વર્લ્ડ કપની આ ૬ મહત્વની મેચોની બદલાશે તારીખ, ક્રિકેટપ્રેમીઓ ખાસ વાંચો આ સમાચાર

Share this story
  • આ વર્ષે ભારતની મેજબાનીમાં રમાનારા વર્લ્ડ કપમાં સૌથી મોટી મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચેની રહેવાની છે. આ મહામુકાબલો પહેલા ૧૫ ઓક્ટોબરના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં થવાનો હતો.

ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ આ વર્ષે ભારતની મેજબાનીમાં થનારા વર્લ્ડ કપનું શિડ્યૂલ હાલમાં જ જાહેર કર્યું. પરંતુ હવે આ શિડ્યૂલમાં નવરાત્રિના તહેવારના કારણે ભારત-પાકિસ્તાન સહિત 6 મેચોમાં ફેરફાર કરવામાં આવશે.

અત્રે જણાવવાનું કે ટુર્નામેન્ટની શરૂઆત ૫ ઓક્ટોબરથી થવાની છે. જ્યારે ભારતીય ટીમ પોતાની પહેલી મેચ ૮ ઓક્ટોબરના રોજ ઓસ્ટ્રેલિયા સામે રમશે. વર્લ્ડ કપની સૌથી મોટી મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે રહેશે. આ મહામુકાબલો પહેલા ૧૫ ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં થવાનો હતો. પરંતુ હવે અહેવાલ મુજબ તે એક દિવસ પહેલા એટલે કે ૧૪મી ઓક્ટોબરે એ જ સ્ટેડિયમમાં થશે.

પહેલા એવા અહેવાલ હતા કે ફક્ત ભારત અને પાકિસ્તાનની મેચની તારીખ બદલાશે. પરંતુ હવે સૂત્રોના હવાલે મળેલા સમાચાર મુજબ એક નહીં પરંતુ ભારત પાકિસ્તાન મેચ સહિત કુલ ૬ મેચના શિડ્યૂલમાં ફેરફાર થશે. મળતી માહિતી મુજબ નવરાત્રિના કારણે સૌથી મોટો ફેરફાર એ જ છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ ૧૫ની જગ્યાએ ૧૪મી ઓક્ટોબરે રમાશે.

આ સાથે જ ૧૨ ઓક્ટોબરે રમાનારી પાકિસ્તાનની વધુ એકમાં ફેરફાર થશે. આ મેચ શ્રીલંકા સામે રમાશે. જે હવે ૧૨ની જગ્યાએ ૧૦ ઓક્ટોબરે હૈદરાબાદમાં રમાશે. જ્યારે 9 ઓક્ટોબરની ન્યૂઝીલેન્ડ અને નેધરલેન્ડની હૈદરાબાદમાં રમાનારી મેચ હવે ૧૨ ઓક્ટોબરે થઈ શકે છે.

હવે ૧૫ ઓક્ટોબરે રમાશે આ મેચ

આ ઉપરાંત ઈંગ્લેન્ડ-અફઘાનિસ્તાન વચ્ચે ૧૪ ઓક્ટોબરના રોજ બપોરે દિલ્હીમાં રમાનારી મેચ હવે સવારે રમાશે. આ સાથે જ એ જ દિવસે એટલે કે ૧૪ ઓક્ટોબરે સવારે ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશની જે મેચ રમાવાની હતી તેને હવે ૧૫ ઓક્ટોબરે શિફ્ટ કરવામાં આવી શકે છે. આ ઉપરાંત એક મેચ 9 ઓક્ટોબરે કરાવવાની પણ શક્યતા છે.

આજે આવી શકે છે ICC વર્લ્ડ કપનું નવું શિડ્યૂલ

ભારત-પાકિસ્તાન સહિત ૬ મેચોમાં ફેરફાર સાથે વર્લ્ડ કપનું નવું શિડ્યૂલ આજે (૨ ઓગસ્ટ)ના રોજ જાહેર થઈ શકે છે. અત્રે જણાવવાનું કે ભારતની મેજબાનીમાં રમાનાર આઈસીસી વર્લ્ડ કપ ૨૦૨૩ની શરૂઆત ૫ ઓક્ટોબરથી થશે. તેનો ફાઈનલ મુકાબલો ૧૯મી નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં થવાનો છે.

વર્લ્ડ કપની આ મેચોમાં થઈ શકે છે ફેરફાર :

ભારત Vs પાકિસ્તાન ૧૫ ઓક્ટોબરની જગ્યાએ ૧૪ ઓક્ટોબરે
પાકિસ્તાન Vs શ્રીલંકા- ૧૨ ઓક્ટોબરની જગ્યાએ ૧૦ ઓક્ટોબર
ન્યૂઝીલેન્ડ Vs નેધરલેન્ડસ – ૯ ઓક્ટોબરની જગ્યાએ ૧૨ ઓક્ટોબર
ઈંગ્લેન્ડ Vs અફઘાનિસ્તાન – ૧૪ ઓક્ટોબર બપોરની જગ્યાએ સવારે શિફ્ટ થઈ શકે છે.
ન્યૂઝીલેન્ડ Vs બાંગ્લાદેશ – ૧૪ ઓક્ટોબરની જગ્યાએ ૧૫ ઓક્ટોબર
ડબલ હેડરવાળા દિવસે કોઈ એક મેચ ૯ ઓક્ટોબરે શિફ્ટ થઈ શકે છે.

જય શાહનું નિવેદન :

અત્રે જણાવવાનું કે હાલમાં જ BCCI ના સચિવ જય શાહનું પણ આ મામલે એક મોટું નિવેદન આવ્યું હતું. જય શાહે કહ્યું હતું કે આ વર્ષે ભારતની મેજબાનીમાં રમાનાર વર્લ્ડ કપનું શિડ્યૂલ બદલાઈ શકે છે. તેમણે કહ્યું હતું કે આવનારા દિવસોમં તેની જાહેરાત થઈ શકે છે. જય શાહે કહ્યું હતું કે ૨-૩ સભ્યોએ શિડ્યૂલમાં કેટલાક ફેરફાર કરવાની અપીલ કરી છે.

૧૫ ઓક્ટોબરે નવરાત્રિનો પહેલો દિવસ :

હકીકતમાં 15 ઓક્ટોબરે નવરાત્રિનો પહેલો દિવસ છે. આવામાં સુરક્ષા એજન્સીઓએ BCCI ને નવરાત્રિના તહેવારને કારણે તારીખ બદલવાની જાણ કરી હતી. એક સૂત્રએ કહ્યું હતું કે એજન્સીઓએ અમને આ વિશે જણાવ્યું છે અને અમે ચર્ચા કરી રહ્યા છીએ, જલદી નિર્ણય લઈશું.

સમજવા જેવી એ પણ વાત છે કે વર્લ્ડ કપ દરમિયાન ફક્ત નવરાત્રિનો તહેવાર જ નહીં પરંતુ દીવાળી અને દશેરા જેવા તહેવારો પણ આવશે. આવામાં બીસીસીઆઈએ મેચ રમાડવા માટે અન્ય પડકારોનો પણ સામનો કરવો પડી શકે છે.

આ પણ વાંચો :-