જો તમે પણ દર 28 દિવસે તમારું મોબાઈલ રિચાર્જ પૂરું થઈ જવાની ઝંઝટ અને તેના કારણે થતા આર્થિક બોજથી કંટાળી ગયા છો, તો આ સમાચાર તમારા ચહેરા પર ચોક્કસ સ્મિત લાવી દેશે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) દ્વારા ‘ટેલિકોમ કન્ઝ્યુમર પ્રોટેક્શન (13મો સુધારો) રેગ્યુલેશન્સ, 2026’ લાગુ કરવામાં આવ્યો છે. આ ઐતિહાસિક નિર્ણયથી દેશના કરોડો મોબાઈલ યુઝર્સે હવે વર્ષમાં 13 વખત નહીં, પરંતુ માત્ર 12 વખત જ રિચાર્જ કરાવવું પડશે, જેનાથી તેમના ખિસ્સા પરનો વાર્ષિક બોજ નોંધપાત્ર રીતે ઘટશે.
અત્યાર સુધી રિલાયન્સ જિયો (Jio), એરટેલ (Airtel), બીએસએનએલ (BSNL) અને વોડાફોન આઇડિયા (Vi) જેવી પ્રમુખ ટેલિકોમ કંપનીઓ મહિનાના પ્લાન તરીકે 30 દિવસના બદલે માત્ર 28 દિવસની વેલિડિટી આપતી હતી. ગણિત સમજીએ તો, 28 દિવસની વેલિડિટીના કારણે 365 દિવસના એક વર્ષમાં ગ્રાહકોને અજાણતા જ એક વધારાનું એટલે કે 13મું રિચાર્જ કરાવવાની ફરજ પડતી હતી. નવા સુધારા મુજબ, હવે તમામ ટેલિકોમ ઓપરેટરોએ પૂરા 30 દિવસ તેમજ પૂરા કેલેન્ડર મહિનાની માન્યતા (જે દર મહિને એક જ તારીખે રિન્યુ થાય) ધરાવતા પ્રીપેડ પ્લાન ફરજિયાતપણે રજૂ કરવા પડશે. પરિણામે, ગ્રાહકોને દર વર્ષે આખા એક મહિનાના રિચાર્જ ભાડાની સીધી બચત થશે.
આ નવા નિયમોનો બીજો સૌથી મોટો ફાયદો એ છે કે કંપનીઓએ હવે ઇન્ટરનેટ ડેટા વગરના સસ્તા ‘Voice & SMS Only’ પેક્સ પણ માર્કેટમાં ફરજિયાત ઉતારવા પડશે. દેશમાં આજે પણ અંદાજે 30 કરોડથી વધુ લોકો સામાન્ય ફીચર કે કીપેડ ફોનનો ઉપયોગ કરે છે. વડીલો, ખેડૂતો અને ગ્રામીણ ગ્રાહકો કે જેમને 4G/5G ઇન્ટરનેટ ડેટાની કોઈ જ જરૂર નથી હોતી, તેમને અત્યાર સુધી બિનજરૂરી ડેટા માટે મોંઘો ચાર્જ ચૂકવવો પડતો હતો. માત્ર કોલિંગ અને SMS આધારિત આ સસ્તા પ્લાનથી આવા ગ્રાહકોને મોટી આર્થિક રાહત મળશે. સાથે જ જે લોકો બીજું સિમકાર્ડ માત્ર ઇનકમિંગ કોલ્સ કે બેંક OTP માટે ચાલુ રાખે છે, તેમના માટે પણ આ પ્લાન આશીર્વાદરૂપ સાબિત થશે.
ઉલ્લેખનીય છે કે, 28 દિવસની વેલિડિટી દ્વારા ગ્રાહકોના થતા આ પરોક્ષ આર્થિક શોષણ સામે સંસદમાં પણ ભારે વિરોધ નોંધાયો હતો.રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ 11 માર્ચ 2026ના રોજ સંસદમાં આ મુદ્દો ઉઠાવીને ગ્રાહકો માટે સસ્તા અને ડેટા વગરના વિકલ્પોની માંગ કરી હતી. તાજેતરમાં TRAI ના આ નિર્ણયને આવકારતા તેમણે આને સામાન્ય લોકોની મોટી જીત ગણાવી છે. એકંદરે, TRAI ના આ કડક અને ગ્રાહકલક્ષી પગલાંથી ટેલિકોમ ક્ષેત્રે પારદર્શિતા વધશે અને યુઝર્સને પોતાની જરૂરિયાત મુજબ યોગ્ય રિચાર્જ પસંદ કરવાની વધુ સ્વતંત્રતા મળશે.








