- રાજ્યભરમાં થોડા દિવસો અગાઉ પોલીસ જવાનોને CPRની તાલિમ આપવામાં આવી હતી. ત્યારે આ તાલિમથી સુરત પોલીસના જવાનોએ એકનો જીવ બચાવ્યાનું સામે આવ્યું છે.
વરાછામાં એક યુવકે પોતાના ઘરમાં જ અગમ્ય કારણોસર ફાંસો ખાઈ લટકી રહ્યો હોવાની જાણ થતાં જ દોડી ગયેલા પોલીસના જવાનોએ સીપીઆર આપીને યુવકનો જીવ બચાવ્યો હતો.
જાણ થતાં જ જવાનો દોડી ગયા :
મોટા વરાછા પોલીસ ચોકીની સામે આવેલા ઘરમાં યુવકે ગળે ફાંસો ખાઈ લીધેલાની જાણ થઈ હતી. જેથી તરત જ મોટા વરાછા પોલીસ ચોકી, ઉત્રાણ પો.ચોકી અને ભરથાણા પો.ચોકીનાં પોલીસ જવાનો કાંતિભાઈ સામતભાઈ, જેન્તીભાઇ કાથુડીયાભાઈ, હરપાલસિંહ કનુભાઈ, રવિરાજ સિંહ અને શૈલેશભાઈ દોડી ગયા હતા.
તાલિમથી જીવ બચ્યો :
પોલીસ જવાનોએ ઘરમાં પ્રવેશી પહેલા ગળે ફાંસો ખાધેલ યુવાનને નીચે ઉતાર્યો હતો. ત્યારબાદ સીપીઆર તાલીમ હેઠળ છાતીમાં પુશીંગ કરી બચાવી લીધો હતો. આ દરમિયાન જ 108ને જાણ કરી દેવાઈ હતી. જેથી 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. ગળેફાંસો ખાધેલા યુવાનનો સારવાર દરમ્યાન જીવ બચાવી લેવામાં આવ્યો છે.