કરોડો હિન્દુઓની આસ્થાના કેન્દ્ર કેદારનાથમાં રેકોર્ડ બ્રેક શ્રદ્ધાળુઓ દર્શન કરવા પહોંચી રહ્યા છે. છેલ્લા વર્ષોની તુલનામાં આ વર્ષે જે રીતે યાત્રાની રફ્તાર વધી રહી છે, તેના પરથી એવું જ લાગે છે કે, આ વર્ષની કેદારનાથ યાત્રા નવો ઈતિહાસ લખશે. યાત્રાકાળના માત્ર 47 દિવસમાં જ શ્રદ્ધાળુઓના દર્શનનો આંકડો 11 લાખની પાર પહોંચી ગયો છે.
પાછલા વર્ષોની વાત કરીએ તો આ આંકડો 2023માં 70 દિવસમાં પાર થયો હતો, જ્યારે 2024માં 117 દિવસમાં. આ વર્ષે છેલ્લા બે વર્ષના આખી સીઝનના રેકોર્ડ તૂટવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. શ્રદ્ધાળુની સંખ્યામાં વધાવાથી પર્યટન અને યાત્રાધામોને વેગ મળવાની સાથે પર્યટન સાથે સંકળાયેલા વ્યવસાયીઓના ચહેરા પર રોનક દેખાઈ રહી છે.
પહેલા દિવસે 30 હજાર શ્રદ્ધાળુઓએ કર્યા હતા દર્શન
ગત 2 મે ના રોજ કેદારનાથ ધામના કપાટ સામાન્ય શ્રદ્ધાળુના દર્શન માટે ખોલવામાં આવ્યા હતા. પહેલા દિવસે 30 હજારથી વધુ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા હતા. શરૂઆતના દસ દિવસ સુધી ઘોડા અને ખચ્ચરોની બીમારી અને ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને કારણે યાત્રા થોડી પ્રભાવિત થઈ હતી. પરંતુ ત્યારબાદ યાત્રાએ વેગ પકડતાં શ્રદ્ધાળુની સંખ્યામાં વધારો થવા લાગ્યો. શ્રદ્ધાળુઓ પગપાળા, ઘોડા-ખચ્ચર, ડંડી-કંડી અને હવાઈ સેવા દ્વારા પહોંચી રહ્યા છે. દરરોજ લગભગ 23 હજાર શ્રદ્ધાળુઓ બાબા કેદારનાથના દર્શન કરીને પુણ્ય કમાય રહ્યા છે.
શ્રદ્ધાળુઓની સંખ્યામાં વધારાને ધ્યાનમાં રાખીને બદરી-કેદાર મંદિર સમિતિ અને વહીવટીતંત્રએ કેદારનાથમાં દૈનિક દર્શનનો સમય પણ વધાર્યો છે, જેથી વધુને વધુ શ્રદ્ધાળુઓ દર્શન કરીને પાછા ફરી શકે. આ વખતે ટોકન સિસ્ટમ દ્વારા બાબા કેદારનાથના દર્શન થઈ રહ્યા છે.
છેલ્લા 8 વર્ષના શ્રદ્ધાળુઓના દર્શનના આંકડા
2018 732241
2019 1000035
2020 135287
2021 242712
2022 1561882
2023 1957850
2024 1652076
2025 1113975 (18 જૂન સુધી)