સહકારી ક્ષેત્ર હવે “સહકારી રહ્યું નથી આ વાત રમણકાકા સમજી શક્યા નહીં”

Share this story
  • ચેરમેન રમણકાકા સામે અવિશ્વાસની દરખાસ્ત એપીએમસીના ઇતિહાસમાં કાળા અક્ષરે લખાયેલી રહેશેઃ સારૂ થયું તેમની સામે ભ્રષ્ટાચાર કે ગેરરીતિના આક્ષેપો થયા નથી

  • લાખો ખેડૂતો સાથે સંકળાયેલી ખેતીવાડી માર્કેટને વટવૃક્ષ જેવી સંસ્થા બનાવવામાં રમણ જાનીના યોગદાનને ઓછું આંકી શકાય તેમ નથી, પરંતુ તેઓ બદલાતા સમય અને સંજોગોને ઓળખી શક્યા નહીં

  • મહારાષ્ટ્રના તત્કાલિન મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે બદલાતા સમય અને સંજોગોને સમયસર ઓળખી ગયા હોત તો પોતીકા સભ્યોના બળવાનો ભોગ બન્યા ન હોત

સતત ત્રણ દાયકા સુધીનું લાંબુશાસનકોઇને પણ ખટકે” આ વાત રમણ જાનીએ સમજવાની જરૂર હતી, પરંતુ આ બધુ “સ્વભાવ અને સમજદારી” ઉપર નિર્ભર છે.

પાછલા કેટલાક સમયથી વિવાદોમાં સપડાયેલી ખેતીવાડી માર્કેટ (APMC)ના ચેરમેન રમણ જાનીએ આજે અચાનક રાજીનામું ધરી દીધું હતું. તેમની સામે અવિશ્વાસની દરખાસ્ત રજુ કરવામાં આવી હતી પરંતુ બોર્ડની બેઠક મળે ત્યાર પહેલા જ રમણ જાનીએ ચેરમેનપદેથી રાજીનામું આપી દઈને અવિશ્વાસની દરખાસ્તને નિરર્થક બનાવી દીધી હતી.

રમણ જાનીના રાજીનામા પાછળ અનેક તર્ક ઊભા કરી શકાય પરંતુ તેમના જ નજીકના મનાતા કેટલાક લોકો સાથે વાંકુ પડવા ઉપરાંત પોતાનો “આકરો સ્વભાવ કારણભૂત હોવાનું માનવામાં આવે છે. આજે રાજીનામુ આપતા પહેલા રમણ જાનીએ કેટલાક લોકો તરફ ઈશારો કર્યો હતો, પરંતુ નામજોગ સ્પષ્ટતા કરી નહોતી. અલબત્ત રમણ જાની (પટેલ)ને પાછલા કેટલાક દિવસથી તેમની સામે આકાર લઈ રહેલા વિરોધ અને અવિશ્વાસની દરખાસ્ત અંગે ગંધ આવી ગઈ હતી પરંતુ અવિશ્વાસની દરખાસ્ત રજુ કરવામાં આવશે એવી ગણતરી નહોતી.

બિનસત્તાવાર જાણવા મળતી વિગતો મુજબ રમણ જાનીની નજીકના મનાતા લોકોએ એપીએમસીના વહિવટ સામે ઊભા થયેલા વિવાદો અંગે તેમને માહિતગાર કર્યા હતા અને મામલો ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ સુધી પણ પહોંચ્યો હતો પરંત ઉકેલ આવ્યો નહોતો. પાછલા લગભગ ચાર દાયકા કરતા વધુ સમયથી ખેતીવાડી માર્કેટ (એપીએમસી) સાથે સંકળાયેલા રમણ જાનીને કદાચ એવો ભરોસો હતો કે તેમની સામે બળવો કરવામાં આવશે નહીં. કારણ કે મોટાભાગના સભ્યો તેમનો આદર કરતા હતા. અને આવા વિશ્વાસને કારણે જ તેઓ ચેરમેનપદે ટકી રહેવા મક્કમ રહ્યા હતા. પરંતુ બદલાયેલો સમય અને સંજોગોનો તેમને અંદાજ આવ્યો નહોતો. રમણ જાની (પટેલ) પાછલા ૨૫ વર્ષથી એપીએમસીના ચેરમેન તરીકે ફરજ બજાવી રહ્યા હતા. અઢી દાયકા જેટલા લાંબો સમય ચેરમેન તરીકે પસાર કર્યો હોવાથી એપીએમસી તેમના પરિવારની પેઢી હોય એવી સંસ્થા બની ગઈ હતી.
એપીએમસીના ડિરેકટર્સ અને સ્ટાફના માણસો પણ રમણકાકાના શબ્દોને ઉથાપી શકતા નહોતા. રમણકાકાની રહેમ દૃષ્ટી હેઠળ ઘણા લોકો “તરી ગયા હશે. પરંતુ રમણકાકા પોતાનો સ્વભાવ બદલી શકયા નહોતા. એપીએમસીને વટવૃક્ષ જેવી વિરાટ સંસ્થા બનાવવામાં રમણ જાનીનું પહાડ જેવડું યોગદાન છે. સહારા દરવાજાની વર્ષો પુરાણી માર્કેટનું પૂણા-કુંભારિયા રોડ ઉપરના વિશાળ કેમ્પસમાં ખસેડવાના તેમના યોગદાનને અવગણી શકાય તેમ નથી. વળી તેમણે આજીવન પર્યત સહકારી ક્ષેત્રની આગેવાનીને લોહીમાં વણી લીધી હતી. પરંતુ તેમને બદલાતા સમય, સંજોગ અને યુગની સાથે બદલાવાની જરૂર હતી.

એકધારા ત્રણ દાયકાના શાસન સામે કોઈને પણ “ખટકે એ માની શકાય વળી આટલા લાંબા કાર્યકાળ દરમિયાન કોઈના કહેવાથી કોઈની ભલામણોને પગલે “આંખ આડા કાન કર્યા પણ હશે પરંતુ વાંકુ પડે ત્યારે જ બધુ બહાર આવતું હોય છે. ઉપરાંત નવી પેઢીના લોકોના મનમાં પણ કંઈક કરવાની ઈચ્છાઓ આકાર લેતી હોય છે. આ વાત રમણકાકાએ સમજવાની જરૂર હતી. રમણ પટેલ યુવાન મટીને “રમણકાકા’ તરીકે ઓળખાવા માંડ્યા આ દિવસે જ રમણકાકાએ બીજી પેઢીના મનમાં આકાર લેતા વિચારોને પામી લેવાની જરૂર હતી. લોકો તેમને આદર ચોક્કસ આપતા હતા પરંતુ આ “આદરની પાછળ અપેક્ષાઓ પણ હોઈ શકે.

મોટાભાગની સહકારી સંસ્થાઓમાં જ્યારે કોઈ આગેવાન લંબો સમય ખુરસી ઉપર ટકી રહે ત્યારે આવું બનતું જ હોય છે. ઉત્તર ગુજરાતની અનેક સહકારી સંસ્થાઓમાં વિવાદો ચાલે છે અને ઘણા સામે ફોજદારી કેસ પણ થયા છે. સારું થયું કે રમણકાકા સામે ભ્રષ્ટાચાર, ગેરરીતિના સીધા કોઈ આક્ષેપ થયા નથી. અન્યથા કોઈપણ સંસ્થાના વહિવટીમાં વાંધા કાઢવા કે ભ્રષ્ટાચારના આક્ષેપો કરવા મોટી વાત નથી. જાહેર જીવનમાં ટોચના હોદા ઉપર રહીને ‘બેદાગ’ રહેવાનું પણ શકય નથી. વળી સુરત એપીએમસી માર્કેટનું ટર્નઓવર લગભગ બે હજાર કરોડનું છે.

ખેર, ખરેખર તો રમણકાકાની માનભેર નિવૃત્તિ અને વિદાય થવી જોઈતી હતી પરંતુ તેમની સામે અવિશ્વાસની દરખાસ્ત રજુ કરવાની ઘટના એપીએમસીના ઈતિહાસમાં કાળા અક્ષરે લખાયેલી રહેશે.
થોડા દિવસ પહેલા મહારાષ્ટ્રના રાજકારણમાં બનેલી ઘટનાએ એક ચોક્કસ ઉદાહરણ આપ્યું છે. જાહેર જીવનમાં લાંબો સમય સત્તા ઉપર બેસી રહેલા લોકો ઉગતી પેઢી અને આસપાસ આકાર લઈ રહેલી ઘટનાને ઓળખી શકતા નથી ત્યારે પોતાના શરમજનક પતનની ઘટનાઓ ચોક્કસ બનવા પામે છે.

મહારાષ્ટ્રના તત્કાલિન મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ વધુ પડતા આત્મવિશ્વાસમાં રહ્યા વગર આસપાસમાં બદલાઈ રહેલા સમીકરણો સમજીને સમયસર નિર્ણય લીધા હોત તો કદાચ મધરાત્રે રાજીનામું આપવાની નોબત આવી ન હોત! અને હવે કદાચ શિવસેનાનો ગઢ પણ તેમના હાથમાં રહેશે કે કેમ? એ પણ સવાલ છે.

એક અનુભવ એવું પણ કહે છે કે સહકારી ક્ષેત્રના જુની પેઢીના આગેવાનો પોતે પ્રમાણિક હોવાથી આકરો સ્વભાવ ધરાવતા હોય છે અને કોઈની ભલામણોને ગ્રાહ્ય રાખવાના મતના હોતા નથી પરંતુ હવે સહકારી ક્ષેત્ર માત્ર ‘સહકારી રહ્યું નથી સહકારનું પણ વેપારીકરણ” અને “રાજકારણ બની ગયું હોવાથી રમણકાકા જેવા જુની પેઢીના લોકોએ ખરેખર તો માનભેર હોદાઓ છોડી દેવા જોઈએ. અથવા તો “પ્રેકટીકલ બની જવું જોઈએ. પરંતુ આ બધુ વ્યક્તિગત સ્વભાવ અને સમજદારી ઉપર નિર્ભર છે.

એપીએમસી જેવી વગદાર અને લાખો ખેડૂતો સાથે સંકળાયેલી સંસ્થાના ચેરમેનપદેથી રમણકાકાની મજબૂરી ભરી વિદાય સહકારી ક્ષેત્ર માટે અકળાવનારી બની રહેવા સાથે આવનારી પેઢી માટે પણ બોધપાઠ સમાન બની રહેશે.

આ પણ વાંચો –