ગુરુવારની ગોજારી પ્લેન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ડીએનએ ટેસ્ટની પ્રક્રિયામાં વિજય રૂપાણીના ડીએનએ મેચ થયા છે. અને આજે તેમનો પાર્થિવ દેહ પરિવારને સોંપવામાં આવ્યો હતો. આજે રાજકોટમાં સાંજે તેમની અંતિમ યાત્રા નીકળશે. આજે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પંચતત્વોમાં વીલિન થશે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિધન પર આજે રાજ્ય સરકારે એક દિવસીય રાજકીય શોકની જાહેરાત કરાઈ છે. આજે તમામ બિલ્ડિંગ પર રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવશે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આજે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પાર્થિવ દેહને પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો. આ સમયે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા. દુર્ઘટનાના પાંચ દિવસ બાદ ઘરના મોભીના દર્શન થતાં પરિવારના સભ્યો ધ્રૂસકે ને ધ્રૂસકે રડી પડ્યા હતા.

આ દુર્ઘટનાના પગલે રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલી ઓળખની કામગીરી અંગે અમદાવાદ સિવિલ હોસ્પિટલના ડો. રજનીશ પટેલે આજે સવારે 9.30 કલાકે મીડિયા બ્રીફિંગ દરમિયાન આ માહિતી આપી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં 92 મૃતકોના ડીએનએ સેમ્પલ મેચ થયા છે અને 47 મૃતદેહ પરિવારજનોને સોંપવામાંઆવ્યા છે.
મીડિયા બ્રીફિંગમાં તેમણે વધુમાં વધુમાં જણાવાયું હતું કે અન્ય 08 પરિજનોને આગામી બે કલાકમાં તેમના સ્વજનના નશ્વર દેહને સોંપવામાં આવશે. સિવિલ હોસ્પિટલમાં હાલ 13ના પરિજનો હાજર છે, જેઓને તેમના સંબંધીઓના પાર્થિવ દેહ સન્માનભેર આપવામાં આવશે. વધુ 87 પરિજનોનો સંપર્ક કરવામાં આવ્યો છે.