સુરત-કડોદરા રોડ પર સારોલીના કુંભારીયા ત્રણ રસ્તા પાસે આવેલી શ્યામ સંગીની ટેક્સટાઇલ માર્કેટમાં 9 સપ્ટેમ્બરની મોડી રાત્રે લાગેલી ભીષણ આગને લઈને ચોંકાવનારો ખુલાસો થયો છે. શરૂઆતમાં આગ અકસ્માતે લાગી હોવાનું માનવામાં આવી રહ્યું હતું, પરંતુ CCTV ફૂટેજની તપાસમાં એક અજાણ્યો વ્યક્તિ માર્કેટના છઠ્ઠા માળે કાપડના પાર્સલમાં જ્વલનશીલ પ્રવાહી છાંટીને આગ લગાવતો હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક અંદાજ મુજબ આગ અને ત્યારબાદના ધુમાડા તથા પાણીના છંટકાવને કારણે ચાર મોટા વેપારીઓનો ₹24 કરોડથી વધુનો કાપડનો જથ્થો બરબાદ થયો છે. સમગ્ર મામલે સારોલી પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે.
CCTV તપાસમાં સામે આવ્યું છે કે 8 સપ્ટેમ્બરની રાત્રે 8:57 વાગ્યે ખભા પર બેગ અને મોઢા પર સફેદ રૂમાલ બાંધેલો એક અજાણ્યો વ્યક્તિ માર્કેટમાં પ્રવેશ્યો હતો. ત્યારબાદ મધરાતે 12:20 વાગ્યે તે છઠ્ઠા માળના પેસેજમાં પહોંચ્યો હતો. અહીં તેણે બેગમાંથી બોટલ જેવી વસ્તુ કાઢી પેસેજમાં પડેલા કાપડના પાર્સલ પર જ્વલનશીલ પ્રવાહી જેવી વસ્તુ છાંટી અને આગ લગાવી દીધી હતી. આગ ઝડપથી ફેલાતા માત્ર ચાર મિનિટ બાદ, એટલે કે 12:24 વાગ્યે, તે શખસ ત્યાંથી ફરાર થઈ ગયો હતો.
રાત્રે 12:41 વાગ્યે દુકાન નંબર 626ના માલિક રૂપેશ સિંઘે મેનેજર રાહુલકુમાર પાંડેને આગની જાણ કરી હતી. ત્યારબાદ પોલીસ કંટ્રોલ રૂમ 112 અને ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. આગ છઠ્ઠા માળના પેસેજમાંથી દુકાન નંબર 601થી 617 સુધી ફેલાઈ હતી. ફાયર વિભાગે ભારે જહેમત બાદ 9 સપ્ટેમ્બરની સાંજે આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. આગ ઉપરાંત ધુમાડો અને પાણીના કારણે પણ મોટી માત્રામાં કાપડનો માલ ખરાબ થયો હતો.
પ્રાથમિક નુકસાનના અંદાજ મુજબ અનુરાગ વિજય જલાનને દુકાન નં. 606થી 609 અને 610થી 613માં આશરે ₹12 કરોડનું નુકસાન થયું છે. હનુમાનપ્રસાદ દ્વારકાપ્રસાદ ઝવરને દુકાન નં. 603, 604, 605 અને 614માં આશરે ₹6 કરોડનું નુકસાન થયું છે. હરીપ્રસાદ ભવરલાલ ઝવરને દુકાન નં. 601 અને 602માં આશરે ₹4 કરોડનું નુકસાન થયું છે, જ્યારે અભિષેક બ્રિજમોહન સોનીને દુકાન નં. 616 અને 617માં આશરે ₹2 કરોડનું નુકસાન થયું છે. આ ઉપરાંત બિલ્ડિંગના સ્ટ્રક્ચર, સીલિંગ, ઇલેક્ટ્રિક વાયરિંગ, લિફ્ટ અને દિવાલોને થયેલા નુકસાનનું મૂલ્યાંકન ચાલી રહ્યું છે.
ASI અજીતભાઇ ઠાકોરભાઇની ફરિયાદના આધારે સારોલી પોલીસ મથકે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ BNSની કલમ 326(G) અને 54 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ હવે આરોપીની ઓળખ માટે CCTV, ટેકનિકલ સર્વેલન્સ, મોબાઇલ ટાવર ડમ્પ અને માર્કેટના સિક્યોરિટી રજિસ્ટરની એન્ટ્રીઓ તપાસી રહી છે. આગ પાછળ અંગત અદાવત, વેપારી વિવાદ કે અન્ય કોઈ કારણ છે કે કેમ તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે.





