૧૧ અને ૧૩ વર્ષની પુત્રીઓ પર રેપ કરનારા પિતાને કોર્ટે ૧૩૩ વર્ષની સજા

Share this story

કેરળમાં એક પિતાએ પોતાની જ બે સગીર વયની પુત્રીઓ પર અનેક બળાત્કાર કર્યો હતો, માત્ર ૧૩ વર્ષ અને ૧૧ વર્ષની પુત્રીઓને પોતાની હવસનો શિકાર બનાવનારા આ પિતાને સ્થાનિક કોર્ટે ૧૩૩ વર્ષની સજા ફટકારી છે. કેરળની મલપ્પુરમની ફાસ્ટ ટ્રેક પોક્સો કોર્ટે ૪૨ વર્ષના પિતાને આ સજા ફટકારી હતી, જેને પગલે હવે આ બળાત્કારી પિતા મૃત્યુ પામે ત્યાં સુધી જેલમાં રહેશે. એટલુ જ નહીં જજ અશરફ એએમએ અપરાધીને ૮.૮ લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો.

પુત્રીઓ પર રેપની આ ઘટના વર્ષ ૨૦૨૧થી ૨૦૨૨ દરમિયાન બની હતી, પિતાએ સૌથી પહેલા પોતાની મોટી પુત્રી પર બળાત્કાર શરૂ કર્યો હતો, અને અનેક વખત તેને શિકાર બનાવી હતી. જે બાદ તેણે પોતાની નાની પુત્રીનુ પણ યૌન શોષણ કર્યું હતું. દોષીને પોક્સોની કલમ ૬(૧)ની સાથે આઇપીસીની કલમ ૩૭૬(૩) અને ૫ (એલ) અંતર્ગત ૪૦-૪૦-૪૦ વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે.  સાથે જ કિશોર ન્યાય કાયદાની કલમ ૭૫ હેઠળ ત્રણ વર્ષની સજા પણ અપાઇ છે. આ સજા માત્ર એક પુત્રી પર રેપ બદલ કરવામાં આવી હતી જ્યારે નાની પુત્રી સાથે યૌન ઉત્પિડન બદલ ૧૦ વર્ષની કેદ ફટકારવામાં આવી હતી, તેથી તમામ મળીને કુલ ૧૩૩  વર્ષની કેદ ફટકારાઇ છે.

બન્ને પુત્રીઓની માતા આંગળવાડીમાં કામ કરે છે. તે જ્યારે પણ કામ પર જતી હતી કે બહાર જતી ત્યારે પિતા પુત્રીઓને પોતાની હવસનો શિકાર બનાવતો હતો, આ સમગ્ર ઘટના ત્યારે સામે આવી જ્યારે અપરાધીએ પોતાની નાની પુત્રી પર બળાત્કારનો પ્રયાસ કર્યો હતો. બાળકીએ પિતાની આ કરતુતની જાણકારી પોતાની માતાને આપી દીધી હતી. માતાને જ્યારે શંકા ગઇ ત્યારે તેણે પોતાની મોટી પુત્રીને પણ આ અંગે પૂછ્યું, બાદમાં બન્ને પુત્રીઓએ પિતાના અપરાધની પોલ ખોલી નાખી હતી. બન્ને પુત્રીઓએ માતાને કહ્યું હતું કે પિતા બળાત્કાર કરતા હતા અને કોઇને અમે જણાવીશું તો ધમકી આપીને ડરાવતા હતા તેથી અમે કોઇને કઇ કહી ના શકી. મોટી પુત્રીએ કહ્યું કે પિતાએ બળાત્કાર કર્યો બાદમાં મને એવી ધમકી આપી હતી કે જો હું કોઇને કઇ કહીશ તો તે નાની બહેન સાથે પણ આવુ કરશે.

માતાએ બાદમાં એક સ્થાનિક મહિલા પંચાયત સભ્યની મદદ લીધી અને તેને આપવીતી જણાવી દીધી. બાદમાં ચાઇલ્ડલાઇનની મદદ લેવામાં આવી. બન્ને પીડિતા પુત્રીઓના નિવેદનો લેવામાં આવ્યા અને કેરળની એડાવન્ના પોલીસે બળાત્કારી પિતાની સામે વિવિધ કલમો હેઠળ ફરિયાદ દાખલ કરીને તપાસ હાથ ધરી હતી. આ મામલાની તપાસ ઇન્સ્પેક્ટર અબ્દુલ મજીદે કરી હતી. તાત્કાલીક તમામ પુરાવા અને ચાર્જશીટ કોર્ટમાં રજુ કરી દેવામાં આવ્યા અને એક વર્ષની અંદર ચુકાદો આપવામાં આવ્યો હતો. આશરે ૪૩ વર્ષ સુધી અપરાધી પિતા હવે જેલમાં રહેશે.

આ પણ વાંચો :-