‘ગુજરાત ગાર્ડિયન’નો ૧૨મા વર્ષમાં મંગળપ્રવેશ ‘ધીરજ’નો મંત્ર લેખે લાગ્યો

Share this story
  • પરંતુ લોકોની ધીરજની હવે કસોટી થઈ રહી છે, કેદ જેવું જીવન જીવતા લોકો ખુલ્લા આકાશમાં વિહરવા ધખધખી રહ્યા છે.
  •  સરકારે ટ્રસ્ટી‌શીપની ભાવનાથી કામ કરવાની જરૂર છે, લોકોને કાયદાથી ડરાવવા કરતા કાયદાનું રક્ષણ આપીને વેપાર, ઉદ્યોગને મોકળું મેદાન આપવાની જરૂર છે તો સરકારની તિજોરી આપોઆપ છલકાઈ જશે.

પેશન્સ એટલે કે ધીરજ આ એક એવો ગુણ છે કે જેમાં ભલભલા સંકટોને પાર કરી જવાની શક્તિ સમાયેલી છે. આપણે અનેક પ્રસંગોએ લોકોને ‘ધીરજ’ રાખવાનું કહેતા સાંભળ્યા હશે. બીજી એક એવી પણ કહેવત છે, ‘સમય જ બિમારીનો ઈલાજ છે.’ આ કહેવાતા, શબ્દો ભલે સાવ સામાન્ય લાગતા હોય છે પણ આફતના સમયે ચોક્કસ ચમત્કારિક પુરવાર થતા આવ્યા છે. ધીરજ ધરનારે મોટું નુકસાન વેઠવું પડયું હોય એવી ઘટનાઓ ખૂબ ઓછી બનવા પામી હશે.

ખેર, ‘ગુજરાત ગાર્ડિયન’ અખબાર આજે ૧૨મા વર્ષમાં મંગળપ્રવેશ કરી રહ્યું છે. વીતેલાં વર્ષોમાં અનેક મુશ્કેલીઓ આવી, જેનો ઉલ્લેખ કરવાનું અત્યારે યોગ્ય નથી પરંતુ ‘ધીરજે’ મુશ્કેલીઓ વચ્ચે પણ ટકી રહેવાનું બળ આપ્યું હતું. ભારત દેશના કરોડો લોકો મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. પરિસ્થિતિનો શિકાર બનેલા લાખો પરિવારો હજુ પણ આર્થિક બેહાલીમાંથી બહાર નીકળ્યા નહીં હોય; આર્થિક કંગાલિયત અને વેપાર-ઉદ્યોગમાં નુકસાની અને પરિવારનું ભરણપોષણ કરવામાં નિઃસહાય પુરવાર થયેલા અનેક લોકોએ વ્યક્તિ અને પરિવાર સહિત સામૂહિક આપઘાત પણ કરી લીધા હશે.

આજે પણ લગભગ આખો દેશ સમય સુધરવાની રાહ જોઈને બેઠો છે. આજે નહીં તો કાલે સ્થિતિ ચોક્કસ બદલાશે. આ કુદરતનો ક્રમ છે, પરંતુ હવે ‘ધીરજ’ની કસોટી થઈ રહી છે. ધીરજ ધરવાની પણ એક સીમા હોય અને વર્તમાન સમય હવે સીમા ઓળંગવાની નજીક પહોંચી ગયાે છે. લોકો હવે વેપાર-ઉદ્યોગક્ષેત્રે ઝડપથી બદલાવ ઇચ્છી રહ્યા છે. કેદ જેવું જીવન જીવતા લોકો ખુલ્લા મેદાનમાં આવવા ધખધખી રહ્યા છે અને એટલે જ ભારતના આકાશમાં કોઈ નવો ચમકારો થવાના અણસાર દેખાઈ રહ્યા છે. બની શકે કે ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીઓનાં પરિણામો દેશમાં નવી ઉથલપાથલ માટે નિમિત્ત બની શકે.

કારણ કે હવે વૈશ્વિક મંદીનું બહાનું લાંબા સમય સુધી બતાવી શકાય તેમ નથી. દેશની આર્થિક બેહાલી માટે વૈશ્વિક મંદી નહીં, પણ સરકારની ક્યાંક ને ક્યાંક ઉદાસીનતા લોકોને રંઝાડી રહી છે. લોકોને વર્તમાન સરકાર સામે નહીં, પરંતુ વહીવટકર્તાઓની ખામીઓ સામે પરેશાની છે. વળી માત્ર લોકો જ નહીં ખુદ શાસક પક્ષના લોકોની પણ હવે ‘ધીરજ’ ખૂટી રહી છે. સરકારનો ભાગ ગણાતા લોકો પણ ઇચ્છે છે કે વેપાર-ઉદ્યોગક્ષેત્રે પરિવર્તન આવે. કારણ કે રાજકીય ક્ષેત્ર સાથે સંંકળાયેલા લોકોને પણ વેપાર-ઉદ્યોગ ક્ષેત્રે ખુલ્લું મેદાન જોઈએ છે. માત્ર જયકાર બોલાવવાથી જીવી શકાતું નથી. નોટબંધી, જીએસટી અને કોરોના બાદની સ્થિતિએ લોકોને બેવડ વાળી દીધા છે. મોટાભાગના પાયમાલ થઈ ચૂક્યા છે અને તેમ છતાં ‘ધીરજ’ રાખીને બેઠેલા લોકોની સહનશક્તિનો અંત આવી રહ્યો છે. વેપાર, ઉદ્યોગ, નોકરી કરતા લોકોને રાજકીય વ્યવસ્થા બદલવામાં કોઈ જ રસ નથી. પરંતુ શેરીના શાકભાજીના ફેરિયાથી શરૂ કરીને કટલરી, કરિયાણાની દુકાનવાળા સુધી બધા જ ઇચ્છી રહ્યા છે કે હવે તો આર્થિક કંગાલિયતમાંથી છુટકારો મળવો જ જોઈએ અને આ છુટકારો મેળવવા માટે જે કંઈ પણ કરવું પડે તે કરવા બહુ‌મતી વર્ગ મન મનાવીને બેઠો છે.

આગામી લોકસભાની ચૂંટણીઓ લગભગ જાહેર થઈ ચૂકી છે. બલ્કે એવું કહી શકાય કે રાજકીય પક્ષો ચૂંટણીના પ્રચાર-અપપ્રચારમાં જોડાઈ ચૂક્યા છે. વર્તમાન સરકારે વીતેલાં દસ વર્ષમાં ઘણું કર્યું. માળખાગત સુવિધાઓ ઊભી કરવામાં આખો ઇતિહાસ અં‌િકત કરી દીધો પરંતુ લોકોને રંઝાડતી આર્થિક બેહાલી દૂર કરવાના મુદ્દે સરકાર ક્યાંક ને ક્યાંક ઉદાસીન પુરવાર થતી આવી છે. દેશના લગભગ ૮૦ કરોડ લોકોને મફત અનાજનું વિતરણ કરીને કપરા કાળમાં ઉગારી લીધા, પરંતુ વેપાર-ઉદ્યોગને ધમધમતા કરવા ઉદારીકરણના કોઈ નિર્ણય કરાયા નથી.

બલ્કે રોજેરોજ નવા નવા કાયદાની બેડીઓ પહેરાવવામાં આવી રહી છે. કારણ કે સરકારમાં ચૂંટાયેલા શાસકો નહીં, પરંતુ અધિકારીઓનું રાજ ચાલી રહ્યું છે અને અધિકારીને ચૂંટણીમાં મત માંગવા જવું પડતું નથી. દેશની પ્રજાની હાલત કાયદાની બેડીમાં કેદ કરી દેવામાં આવી છે. વાતેવાતે કાયદાનો ભય લગભગ દરેક ધંધાર્થીને સતાવતો હશે. પરિણામે લોકો નવું સાહસ કરવાની હિંમત કરવાને બદલે વિદેશની વાટ પકડી રહ્યા છે. વેપાર-ઉદ્યોગ અને બુદ્ધિજીવીઓનું મોટા પાયે સ્થળાંતર રોકવા સરકારે હવે ટ્રસ્ટી‌શીપ ભાવનાથી જોવાની જરૂર છે. લોકોને કાયદાથી ડરાવવાને બદલે કાયદાનું રક્ષણ આપીને વેપાર-ઉદ્યોગ ક્ષેત્રે મોકળું મેદાન આપવાની જરૂર છે. પરંતુ કમનસીબે આવું થતું નથી.

બલ્કે દર મહિને સરકારની તિજોરીના આંકડા જાહેર કરીને છાતી ફુલાવીને વેપાર-ઉદ્યોગમાં વૃદ્ધિ એટલે કે વિકાસદરમાં વધારો થયો હોવાની જાહેરાત કરવામાં આવે છે. પરંતુ હકીકત એ છે કે વેપાર-ઉદ્યોગોને કાયદાના દંડાનો દર બતાવીને ટેક્સની વસૂલાત કરવામાં આવે છે. હકીકતમાં આ ‘વિકાસદર’ નથી પરંતુ ‘સત્તા’ સામે વિરોધ નહીં કરવામાં જ શાણપણ હોવાનું માનતા લોકો સરકારની તિજોરીમાં મજબૂરીથી નાણાં ભરી રહ્યા છે.

પરંતુ લોકોની ધીરજની હવે વધારે કસોટી કરવાનું વ્યાજબી નથી. ૨૧મી સદીમાં ભારત દેશ આઝાદીનો અમૃત મહોત્સવ ઊજવી રહ્યો છે. દુનિયાના દેશોમાં ભારતની પ્રત્યેક ઘટનાની નોંધ લેવામાં આવે છે. વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશના વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી વિશ્વમાં છાતી ફુલાવીને ગૌરવ અનુભવી રહ્યા છે. ત્યારે વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશને વેપાર-ઉદ્યોગના ક્ષેત્રે પણ મોકળું મેદાન આપીને વિકાસનો માર્ગ મોકળો કરી દેવાનો સમય પાકી ગયો છે. સનદી સલાહકારો થોડું આત્મચિંતન કરીને દેશના ઉત્થાન માટે સરકારને વિકાસનો સાચો માર્ગ બતાવશે તો હજુ પણ મોડું થયું નથી. દેશમાં ફરી ‘ખુશહાલી’ લહેરાતી જોવા મળશે અને લોકોને પણ ‘ધીરજ’ લેખે લાગી હોવાનો અહેસાસ થશે.

દેશના ખૂબ મોટા વર્ગને મતોના રાજકારણમાં રસ નથી. વર્તમાન સરકાર દાયકાઓ સુધી ચૂંટાતી આવે તો પણ વાંધો નથી. લોકો ઈચ્છે કે તેમના ઘર-પરિવાર અને વેપાર-ઉદ્યોગ વિના રોકટોક ધમધમતા રહે.

આ પણ વાંચો :-