સુરતના પો.કમિ. અજયકુમાર તોમરે ફરી વખત ખાખીમાં કવિ હૃદયની અનુભૂતી કરાવી

Share this story

મિટ્ટી મે મિલાદે કી જુદા હો નહીં શકતા…
અબ ઈસ સે જ્યાદા મેં તેરા હો નહીં શકતા…

સુરતની ટી એન્ડ ટી.વી. હાઈસ્કુલનાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો કાર્યક્રમ યાદગાર બની ગયો, ડૉ.પ્રકાશ કોઠારી, અમિતાભ શુકલ, ડૉ.તુષાર શાહ, ડૉ.મુકુલ ચોક્સી સહિત જાણિતા કવિઓએ બેઠકને રસ તરબોળ બનાવી દીધી
 
પ્રણય, વેદના, વિરહ અને યાદ સહિત જીવનનાં અનેક પ્રસંગોને ઉજાગર કરતાં જાણિતા કવિ મરીઝ, નિદા ફાઝલી, વસીમ બદાયુ, અમૃત ઘાયલ, અસીમ રાંદેરીના ગીત, ગઝલો, શેર માનસપટમાં છવાઈ ગયા
 
થોડા દિવસ પહેલાં સુરતમાં યોજાઇ ગયેલા એક સાંસ્કૃતિક કાર્યક્રમમાં સુરતના પોલીસ કમિશ્‍નર અજયકુમાર તોમરનું કવિહૃદય ફરી સોળે કળાએ ખીલી ઉઠ્યું હતું. કોઇ સમ્રાટના દરબારમાં રજુ થતા એક એકથી ચઢીયાતા ગીત, ગઝલ અને શેર ઉપર આફરિન પોકારી જતા દરબારીઓની માફક અજયકુમાર તોમરનો ખાખીવર્દીવાળો ચહેરો ઘડીભર માટે ભુલાઇ ગયો હતો. બેઠકમાં ઉપસ્થિત સૌ કોઇનાં દિલ દિમાગમા અજયકુમાર તોમર છવાઇ ગયા હતા. શ્રી તોમરે રજુ કરેલા ગીત,  ગઝલ, શેરમાં ક્યાંક દર્દ તો ક્યાંક પ્રેમની લાગણીઓ છલકી જતી હતી. તેમના એક એક શબ્દમાં હજારો અર્થ સમાયેલા હતા. કોઇ પ્રેમી યુગલ માટે એ પ્રણય ગીત હતું, તો જીવન પાર કરીને સંધ્યા તરફ ઢળી રહેલા યુગલો માટે પોતાના હૃદયની વેદના, લાગણીઓ વ્યક્ત કરવાનું ગીત હતું.
શ્રી તોમર ખુદ ગીતના શબ્દોમાં ડૂબી ગયા હતા. તેમનું હૃદય, લાગણી, ગળું અને શબ્દો જાણે એક થઇને વહી રહ્યા હતા. શ્રી તોમર નિખાલસ છે, પ્રેમાળ છે, લાગણીથી છલોછલ છે. છતાં તેમના અંતરમનમાં કંઇક ખૂટતું હોય એવું લાગતું હતું.
તોમરઆખરે શ્રી તોમર પણ એક માણસ છે એટલે લાગણીસભર તો રહેવાના જ, પરંતુ ખાખીવર્દીમાં જી‍ંદગીના મોટાભાગના દાયકા પસાર કરી ચૂકેલા શ્રી તોમરે વરિષ્‍ઠ પોલીસ અધિકારી તરીકેની ફરજ દરમિયાન લાગણીભીના અનેક અનુભવો કર્યા હશે અને એટલે જ તેઓ સંવેદનશીલતાને છુપાવી શકતા નથી બલ્કે એવું ચોક્કસ કહી શકાય કે તેઓ એક ઉચ્ચ કોટીના સાહિત્ય સર્જક ઉચ્ચ કોટીના વિજ્ઞાનીની માફક ધૂની સ્વભાવના પણ છે. ઉચ્ચ વર્ગના પોલીસ અધિકારી હોવાના  નાતે અતિ કઠોર ગુનેગારો સાથે પણ તેમનો પનારો રહ્યો છે તો કાયદાના ચક્કરમાં ફસાયેલા નિર્દોષ લોકોની વેદના, મુંઝવણ પણ તેમણે અનુભવી છે. સામાન્ય સંજોગોમાં વરિષ્‍ઠ પોલીસ અધિકારીઓ પોતાનો ગુસ્સો વ્યક્ત કરવા માટે અથવા ગુનેગારને ધમકાવવા માટે આપણે સાંભ‍ળી પણ ના શકીએ એવા શબ્દપ્રયોગ કરતા હોય છે પરંતુ શ્રી તોમર આ બધાથી દૂર છે.
ખેર, અજયકુમાર તોમરની લાગણીઓએ અનેક વાર સુરતીઓને ભીંજવી દીધા છે. હવે તો કોઇ જાહેર કાર્યક્રમ હોય તો લોકોની નજર શ્રી તોમરને શોધતી હોય છે. લોકો ઇચ્છે છે કે શ્રી તોમર આમ જ બોલ્યા કરે. આ તરફ અજયકુમાર તોમર પણ હવે નખશીખ સુરતી થઇ ગયા છે, અને એટલે જ શ્રી તોમરે રજુ કરેલા એક શેરમાં ઘણું બધું કહી દીધું હતું.
મિટ્ટીમેં મિલાદે કી જુદા હો નહી સકતા…
અબ ઇસ સે જ્યાદા મૈં તેરા નહી હો નહીં સકતા…
શ્રી તોમરના આ શબ્દો જ તેમના મનમાં ઘુમરાતી વાત કહો કે વેદના ઘણું બધું કહી જાય છે.
મૂળભૂત કાર્યક્રમ ટી.એન.ટી.વી. હાયર સેકન્ડરી સ્કુલના વિજ્ઞાન પ્રવાહના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો હતો. ટી.એન્ડ.ટી.વી.માં ભણેલા આ વિદ્યાર્થીઓ સુરત શહેર, રાજ્ય, દેશમા અને વિદેશમાં અનેક સ્થળે વેપાર, ઉદ્યોગ, નોકરીમાં ઉચ્ચપદો ઉપર સ્થાયી થયા છે પરંતુ આ લોકો હજુ પોતાના વિદ્યાર્થીકાળને ભૂલ્યા નથી. શાળા અને શિક્ષકો પ્રત્યેનો તેમનો આદર દાયકાઓ પછી પણ અનન્ય છે અને એટલે જ લગભગ દર વર્ષે પોતાની શાળામાં એકઠા થઇને આ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પોતાના ભૂતકાળને વાગોળીને વિદ્યાર્થીજીવનની યાદો તાજી કરીને લાગણીભીની યાદોમાં ડૂબી જાય છે. શાળા, કોલેજ, હોસ્ટેલના વિતેવેલા ભૂતકાળની યાદો જ વ્યક્તિને ફરી નવપલ્લવિત કરી નાંખે છે.
prakash-kothari-05ગત ૨૩મી ડિસેમ્બરની સાંજે ફરી એક વખત ભૂતકાળને નવી હવા આપી ગઇ હતી.‘‘ગમી તે ગઝલ’’ શિર્ષક હેઠળ યોજવામાં આવેલા કાર્યક્રમમાં મુંબઇના સુપ્રસિધ્ધ સેકસોલોજીસ્ટ પદ્મશ્રી ડો. પ્રકાશ કોઠારી મુંબઇના ઇન્કમટેક્સ પ્રિન્સીપલ કમિશ્‍નર તથા ભૂતપૂર્વ એડિશ્‍નલ ડાયરેકટર પ્રસાર ભારતી ઓલઇન્ડિયા રેડિયોના કવિ હૃદય અમિતાભ શુકલ, ડો. તુષાર શાહ, સુરતના જાણિતા કવિ ડો. મુકુલ ચોકસી, સુરતના પૂર્વ કલેકટર મહેન્દ્ર પટેલ, એડવોકેટ કુમારેશ ત્રિવેદી, મુંજાલ એન્જિનિયર, દેવેશ ગોહિલ વગેરેની ઉપસ્થિતિમાં યોજાયેલાે ‘‘ગમી તે ગઝલ’’ કાર્યક્રમ બરાબર જામ્યો હતો. કાર્યક્રમમાં એક એકથી ચઢિયાતા દિગ્ગજો હતા પરંતુ ડો. પ્રકાશ કોઠારી બાદ સુરતના પોલીસ કમિશનર અજયકુમાર તોમરની પ્રસ્તુતિ ઉપસ્થિત લોકોના દિલ, દિમાગ પર છવાઇ ગઇ હતી.
શ્રી તોમરે પ્રારંભે જ ખુલાસો કર્યો હતો કે તેઓ સુરત શહેર અને સુરતના લોકો માટે બોલી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે લોકો મને પુછતાં રહે છે કે, પોલીસ અને કવિતા  વચ્ચે શું સંબંધ હોય શકે.
પરંતુ આ વાતની વિશેષ ચર્ચા કર્યા વગર શ્રી તોમરે પોતાના લાગણીભીના અંદાજમાં કહ્યું કે….
ખુદ કો ઇતના ભી મત બચાયા કર…
બારિશેં હો તો ભીગ જાયા કર….
ચાંદ લાકર કોઇ નહીં દેગા…
અપને ચહેરે સે ઝગમગાયા કર…
અશ્ક હીરા હૈ, અશ્ક મોતી હૈ…
અશ્ક આંખો સે મત બહાયા કર…
વાતને આગળ વધારતા શ્રી તોમરે ઉમેર્યું હતું કે… કૌન કહેતા હૈ દિલ મિલાને કો, કમ સે કમ હાથ તો મિલાયા કર…
શાયર મીરને યાદ કરીને શ્રી તોમરે કહ્યું હતું કે… ‘શાયરી નિહાયત ખૂબસુરત  ચીજ હૈ, ઔર ઇતની ખૂબસુરત ચીજ હૈ કી વો આપકો તન્હાઇ મેં સહારા ભી દેતી હૈ, જબ આપ ખુશ હૈ તો આપકો અભિવ્યક્તિ ભી દેતી હૈ… જબ આપ દુઃખી હોતે  હૈં તો આપકો શબ્દ ભી દેતી હૈ..’’
આમ કહીને તેમણે એક સુંદર હૃદયસ્પર્શી શેર રજુ કર્યો હતો… મૈં તો રોજ નયે ચહેરા લગા લેતા હું… દિલ પર પાબંદિયાં ઔર પહેરે લગા દેતા હું… એક ચહેરા જો હસતા હૈ, મુસ્કુરાતા હૈ, જી‍ંદગી કે હર કદમ પે કહકહે લગાતા હૈ… એક ચહેરા હૈ જો હરદમ ઉદાસ રહેતા હૈ, જી‍ંદગી કા હર ગમ ચુપચાપ સહા કરતા હૈ… ઇનમેેં સે કોઇ ચહેરા અગર તુમ્હેં ભાયા હૈ તો, મૈં નહીં સિર્ફ મેરા સાયા હૈ… ક્યોંકી મૈં તો હર રોજ નયે ચહેરે લગા લેતા હું…
પોલીસ કમિશ્‍નર અજયકુમાર તોમરે પ્રસ્તુત કરેલા એક એક ગીત, ગઝલ, શાયરીને લોકોએ ઊભા થઇને તાળિઓથી વધાવી લીધા હતા. પી.ટી.સાયન્સ કોલેજના ‘‘તારા મોતી’’ હોલમાં ખરેખર શબ્દોરૂપી તારા અને મોતીનો પ્રવાહ વહી રહ્યો હતો.
મુકુલ ચોક્સી
શ્રી તોમર બાદ ડો. પ્રકાશ કોઠારીએ વાતાવરણમાં હળવાશ લાવી દીધી હતી અને સીધી જ સુરતના  કવિ ડો. મુકુલ ચોકસીની પંક્તિઓ લલકારી વાતાવરણ હળવું ફુલ બનાવી દીધું હતું.
ખરેખર તો ડો. મુકુલ ચોકસી એક જાણિતા સાઇક્યાટ્રિસ્ટ ડોકટર હોવાના નાતે તેમની પાસે અનેક હૃદયભગ્ન લોકો આવતા હોય છે. અનેકના દિલ, દિમાગને જોડનાર, ખુદ ડો. મુકુલ ચોકસી હૃદયભગ્ન છે એ ઘણા ઓછા લોકોને ખબર હશે.
ઘણી વખત, નાટક, સિનેમામાં લોકોના દર્દ, દુઃખ, વિરહ ભુલાવી દેનાર કલાકારનું અંગત જીવન અનેક સમસ્યાઓ વેદનાઓથી ભરેલું હોય છે. આવું બધું હોવા છતાં અને અનેક સમસ્યાઓથી ઘેરાયેલા હોવા છતાં ડો. મુકુલ ચોક્સી એક કસાયેલા મજબૂત ડોકટર છે. મજબૂત કવિ છે અને મજબૂત લેખક પણ છે.
અને એટલે જ કદાચ ડો. પ્રકાશ કોઠારીએ ડો. મુકુલ ચોકસીના શબ્દોથી શરૂઆત કરી હતી.
ડો. કોઠારી કહ્યું હતું કે… ‘તમે જો હોવ તો વાતાવરણ કેવું સરસ લાગે, અરીઠા લાગે આસવ અને ચા-કોફી ચરસ લાગે… તમને જોઇને પાણીને પોતાને તરસ લાગે!… તમારી યાદમાં વીતેલ એક એક પળ વરસ લાગે… તોય જીવન આખું પડેલ છે કમ….
ડો. ચોકસીના શબ્દોને આગળ વધારતાં ડો.પ્રકાશ કોઠારીએ ખૂબ જ હળવાશ સાથે રજુઆત કરતા કહ્યું હતું કે,
‘‘લાગણીનો દરિયો જ્યારે પ્રેમનું પાનેતર પહેરે છે ત્યારે ગઝલ બને છે. જાતકમાંથી કાંઇક જતુ હોય છે ત્યારે કંઇક લખાતુ હોય છે.
ડો.પ્રકાશ કોઠારી કંઇક જુદા જ મુડમાં હતા. તેમણે આખી વાતને પ્રણય તરફ લઇ જતા કવિ આદિલ મન્સુરીને યાદ કરીને ખૂબ જાણિતી ગઝલના શબ્દો રજુ કરીને ‘પ્રેમ’ના અસ્તિત્વની વાત કરી હતી. તેમણે ગઝલ રજુ  કરતા કહ્યું હતું.
જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઇ હશે, ત્યારે પ્રથમ ગઝલની રજુઆત થઇ હશે… ઘુંઘટ ખુલ્યો હશે અને ઉઘડી હશે સવાર… જુલ્ફો ઢળી હશે અને પછી રાત થઇ હશે…!
ડો. પ્રકાશ કોઠારીની રસભરી રજુઆતને પગલે શ્રોતાઓ કદાચ પોતાના ભૂતકાળમાં સરી પડ્યા હતા.
ડો. પ્રકાશ કોઠારીએ કવિ આદિલ મન્સુરીની પ્રણય ગઝલો બાદ અને ગુજરાતી ગઝલના પિતામહ ગણાતા ‘મરીઝ’ને યાદ કરીને જુદું જ ચિત્ર ઉભુ કર્યું હતંું. એક તરફ હિલ્લોળા લેતો પ્રણય અને બીજી તરફ સ્મશાનની વાત, આવું કઇ રીતે બને પરંતુ ડો. પ્રકાશ કોઠારીએ ‘મરીઝ’ના શેરને ટાંકતા કહ્યું,
‘‘મોત વેળાની આ ઐયાશી નથી ગમતી, હું પથારી પર રહું અને ઘર આખું જાગ્યા કરે.
ત્યાર બાદ‘‘ગમી તે ગઝલ’’નો પ્રવાહ આગળ વહેતો રહ્યો હતો. કવિ બેફામ, નિદા ફાઝલી, શૂન્ય પાલનપુરી, વસીમ બદાયુની, અહમદ ફરાઝ, અમૃત ઘાયલ, સહિત અનેક કવિઓને યાદ કરી કરીને ગીત, ગઝલોની સરવાણી વહેડાવવામાં આવી હતી. મધરા‌િત્ર ક્યારે થઇ ગઇ તેનું પણ કોઇને ભાન રહ્યું નહોતું અને જ્યારે છુટા પડ્યા ત્યારે જાણે ફરી શાળા અને કોલેજકાળના દિવસોની યાદથી  બધાંનાં દિલ ભરાઇ ગયાં હતાં.
અને અંતમાં રજુ કરાયેલી સુરતના જ કવિ અસીમ રાંદેરીએ લખેલી ગઝલ ‘કંકોત્રી’ રજુ કરવામાં આવી હતી અને આ ગઝલના શેર લોકોના કાનમાં ગુંજતા રહ્યા હતા.
ભુલી વફાની રીત, ન ભુલી મને, જુઓ એના લગ્નની મળી કંકોત્રી મને… જાણું છું એના અક્ષરો વરસોના સાથથી, સરનામુ મારુ કીધું છે એના હાથથી…