- દુબઈથી સસ્તું સોનું ખરીદીને દેશમાં ગેરકાયદેસર દાણચોરી કરવાના રોજે રોજ નવા બનાવો સામે આવી રહ્યા છે.
આ વચ્ચે દુબઈથી લિક્વિડ સોનું લાવીને દાણચોરીનું રેકેટ ચલાવતા જિજ્ઞેશ રાઠોડની પત્ની શીલા તથા સોનું મગાવનારા જયેશ સોનીની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં શીલા AAPના ઠક્કરબાપાનગર વોર્ડની પૂર્વ ઉપપ્રમુખ હોવાનું તથા અગાઉ ઠક્કરબાપા વોર્ડમાંથી કોર્પોરેશનની ચૂંટણી પણ લડી ચૂકી હોવાનું જણાવ્યું હતું. તેના જણાવ્યા મુજબ તે પતિ સાથે દુબઈ સોનું લેવા જતી હતી.
આંકરવસ્ત્રો અને સેનેટરી પેડમાં હતું સોનું :
ક્રાઈમ બ્રાન્ચના PIના જણાવ્યા મુજબ, જયેશ સોનીએ જીજ્ઞેશ રાઠોડ અને તેની પત્ની શીલાને દુબઈથી સોનું લાવવાનું કામ આપ્યું હતું. બંને પતિ-પત્ની આંતરવસ્ત્રો તથા સેનેટરી પેડમાં છુપાવીને લિક્વિડ ફોર્મમાં સોનું લાવ્યા હતા. જેથી ક્રાઈમબ્રાન્ચ દ્વારા તેમની અટકાયત કરીને પૂછપરછ કરાઈ હતી. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સોનાની દાણચોરી અંગે કસ્ટમ વિભાગને જાણ કરવામાં આવી છે. જે બાદ કસ્ટમ વિભાગ આરોપીઓને લઈ જશે અને કસ્ટમમાં તેમની વિરુદ્ધ ગુનો નોંધવામાં આવશે.
મુંબઈ એરપોર્ટ પર ન પકડાયું સોનું :
નોંધનીય છે કે, શીલા અને જિજ્ઞેશ અમદાવાદથી મુંબઈ અને ત્યાંથી દુબઈ ગયા હતા. દુબઈથી તેઓ મુંબઈ ફ્લાઈટમાં આવ્યા અને ત્યાંથી ટ્રેનમાં અમદાવાદ પરત ફર્યા. બંને પાસે રૂ.૩૫ લાખનું સોનું હતું. જોકે મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ વિભાગ તેમને સ્કેન ન કરી શક્યું હતું. એવામાં એરપોર્ટ પરથી કોઈ સ્ટાફ દ્વારા પણ તેમને મદદ કરાઈ હોવાની આશંકા છે.
૫થી વધુ વખત દુબઈ જઈ આવ્યું દંપતી :
બંને પતિ-પત્ની બે વર્ષથી સોનાનું આ રેકેટ ચલાવતા હતા અને ૮૦ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપીઓ ૫થી વધુ વખત સોનાની દાણચોરી કરીને ૩ કરોડથી વધુનું સોનું દેશમાં ઘુસાડયું હતું. દુબઈમાં સોનાને પાઉડરમાં મિક્સ કરીને અપાતો પતિ પત્ની અંડર ગારમેન્ટ, બાળકોના ડાઈપર અને સેનેટરી પેડમાં છુપાવીને લાવતા હતા. એક ટ્રિપને તેમને ૨૫૦૦૦ રૂપિયા મળતા સાથે હોટલમાં રહેવા-ખાવાની તમામ સુવિધાઓ અને ટિકિટનું ભાડું પણ મળતું હતું.