અયોધ્યામાં બાંધવામાં આવી રહેલા રામ મંદિરના બાંધકામથી ૪૦૦ કરોડ રૂપિયાનો ગુડ્સ એન્ડ સર્વિસિસ ટેક્સ ઊભો થશે એમ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહામંત્રી ચંપત રાયે જણાવ્યું હતું.
મધ્ય પ્રદેશના ઇન્દોરમાં આયોજિત એક કાર્યક્રમમાં બોલતાં ચંપત રાયે જણાવ્યું હતું કે “ટેક્સનો સાચો આંકડો તો આખા મંદિર-કોમ્પ્લેક્સનું બાંધકામ પૂરું થયા બાદ જાણી શકાશે. 70 એકર જમીનમાં કુલ 18 મંદિર બાંધવામાં આવશે અને એમાં મહર્ષિ વાલ્મીકિ, માતા શબરી અને સંત તુલસીદાસનાં મંદિરનો સમાવેશ થશે. અમે તમામ ટેક્સ ચૂકવવાના છીએ, એમાં એક પણ રૂપિયો ઘટાડવામાં નહીં આવે.
વિશ્વ હિન્દુ પરિષદના ઇન્ટરનેશનલ વાઇસ પ્રેસિડન્ટ એવા ચંપત રાયે જણાવ્યું હતું કે ‘અયોધ્યામાં રામ મંદિર સમાજના સહયોગથી બાંધવામાં આવી રહ્યું છે. એમાં એવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે કે બે લાખ ભાવિકો આવે તો પણ કોઈ સમસ્યા નહીં નડે. મને એ ખબર નથી કે આ લડતમાં કેટલા લોકો, કેટલા પરિવારો અને તેમના સંબંધીઓને સહન કરવાનો વારો આવ્યો છે. આ યજ્ઞનો એક હજાર વર્ષોનો ઇતિહાસ છે અને સમાજના ભલા માટે આ લડત ચલાવવામાં આવી હતી.
ચંપત રાયે રવિવારે ખરગોન જિલ્લાના બકાવા ગામની મુલાકાત લીધી હતી અને રામ મંદિર સંકુલમાં બાધવામાં આવનારા શિવ મંદિર માટે શિવલિંગની પસંદગી કરી હતી. તેમણે જણાવ્યું કે ‘એક સનદી અધિકારીએ નર્મદા નદીના તીરે વસેલા આ ગામમાં જવાનું સૂચન કર્યું હતું. વિશ્વભરમાં શિવ મંદિરોમાં આ ગામમાંથી શિવલિંગ પસંદ કરવામાં આવે છે. નર્મદા નદીના કણ-કણમાં શિવ હોવાનું માનવામાં આવે છે.
આ પણ વાંચો :-