સુરતની મેટાસ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે. ડોક્ટરની બેદકારીના કારણે મહિલાનું મોત થયાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. વધુમાં. ડો.અમિત શાહ દર્દીને ICUમાં એડમિટ કરી વિદેશ ફરવા જતા રહ્યા હોવાનો પણ આરોપ મૂક્યો છે.
મળતી માહિતી અનુસાર સુરતની મેટાસ હોસ્પિટલમાં ડોક્ટરની બેદકારીના કારણે 45 વર્ષીય રેખા બેન ગુપ્તાનું મોત નીપજ્યું છે. પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે, ડો અમિત શાહના રેફરન્સથી દર્દીને દાખલ કર્યા હતા અને ડોક્ટર વિદેશ ફરવા નીકળી ગયા છે. જો ડોક્ટર વિદેશ જવાના હતા તો દર્દીને હોસ્પિટલમાં દાખલ કેમ કર્યા જેવા સવાલો ઉઠાવી રહ્યા છે.
નોંધનીય છે કે, 45 વર્ષીય રેખા બેન ગુપ્તા 18 દિવસથી હોસ્પિટલમાં દાખલ હતા. દર્દીને ઝાડા થયા હતા. છેલ્લા લાંબા સમયથી હૃદયની બીમારીથી પીડિત હતા. તેઓને છેલ્લા 10 દિવસથી ICUમાં દાખલ કર્યા હતા. દર્દીને તબિયત બરાબર છે કહી ડોક્ટર અમિત શાહ વિદેશ ચાલ્યા ગયા. જ્યારે હોસ્પિટલના સ્ટાફે જણાવ્યું હતું કે, શ્વાસ બંધ થતા મોત નિપજ્યું છે. પરિવારજનો ડોક્ટર અમિત શાહ વિરુદ્ધ હત્યાનો ગુન્હો નોંધાવવા પહોચ્યા છે.