સુરતમાં છ-છ બાળકીઓ ઉપર બળાત્કાર અને હત્યાની હારમાળા, ક્યાં ગઇ શાસકોની ખુમારી?

Share this story

The row of six girls in Surat

  • છ એ છ હવસખોરોને ફાંસીએ લટકાવવાની સજા ફટકારીને ન્યાયતંત્રએ કાયદાનું કામ કર્યું પરંતુ ઘટનાઓનું પુનરાવર્તન રોકવા સરકારે શું કર્યું.
  • સુરતમાં બબ્બે સાંસદ, રાજ્ય સરકારના ત્રણ અને કેન્દ્ર સરકારના એક મંત્રી સહિત ૧૩૪ ચૂંટાયેલા લોક પ્રતિનિધિઓની આખી ફોજ છતાં માસુમ ભુલકાઓની સલામતી માટે કેમ પગલા ભરાતા નથી.
  • સુરત શહેરની શ્રમજીવી વસાહતોમાં રોજબરોજ બનતી ઘટનાઓ ઉપર ચોકીદારી કરવામાં આવે તો ગુનાખોરીની હારમાળા બહાર આવશે.
  • ગૌરવ નહીં કહી શકાય પરંતુ સરકારી વકીલ નયન સુખડવાળા હવસખોરી અને હત્યાની છ-છ ઘટનાઓમાં ગુનેગારોને ફાંસી‌ની સજા કરાવવામાં સફળ રહ્યા કદાચ દેશના સૌથી મોખરે હશે.

થોડા દિવસ પહેલા કતારગામ (Katargam) વિસ્તારમાં ‘પોર્નફિલ્મ’ (Pornfilm) જોવાના મુદ્દે પતિ-પત્ની વચ્ચે થયેલી તકરારમાં પતિએ પત્નીને જીવતી સળગાવી દીધી હતી! આ ઘટના પુરવાર કરે છે કે ‘હવસખોર’ માણસ કેટલી હદ સુધી જઈ શકે છે. કારણ ગમે તે હોય પરંતુ પાછલા સમય દરમિયાન હવસખોરીના કિસ્સામાં સતત આઘાતજનક (Shocking) વધારો થઈ રહ્યો છે. માસૂમ બાળકોને એકલા છોડતા કે નજીકના સંબંધીઓ, મિત્રોને સોંપતા ડર લાગી રહ્યો છે. દરેકને એક વાતનો ભય સતાવતો હોય છે અમારા માસૂમ દીકરા, દીકરીઓ સાથે કંઈપણ થઈ શકે.

એકવાત ચોક્કસ છે કે જ્યારથી મોબાઈલ ફોન ઉપર બીભત્સ ફિલ્મોનું પ્રમાણ વધ્યું છે ત્યારથી વાસનાનો કીડો વધુને વધુ આક્રમક બની રહ્યો છે. સીંગલ ફેમિલી અને એકાંતમાં સંતાનો માટે પોર્નફિલ્મ માનસિક વિકૃતિ પેદા કરવા માટે પૂરતા છે. હવસ આપોઆપ પેદા થતી નથી. હવસનું ઉદ્‍ભવસ્થાન માનસિક હોવાનું નિષ્ણાતોનું માનવું છે અને કંઈક અંશે આ વાતમાં કેટલુંક તથ્ય છે એવું ચોક્કસ માની શકાય. એક તરફ પોર્નફિલ્મ અને બીજી તરફ યુવાન-યુવતીઓના અંગઉપાંગ દર્શાવતા ટૂંકાવસ્ત્રો પણ હવસખોરી માટે કારણભૂત માની શકાય. આ બધું નગ્‍ન સત્ય હોવા છતાં આધુનિકતા કે ફેશનના નામે પ્રદર્શિત કરાતી બીભત્સતા હવસને ઉશ્કેરવા માટે કે આકર્ષવા માટેનું કારણ માની શકાય. કોઈ મહિલા ટૂંકા વસ્ત્રો પહેરે છે એટલે કોઈને ઉશ્કેરાઈ જવાનો અધિકાર મળી જતો નથી. પરંતુ બદલાયેલી માનસિક સ્થિતિ ‘બળાત્કાર’ જેવી ગુનાખોરી આચરવા તરફ દોરી જાય છે.

સુરત જેવા શાંતિપ્રિય અને સંસ્કારી શહેરમાં બળાત્કારની ઘટના બનવા પામે એ જ મોટો આઘાત ગણી શકાય. પરંતુ પાછલા દિવસો દરમિયાન માસૂમ બાળકીઓને હવસનો શિકાર બનાવી હત્યા કરવાની ઘટનાઓની હારમાળા શહેરના કાયદો-વ્યવસ્થા સામે ચોક્કસ આંગળી ચીંધી રહી છે. મોટાભાગની ઘટનાઓમાં બળાત્કારી, હત્યારાઓ ઝડપાઈ ગયા છે અને એક-બે નહીં, આઠ-આઠ નરાધમોને ફાંસીએ લટકાવવા કોર્ટ સજા ફટકારી ચૂકી છે અને તેમ છતાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના શહેરમાં માસૂમ બાળકીઓ હવસખોરોની હેવાનિયતનો શિકાર બની રહી છે. વધુ એક નરાધમોને ફાંસીની સજા ફટકાર્યાના બીજા જ દિવસે શહેરના સચિન વિસ્તારમાં ફૂલની કળી જેવી માત્ર બે જ વર્ષની માસૂમ બાળકીને  હવસખોરે રગદોળી નાંખી હતી અને બાળકીનું તડપી-તડપીને કરૂણ મોત નિપજ્યું હતું.

આ અને અગાઉ બાળકીઓ સાથે બનેલી ઘટનાઓની વાત સાંભળતા પણ ધ્રુજી જવાય એવી ક્રુરતા આચરવામાં આવી હતી. પોલીસે હવસખોરોને પકડીને ફાંસીએ લટકાવવા સુધીની સજા કરાવી હતી. પરંતુ ત્યાર પછી પણ માસૂમ બાળકીને હવસખોરીનો શિકાર બનતા અટકાવી શકાતી નથી. કદાચ એવું બની શકે પોલીસ તંત્રની ચોકીદારીમાં ક્યાંક ખામી હશે. સુરત દેશભરમાંથી આવતા શ્રમજીવીઓથી ઉભરાતું શહેર છે. અહીંયા મોટાભાગના પરપ્રાંતીય યુવાનો મજુરી માટે આવે છે અને એકલા રહેતા હોવાથી તેમને નિયંત્રણમાં રાખનારું કોઈ જ હોતું નથી. વળી નવરાશના સમયમાં સ્માર્ટફોન અને પોર્નફિલ્મ વાસનાના કીડાને ઉશ્કેરવા માટેનું સાધન બની જાય છે અને જેમ ભૂખ્યો માણસ નાસ્તાની લારીની શોધમાં નીકળી પડે છે તેમ હવસખોરો માટે પરિચિત પરિવારોના માસૂમ સંતાનો હાથવગુ નિશાન બની જાય છે.

સુરતમાં માસૂમ ભૂલકાઓને શિકાર બનાવવાની હારમાળા તેમ છતાં સ્થાનિક પોલીસ તંત્ર, કલેક્ટર કચેરી, સમાજ કલ્યાણ વિભાગ અને છાશવારે નારી સંરક્ષણના ઝંડા લઈને દોડી જતી સમાજસેવિકાઓ અને છેલ્લે એક પણ ચૂંટાયેલા પદાધિકારીઓએ માસૂમ બાળકીઓ સાથે આચરાયેલી હેવાનિયતભરી ઘટના અંગે હરફ સુદ્ધા ઉચ્ચાર્યો નથી.

ગુજરાત ભાજપના પ્રદેશપ્રમુખ સી.આર.પાટીલ, રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી, રાજ્ય શિક્ષણમંત્રી પ્રફુલ્લ પાનશેરિયા, પર્યાવરણ અને વનમંત્રી મુકેશ પટેલ ઉપરાંત કેન્દ્રીય ટેક્સટાઈલ અને રેલવે મંત્રી દર્શના જરદોશ આજ સુરત શહેરમાં રહે છે. છાશવારે ઉદ્‍ઘાટનો કરવા કે ભાષણો આપવા દોડી જતા લોક‌પ્રતિનિધિઓને સુરતમાં રોજબરોજ બનતી ‘કલંકિત’ ઘટના અંગે બોલવા માટે કે વિચારવા માટે સમય સુદ્ધા નથી. આમાંના એક પણ લોકપ્રતિનિધિએ માસૂમ બાળકીઓ સાથે આચરાયેલ બળાત્કાર અને હત્યાના અત્યંત ઘૃણાસ્પદ બનાવ અંગે ઘટનાસ્થળે જવાનું તો ઠીક પોલીસ તપાસની વિગતો જાણવાની પણ તસ્દી લીધી નહીં હોય.

અરે, જાણવાની વાત છોડો, તપાસ કરનાર અમલદાર, વકીલ કે ન્યાયતંત્રના ચુકાદાની પણ સરાહના કરવાની કોશીશ નહીં કરી હોય.સુરતની ઔદ્યોગિક સમસ્યા અને પ્રશ્નોની ચર્ચા થવી જ જોઈએ. પરંતુ સુરતની સા‌માજિક શાંતિ અને સંરક્ષણ અંગે પણ ચિંતા થવી જ જોઈએ.

સુરત શહેરમાં બબ્બે સાંસદ અને ૧૪ ધારાસભ્યો અને ૧૨૦ કોર્પોરેટરોની ફોજ શહેરમાં મોંઘાદાટ વાહનોમાં આંટાફેરા મારતી રહે છે. પરંતુ બળાત્કાર અને હત્યા જેવી અત્યંત ઘૃણાસ્પદ ઘટનાનો ભોગ બનેલા પરિવારના આંસુ લુછવાની ભાગ્યે જ કોઈએ પરવાહ કરી હશે. દેશના દિલ્હી સહિત મેટ્રો શહેરોમાં અપહરણ, બળાત્કાર, હત્યાની ઘટના વખતે દિવસો સુધી બુમરાણ મચાવતા પ્રચાર માધ્યમો પણ સુરતમાં માસુમ ભુલકાઓ સાથે આચરવામાં આવતી હેવાનિયત સામે જાગૃતિ ફેલાવવામાં ઊણા ઉતરી રહ્યા છે. શાળા, કોલેજોમાં ‘બેડ ટચ ગુડ ટચ’ની પરિભાષા શીખવનારા કહેવાતા મોટીવેટરો માસૂમ બાળકો સાથે બનતી હેવા‌િનયતભરી ઘટના વખતે કયા ભૂગર્ભમાં ઉતરી જાય છે કે શોધ્યા પણ મળતા નથી.

આ બધાની વચ્ચે સુરતના મુખ્ય સરકારી વકીલ નયન સુખડવાળાનો આત્મા આવી ઘટનાઓ વખતે ધ્રુજી જાય છે.શહેરના કોઈક ખુણામાં હેવા‌િનયતભરી ઘટના બની હોવાની જાણ થતાની સાથે જ નયન સુખડવાળા હવસખોરને ફાંસીની સજા કરાવવા માટે કામે લાગી જાય છે. તપાસ કરનાર પોલીસ અધિકારીને તપાસના તબક્કામાં માર્ગદર્શન પણ પૂરું પાડે છે. ઉપરાંત પોતે પણ કોઈક મુદ્દે સમજી શકતા ના હોય તો સિનિયર ધારાશાસ્ત્રીઓનું માર્ગદર્શન પણ મેળવે છે.

નયન સુખડવાલા ચોક્કસ માને છે કે, કોર્ટ પોતે તપાસ કરવા જતી નથી પરંતુ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવેલા મજબૂત પુરાવા ગુનેગારને આકરી સજા ફટકારવા માટે રસ્તો કરી આપે છે. મોટાભાગના ચુકાદાઓમાં કોર્ટે કરેલું અવલોકન અને ગુનેગારને સજા ફટકારતી વખતે ટાંકેલી કલમો, સંજોગો અને કરેલી ટિપ્પણીઓને પ્રચાર માધ્યમોમાં આવકારદાયક કે લોકોને જાગૃત કરી શકાય એટલી હદે સ્થાન આપવામાં આવતું નથી. માસૂમ બાળકો સાથેના બળાત્કાર, છેડતી, હત્યાની ઘટનાઓની કોર્ટમાં ચાલતી ન્યા‌િયક પ્રક્રિયા દરમિયાન ખૂબ જ ઝીણવટપૂર્વકની દલીલો કરાતી હોય અને પ્રત્યેક દલીલ સ્થિતિનું વર્ણન કરતી હોય છે. સમાજમાં જાગૃતિ લાવવા અને માસૂમ બાળકો સાથેના હવસખોરીના બનાવો અને કોર્ટે ફટકારેલી સજાઓનો વ્યાપક માત્રામાં પ્રચાર કરવાની હવે અનિવાર્યતા દેખાઈ રહી છે અને હેવા‌િનયતની એક એક ઘટનાનું બારીકાઈથી નિરીક્ષણ કરીને કાયદામાં હજુ પણ વધુ આકરા સુધારા કરવાની જરૂર હોય એવું હાલના તબક્કે લાગી રહ્યું છે.

વિતેલા નજીકના દિવસોમાં માસૂમ બાળકીઓને હવસનો શિકાર બનાવવા સાથે હત્યા કરવાની ઉપરાછાપરી નવ ઘટનાઓ બનવા પામી હતી. આ પૈકી છ હવસખોરોને ફાંસીએ લટકાવવાની સજા ફટકારવામાં મુખ્ય સરકારી વકીલ નયન સુખડવાલાની પુરાવા સાથેની તર્કબદ્ધ દલીલો લેખે લગી હતી.
મુખ્ય સરકારી વકીલ નયન સુખડવાલા અને પોલીસ અધિકારીઓની આધાર, પુરાવા સહિતની તપાસને પગલે છ છ ગુનેગારોને સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટે ફાંસીની સજા ફટકારી આ ઘટના જ સુરતની કાયદો-વ્યવસ્થાની સ્થિતિ અંગે ઘણું ઘણું કહી જાય છે. ભૂતકાળમાં આજીવન કેદની ઘટના પણ ચર્ચાનો વિષય બનતી હતી. જ્યારે હવસખોરીની ઘટનામાં આઠ આઠ નરાધમોને ફાંસીએ લટકાવવાની સજાની હારમાળા પછી પણ સરકાર અને સ્થાનિક લોકપ્રતિનિધિઓમાં સંવેદના હોય તો ચોક્કસ મનોમંથન કરી કાયદામાં કે પોલીસદળમાં જ્યાં પણ ફેરફાર કરવાની જરૂર હોય ત્યાં ફેરફાર કરાવી ગુનેગારોમાં કાયદાનો ભય ઉભો કરવામાં નહીં આવે તો માસૂમ ભૂલકાઓ શિકાર બનતા રહેશે.

આ પણ વાંચો :-