Saturday, Sep 13, 2025

ભારત-પાકિસ્તાન મેચને લઈ વડોદરા પોલીસ કમિશનરનો નિર્ણય, વિજય સરઘસ પર લગાવ્યો પ્રતિબંધ

2 Min Read

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આવતીકાલે રમાનારી ભારત-પાકિસ્તાન વચ્ચેની વર્લ્ડ કપની મેચને લઈને વડોદરા પોલીસ કમિશનર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. વડોદરા શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે શહેરમાં વિજય સરઘસો પર પ્રતિબંધ લગાવ્યો છે. આ સાથે જ ભારત-પાકિસ્તાનની મેચ દરમિયાન શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

લોકોની સુરક્ષા અને સલામતી માટે પોલીસ સતત પેટ્રોલિંગમાં રહેશે. સોશિયલ મીડિયા ઉપર પણ સાયબર ક્રાઇમની ટીમ નજર રાખશે. આ સાથે ગ્રાઉન્ડમાં મહિલાઓની સુરક્ષા માટે શી-ટીમ સાદા કપડામાં પણ તૈનાત હશે.

ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચને લઈને વડોદરા શહેરના કેટલાક વિસ્તારોમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે. શહેરના ચાર દરવાજા વિસ્તારમાં અર્ધ લશ્કરી દળ બંદોબસ્ત માટે ગોઠવાશે. જ્યારે શહેરના મુખ્ય રાજમાર્ગો પર પોલીસ દ્વારા બેરીકેડિંગ કરી નાકાબંધી કરાશે. શહેરમાં સ્ટેટ રિઝર્વ પોલીસ અને ક્વિક રિસ્પોન્સ ટીમ પણ તૈનાત કરાશે.

5 પોલીસ સ્ટેશનની હદમાં ધાબા પોઈન્ટ ગોઠવાશે. આ ઉપરાંત અટલ બ્રિજ, અકોટા દાંડિયા બજાર બ્રિજ અને ફતેગંજમાં પોલીસ ફોર્સ ખડકી દેવાશે. શહેરના તમામ વિસ્તારમાં સીસીટીવી કેમેરાથી પણ બાજ નજર રાખવામાં આવશે. આ ઉપરાંત વડોદરા પોલીસ કમિશનરે ભારત-પાકિસ્તાની મેચ પૂર્ણ થયા બાદ વિજય સરઘસ કાઢવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ એલર્ટ થઈ ગઈ છે.

આ પણ વાંચો :-

Share This Article