ટ્રાફિક બ્રિગેડ, સીસી કેમેરા અને સાયબર સંજીવની સુરતીઓને ગુનાખોરી સામે વધુ રક્ષણ આપશે

Share this story
  • દીર્ઘદૃષ્ટિ ધરાવતા પૂર્વ પો.કમિ. સુધીર સિંહા, રાકેશ અસ્થાના અને વર્તમાન પો.કમિ. અજયકુમાર તોમરે ઉભી કરેલી વ્યવસ્થા સુરતનાં નાગરિકોને દાયકાઓ સુધી ગુનેગારો સામે રક્ષણ આપતી રહેશે.
  • સેવાનો હાથ લંબાવવા માટે તત્પર સુરતે ભૂતકાળમાં ગાંઠના રૂપિયા ખર્ચીને આખુ વરાછા પોલીસ મથક બાંધી આપવા ઉપરાંત અનેક નાની, મોટી ઈમારતો બાંધી આપી છે.
  • ૨૦૦૫ના વર્ષમાં માત્રને માત્ર સુરતનાં લોકોના આર્થિક સહયોગથી ટ્રાફિક બ્રિગેડની રચના કરવામાં આવી હતી, સમય જતાં ખુદ સરકારે સમગ્ર રાજ્યમાં ટ્રાફિક બ્રિગેડની રચના કરી દીધી.
  • પરંતુ અગમ્ય કારણોસર ટ્રાફિક બ્રિગેડનાં જવાનોનાં માનદ્ વેતનના મુદ્દે અન્યાય થઈ રહ્યો છે, સરકારે હોમગાર્ડ્સનાં માનદ વેતનમાં વધારો કર્યો પરંતુ ટ્રાફિક બ્રિગેડનાં જવાનો ભૂલાઈ ગયા.

દુરદંશી દાખવવામાં સુરત હંમેશા મોખરે રહ્યું છે, જ્યારે પણ લોકભાગીદારીની વાત આવી છે ત્યારે હંમેશા સુરતનાં લોકો હાથ લંબાવતા આવ્યા છે. સુરતનાં વરાછા વિસ્તારનું વરાછા પોલીસ મથક સુરતનાં લોકોએ જ બાંધી આપ્યું હતું તો આજે જાહેર જીવનનું મહત્ત્વનું અંગ બની ગયેલા સી.સી. કેમેરા માટે પણ સુરતીઓએ જ ફંડ ફાળવ્યું હતું અને આખા રાજ્યમાં સૌપ્રથમ સુવિધા ઉભી કરાવી હતી. એ સમયે સુરતનાં પો.કમિ. તરીકે રાકેશ અસ્થાના હતા અને રાકેશ અસ્થાનાની એક હાંકલ ઉપર લોકોએ ફંડનો ઢગલો કરી દીધો હતો.

64847991

સી.સી.કેમેરા વર્તમાન સમયમાં કેટલા ઉપયોગી થઈ રહ્યાં છે એ કહેવાની જરૂર નથી. બલ્કે કોઈ ઘટના બને એટલે સી.સી. કેમેરા ઉપર સૌથી પહેલી નજર દોડાવવામાં આવે છે. એટલું  ચોક્કસ કહી શકાય કે, મોટાભાગનાં ગુના ઉકેલવામાં સી.સી. કેમેરાનો મોટો ફાળો રહ્યો છે અને હવે તો સી.સી.કેમેરા વગર પોલીસ તપાસ જ શક્ય નથી એવું કહી શકાય.

સુરતમાં સી.સી. કેમેરાની અદ્‍ભુત સફળતા બાદ રાજ્ય સરકારે પણ તાબડતોબ નિર્ણય કરીને આખા રાજ્યને કેમેરાથી મઢી લીધું છે, સુરતનાં પોલીસ કમિશનર તરીકે રાકેશ અસ્થાનાએ કરેલી પહેલ અને સુરતીઓએ આપેલો ફાળો ભૂલી શકાય તેમ નથી. રાકેશ અસ્થાના પોલીસદળમાં ઝળહળતી કામગીરી સાથે સેવા નિવૃત્ત થઈ ગયા છે. પરંતુ એક આઈપીએસ અધિકારી તરીકે પોતાની મૂળ ફરજો ઉપરાંત લોકોને વધુ સુરક્ષા આપવાની દિશામાં લોકોના સહયોગ સાથે બજાવેલી ફરજ પોલીસ દળ અને સમાજ જીવનમાં કાયમ માટે અંકીત થયેલી રહેશે.

સુધીર _સિન્હા1

આવી જ એક ઘટના સુરતનાં પૂર્વ પોલીસ કમિશનર સુધીર સિંહાની ફરજ દરમિયાન બનવા પામી હતી. આ ઘટનામાં પણ સમગ્ર શ્રેય સુરતનાં ઉદાર દાનવીરોને જ આપવો પડે. આજે રાજ્યભરમાં ટ્રાફિકનું સંચાલન કરતાં જવાનોની ટ્રાફિક બ્રિગેડની પણ સુરતમાંથી જ અને એ પણ સુરતીઓનાં આર્થિક સહયોગથી શરૂઆત કરવામાં આવી હતી.

સુરતની વધતી જતી વસ્તી, વાહનોની સંખ્યામાં અકલ્પનીય વધારાને કારણે સુરતમાં ટ્રાફિકની સમસ્યાનો ઉદ્‍ભવ થઈ રહ્યો હતો. એક તરફ સાંકડા રસ્તા અને વાહનોની સંખ્યામાં સતત વધારાને પગલે પોલીસ કમિશનર સુધીર સિંહાએ ટ્રાફિક ઉકેલવાની દિશામાં મનોમંથન શરૂ કર્યું હતું. સુરત શહેર પોલીસદળમાં ટ્રાફિક નિયંત્રિત કરવા પોલીસ જવાનોનું પુરતુ સંખ્યાબળ નહોતું અને પોલીસ જવાનોને ટ્રાફિક નિયંત્રણ માટે ફરજ સોંપવામાં આવે તો પોલીસ મથકની તપાસની કામગીરીને અસર પહોંચે તેમ હોવાથી લાંબા મનોમંથનનાં અંતે પોલીસ કમિશનર સુધીર સિંહાએ એક પ્રાઈવેટ ટ્રાફિક બ્રિગેડ ઉભી કરવાનો નિર્ણય કર્યો હતો. કારણ કે, સરકાર તરફ વધારાનો સ્ટાફ મળવાની શક્યતા નહોતી.

ટ્રાફિક બ્રિગેડ માટે યુવાનો મળી જવાની આશા હતી, પરંતુ તેમને માનદ્ વેતન ચૂકવવા માટે નાણાં ક્યાંથી લાવવા? આ સૌથી મોટો પ્રશ્ન હતો. વળી દર મહિને વેતન ચૂકવવાનું હતું. પો.કમિ. સુધીર સિંહાએ પોતાની મુંઝવણ અંગે આગેવાન મિત્રોને વાત કરતાં આખો પ્રશ્ન ચપટી વગાડતા ઉકેલાઈ ગયો હતો અને એક જ બેઠકમાં સુરતનાં ઉદ્યોગપતિઓએ ફિક્સ ડિપોઝિટના વ્યાજમાંથી ટ્રાફિક બ્રિગેડનાં જવાનોને માનદ વેતન ચૂકવી શકાય એવી વ્યવસ્થા કરી આપી હતી! આ ૨૦૦૫નાં વર્ષનાં નવેમ્બર માસની વાત છે અને વિધિવત ‘ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ’ની રચના કરવામાં આવી. આ ટ્રસ્ટમાં સુરતનાં જ સામાજિક આગેવાનો, ઉદ્યોગપતિઓનો સમાવેશ કરવામાં આવ્યો અને પ્રારંભે ૧૧૦ યુવાનોની ટ્રાફિક બ્રિગેડમાં ભરતી કરી ટ્રાફિક નિયમનની કામગીરી સોંપવામાં આવી હતી. આજે રાજ્યભરમાં ટ્રાફિક બ્રિગેડનાં જવાનો ટ્રાફિકનું સંચાલન કરી રહ્યાં છે અને ટ્રાફિક બ્રિગેડનાં જવાનોને માનદ્ વેતન પણ સરકાર જ ચૂકવે છે. રાજ્ય સરકારે ટ્રાફિક બ્રિગેડની આખી યોજનાનો સ્વીકાર કરી અમલ પણ શરૂ કરી દેતાં સુરતનાં ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટે હાલમાં નાણાં આપવાનું બંધ કરી દીધુ છે. પરંતુ ટ્રસ્ટ હજુ પણ કાર્યરત છે જ. એક વાત એ પણ નોંધવા જેવી છે કે, સરકાર પ્રારંભે ટ્રાફિક બ્રિગેડનાં જવાનોને રોજનું માનદ્ વેતન માત્ર ૭૦ રૂપિયા આપતી હતી ત્યારે સુરતનાં જવાનોને ખુટતી રકમ ટ્રસ્ટમાંથી ઉમેરીને રોજનું માનદ્ વેતન ૩૦૦ રૂપિયા ચૂકવવામાં આવતું હતું.પરંતુ હવે સવાલ એ ઉપસ્થિત થયો છે કે, રાજ્ય સરકારે ટ્રાફિક બ્રિગેડનાં જવાનો અને હોમગાર્ડ્ઝનાં જવાનોનાં માનદ્ વેતનને લઈને પક્ષપાત ઉભો કર્યો છે. જ્યારે બંનેની કામગીરીમાં મોટો તફાવત નથી. વળી ટ્રાફિક બ્રિગેડનાં જવાનોને રોજની આઠ કલાકની ફરજ સામે ૩૦૦ રૂપિયા ચૂકવવામાં આવે છે. જ્યારે હોમગાર્ડ્ઝનાં જવાનને ૬ કલાકની ફરજ સાથે ૪૫૦ રૂપિયા ચૂકવવામાં આવે છે.

રાકેશ અસ્થાના

વિધાનસભાની ચૂંટણી પૂર્વે રાજ્યનાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ હોમગાર્ડ્ઝના જવાનોનું માનદ ભથ્થુ ૩૦૦ રૂપિયાથી વધારીને ૪૫૦ રૂપિયા કરી આપ્યું હતું. પરંતુ ટ્રાફિક બ્રિગેડનાં જવાનો ભુલાઈ જતા ભુલમાં પણ પક્ષપાત થઈ ગયો છે. હોમગાર્ડ્ઝનાં જવાનોનાં માનદ્ ભથ્થામાં વધારો કર્યો તેની સામે કોઈને પણ વાંધો નથી. પરંતુ કારમી મોંઘવારીનાં સમયે ટ્રાફિક બ્રિગેડનાં જવાનોનાં માનદ્ વેતનમાં વધારો થવો જ જોઈએ અને સરકાર સામે ચાલીને ટ્રાફિક બ્રિગેડનાં માનદ્ વેતનમાં વધારો કરી આપશે તો ચારેતરફ હવાના પ્રદુષણ વચ્ચે ફરજ બજાવતા ટ્રાફિક બ્રિગેડનાં જવાનો અને તેમના પરિવારોમાં ખુશાલી ફરી વળવા સાથે સરકારને હૃદય દુઆઓ આપશે.
માનદ્ વેતનમાં વધારો કરવા દરખાસ્ત કરી છે : ડીસીપી વાનાણી

ટ્રાફિક બ્રિગેડનાં જવાનોની લાગણી અંગે પ્રત્યાઘાત આપતા સુરત શહેર પોલીસનાં ડેપ્યુટી પોલીસ કમિશનર અમિતા વાનાણીએ કહ્યું હતું કે, માનદ્ પગારની રકમમાં ચોક્કસ વધારો થવો જ જોઈએ અને આ મુદ્દે સરકારમાં દરખાસ્ત કરીને સરકાર પણ સહાનુભૂતિ સાથે નિર્ણય કરશે એવો અમને વિશ્વાસ છે.

અજય તોમર-૧

સુરતમાં હાલમાં ૧૫૦૦ ટ્રાફિક બ્રિગેડનાં જવાનો ફરજ બજાવી રહ્યાં છે. શહેરની વસ્તી અને વિસ્તાર બંને વધ્યા હોવાથી ટ્રાફિક નિયમનની કામગીરી વધુ વિકટ બની રહી છે. આવા સંજોગોમાં ટ્રાફિક બ્રિગેડનાં જવાનોનાં માનદ્ વેતનમાં વધારો કરવામાં આવશે તો સરકારે પણ સંવેદના દાખવી ગણાશે. બાકી આજે જ્યારે ચારે તરફ બેકારી અને મોંઘવારી ભરડો લઈ ચૂકી છે. ત્યારે ટ્રાફિક બ્રિગેડનાં જવાનો ૩૦૦ રૂપિયા માનદ્ વેતનમાં પણ નોકરી કરવાનું મુનાસિબ માનશે.

સુરતનાં પોલીસ કમિશનર અજયકુમાર તોમર પણ કવિ હૃદય અને અત્યંત સંવેદનશીલ અધિકારી છે. તેઓ પણ સુરતને સુરક્ષા સાથે કંઈક કાયમી આપવા સતત પ્રયત્નશીલ રહ્યાં છે. લગભગ ૭૦ લાખની વસ્તીથી ફાટફાટ થતાં સુરતમાં કાયદો, વ્યવસ્થાની જાળવણી સાથે ગુનાખોરી ઉપર નિયંત્રણ લાવવા દિવસ-રાત સાથી અધિકારીઓ અને સ્ટાફને સતર્ક રાખે છે. તાજેતરમાં જ તેમણે ગુનાખોરીમાં વકરી રહેલા ‘સાયબર ક્રાઈમ’ અંગે લોકોને સજાગ અને શિ‌િક્ષત કરવા ‘સાયબર સંજીવન’ (બીજા તબક્કા)નો પ્રારંભ કરાવ્યો છે. સાયબર સંજીવની રથ દ્વારા લોકોના ઘરે ઘરમાં ઈન્ટરનેટ અને મોબાઈલ ફોનનાં માધ્યમથી આચરવામાં આવતી ગુનાખોરી સામે જાગૃતિ કેળવવામાં આવશે. મતલબ કે ગુનો બન્યા પછી પોલીસ દોડે એના કરતાં ખુદ લોકોમાં જ સાયબર ગુનેગારો સામે જાગૃતિ આવશે તો સાયબર ગુનેગારો ઉપર મહંદઅંશે નિયંત્રણ લાવી શકાશે.

અ_મિતા વાનાણી

પોલીસ કમિશનર અજયકુમાર તોમર ખાસ કરીને ગૃહિણીઓ, યુવાઓ અને વિદ્યાર્થી જગતમાં જાગૃતિ લાવવા માંગે છે અને આવનારા દિવસોમાં આ પ્રયોગ પણ જરૂરથી સફળ થશે જ. કારણ કે, રોજી‍ંદા જીવનમાં લોકો ક્યારેકને ક્યારેક સાયબર ગુનાખોરીનો ભોગ બનતા હોય છે.

પો.કમિ. અજયકુમાર તોમરનો ‘સાયબર સંજીવની’ પ્રયોગ પણ સુરત માટે કાયમી સુખદ સંભારણું બની જશે.

આ પણ વાંચો :-