાને કારણે યુનિવર્સિટીના કામ અર્થે આવતા વિદ્યાર્થીઓને પણ ધક્કા ખાવાનો વારો આવે છે.
સગાવાદને કારણે દરખાસ્ત સ્વિકારાઈ ?
ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીના સ્પોર્ટ્સ અને કલ્ચરલ ઓફિસર આકાશ ગોહિલ બોર્ડ ઓફ ગવર્નન્સ ( બીઓજી ) મેમ્બરના અંગત હોવાને કારણે કુલપતિ તથા રજિસ્ટ્રાર તેમની દરખાસ્ત સ્વીકારી લેતા હોવાનું યુનિવર્સિટીમાં ચર્ચાઈ રહ્યું છે. આ સંજોગોમાં પ્રશ્ન થાય કે ખરેખર આ પ્રકારની પ્રવૃત્તિ કોઈપણ સરકારી સંસ્થા કચેરીના સમય દરમિયાન કરી શકે છે ?
Whose money is it Chancellor of GTU