VIVO વિરુદ્ધ EDની મોટી કાર્યવાહી, ૬૨,૪૭૬ કરોડની મની લોન્ડરિંગનો આરોપ

Share this story

EDએ ચાઈનીઝ સ્માર્ટફોન નિર્માતા VIVO અને કેટલીક અન્ય કંપનીઓ સામે પોતાની પકડ વધુ કડક કરી છે. ગુરુવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે વિવો અને તેની સાથે સંકળાયેલી કેટલીક અન્ય કંપનીઓ વિરુદ્ધ મની લોન્ડરિંગના આરોપોની તપાસના સંબંધમાં તેની પ્રથમ ચાર્જશીટ દાખલ કરી છે. મની લોન્ડરિંગ વિરોધી કાયદાની ફોજદારી કલમો હેઠળ બુધવારે વિશેષ અદાલત સમક્ષ ફરિયાદ પક્ષની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. સમગ્ર મામલામાં ધરપકડ કરાયેલા લોકો સિવાય વિવો-ઈન્ડિયાને પણ EDની ચાર્જશીટમાં આરોપી બનાવવામાં આવી હતી. જે બાદ આજે પ્રથમ ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે.

EDએ સ્પેશિયલ કોર્ટમાં તેના રિમાન્ડમાં કહ્યું હતું કે, ધરપકડ કરાયેલા ચાર લોકોની કથિત ગતિવિધિઓને કારણે વિવો-Indiaને ખોટી રીતે લાભો પૂરા પાડવામાં આવ્યા હતા. આ પગલું ભારતની આર્થિક સંપ્રભુતા માટે નુકસાનકારક હતું. EDએ કહ્યું કે ભારતમાં ટેક્સ ભરવાથી બચવા માટે વિવો દ્વારા ૬૨,૪૭૬ કરોડ રૂપિયાની મોટી રકમ ગેરકાયદેસર રીતે ચીનમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી.

દિલ્હી પોલીસની FIRનો અભ્યાસ કર્યા પછી, EDએ Vivoની પેટાકંપની ગ્રાન્ડ પ્રોસ્પેક્ટ ઈન્ટરનેશનલ કોમ્યુનિકેશન પ્રાઈવેટ લિમિટેડ વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. કોર્પોરેટ બાબતોના મંત્રાલય દ્વારા પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી જેમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે GPICPL અને તેના શેરધારકોએ ડિસેમ્બર ૨૦૧૪ માં કંપનીની રચના સમયે નકલી દસ્તાવેજો અને ખોટા સરનામાંનો ઉપયોગ કર્યો હતો.

આ પણ વાંચો :-