પીએમ નરેન્દ્ર મોદી મંગળવારે સવારે પંજાબના આદમપુર એરબેઝ પહોંચ્યા. તેઓ એરબેઝ પર સૈનિકોને મળ્યા. પાકિસ્તાને દાવો કર્યો હતો કે તેમણે આદમપુર એરબેઝને નિશાન બનાવ્યું હતું. બીજી તરફ, મંગળવારે જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં એક એન્કાઉન્ટરમાં ત્રણ આતંકવાદી માર્યા ગયા. એન્કાઉન્ટર હજુ પણ ચાલુ છે.
સોમવારે રાત્રે જમ્મુ-કાશ્મીર, પંજાબ અને રાજસ્થાનમાં ડ્રોન જોવા મળ્યાં હતાં. થોડા સમય પછી સેનાએ કહ્યું હતું કે દુશ્મનના કોઈપણ ડ્રોન વિશે કોઈ માહિતી નથી. આજે બધી જગ્યાએ પરિસ્થિતિ સામાન્ય છે.
ભારતીય સેનાએ એક્સ પર પોસ્ટ કરતા લખ્યું કે, 13 મે 2025ના રોજ રાષ્ટ્રીય રાઇફલ્સ યુનિટ તરફથી શોપિયાના શોકલ કેલર વિસ્તારમાં આતંકવાદીઓની હાજરી અંગે મળેલી ચોક્કસ ગુપ્ત માહિતીના આધારે, ભારતીય સેનાએ આતંકવાદીઓને શોધવાની અને મારવાની કામગીરી શરૂ કરી છે. આ ઓપરેશન દરમિયાન આતંકવાદીઓએ ભારે ગોળીબાર અને ભીષણ ગોળીબાર થયો હતો. જેમાં સેનાએ જવાબ આપ્યો અને પરિણામે ત્રણ કટ્ટર આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યાં છે. ભારતીય સેનાએ લખ્યું કે, ‘આ કામગીરી ચાલુ છે’
આદમપુર મુલાકાત અંગે પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે આજે સવારે, મેં AFS આદમપુરની મુલાકાત લીધી અને આપણા બહાદુર વાયુસેના યોદ્ધાઓ અને સૈનિકોને મળ્યા. હિંમત, દૃઢ નિશ્ચય અને નિર્ભયતાનું પ્રતિક એવા લોકો સાથે રહેવું એક ખાસ અનુભવ હતો. ભારત હંમેશા સશસ્ત્ર દળો પ્રત્યે આભારી છે.