સંસદની સુરક્ષામાં ચૂકના મામલે કેન્દ્રીય ગૃહમંત્રીના નિવેદનની માંગ સાથે વિપક્ષનો હોબાળો ગૃહમાં જોવા મળ્યો હતો. જેને લઈ આજે ફરી લોકસભામાં અધ્યક્ષનું અપમાન કરનારા અનેક સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમાં કોંગ્રેસના સાંસદ શશિ થરૂર, SP સાંસદ ડિમ્પલ યાદવ અને NCP સાંસદ સુપ્રિયા સુલેના નામ સામેલ છે. આજે ૪૧ સાંસદોને લોકસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સિવાય રાજ્યસભાના આઠ સાંસદોને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સાથે અત્યાર સુધીમાં ૧૪૧ સાંસદો સામે કાર્યવાહી કરવામાં આવી છે. ૧૮ ડિસેમ્બર સુધી કુલ ૯૨ સાંસદોને સંસદમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
કોંગ્રેસના નેતા મનીષ તિવારી, કાર્તિ ચિદમ્બરમ, શશિ થરૂર, બસપાના દાનિશ અલી, એનસીપીના સુપ્રિયા સુલે, સપા સાંસદ એસટી હસન, ટીએમસી સાંસદ માલા રોય, સપા નેતા ડિમ્પલ યાદવ અને આમ આદમી પાર્ટીના સાંસદ સુશીલ કુમાર રિંકુને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
કોંગ્રેસે સસ્પેન્શનની કાર્યવાહીને લોકશાહીનો અવાજ દબાવનારી ગણાવી હતી. મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, આ તાનાશાહી સરકારે તમામ લોકતાંત્રિક મૂલ્યોને કચરાપેટીમાં ફેંકી દીધા હતા. આ સરકારે સંસદ પ્રત્યે કોઈ જવાબદારી દાખવી નથી. ઉલટું જવાબ માંગનારાઓ સામે જ કાર્યવાહી કરી રહી છે. રાજ્યસભાના નેતા પીયૂષ ગોયલે બંને ગૃહોમાંથી સાંસદોને સસ્પેન્ડ કરવાની કાર્યવાહીને યોગ્ય ઠેરવી હતી.