દુનિયામાં ગંદા શહેર તરીકે બદનામ સુરત ‘નંબર વન સ્વચ્છ’ શહેર બની ગયું

Share this story
  • શાસકો અને તંત્રની દૃઢ ઈચ્છાશક્તિ હોય તો રૂપ રંગ બધુ જ બદલી શકાય, ૧૯૯૪ના કહેવાતા પ્લેગના વાવરે સુરતને વધુ બદનામ કર્યું અને એ જ પ્લેગના કારણે સુરતના સંસ્કાર પણ બદલાયા
  • સ્વચ્છતાના આગ્રહી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વચ્છતા અંગે શહેરો વચ્ચે સ્પર્ધાઓ યોજીને માત્ર સુરત જ નહીં ગામડાથી શરૂ કરીને નગરો અને મહાનગરોને પણ સ્વચ્છ અને નિર્મળ બનાવવાની દિશા આપી હતી
  • આ એજ શહેર છે જ્યાં ઘરના દરવાજામાં કચરાના ઉકરડા બનાવાતા હતા અને ઘરનો એંઠવાડ રોડ ઉપર ફેંકવામાં આવતો હતો
  • સુરત પાસે રૂપિયાનો ઢગલો હતો તેમ છતાં શાસકો દૃષ્ટિ અને ઈચ્છાશક્તિના અભાવે ઉકરડા ઉપર બેસીને શાસન કરતા હતા, સુરત એકમાત્ર એવું શહેર હતું જેનું નામ સાંભળતા લોકો મોઢું મચકોડી લેતા હતા
ઘણા લાંબા સમયના પરિશ્રમના અંતે આજે સુરતે સ્વચ્છતામાં દેશભરમાં ‘નંબરવન’ ક્રમ હાંસલ કરતાં પ્રત્યેક સુરતીઓનું માથુ માત્ર સુરતમાં જ નહીં દુનિયાના દેશોમાં ગૌરવ સાથે ઊંચું થઈ ગયું હતું. આમ તો પાછલાં ઘણાં વર્ષોથી સુરત સ્વચ્છતામાં બીજા ક્રમે હતું જ પરંતુ પ્રથમ ક્રમે આવવાનંુ સુરતીઓ અને શાસકોનું સપનું હતું. ખરેખર તો દેશના શહેરોને સ્વચ્છતાની ઝૂંબેશમાં જોડવાનું કામ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું અને વિશેષ ઈનામ, ગ્રાંટ આપવાની જાહેરાત કરીને દેશના ગામડાંથી શરૂ કરીને શહેરોને સ્વચ્છતાની સ્પર્ધામાં ઉતાર્યા હતા. પરિણામે લોકોમાં પણ સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ આવવાથી પાછલા દાયકા પૂર્વેના વર્ષોની સ્થિતિએ આજે ગામડાંથી શરૂ કરીને શહેરોની સ્વચ્છતાની જાગૃ‌િ‌તના મામલે પરિસ્થિતિ ચોક્કસ પહેલા કરતા બદતર બની છે. આજે શહેરો અને ગામડાઓમાં પણ લોકોમાં સ્વચ્છતા આરોગ્ય અને શિક્ષણ પ્રત્યે મોટી માત્રામાં જાગૃતિ આવી છે.
સુરત-૧ (1)
એક જમાનામાં સુરત ગંદકીને લઈને માત્ર દેશમાં જ નહીં દુનિયામાં બદનામ હતું. આની પાછળ પણ ઘણા કારણો હતા સુરતના વિકાસ સાથે ગટર લાઈનોનું વિસ્તરણ કરાયું નહોતું. વર્ષો સુધી ખુલ્લી ગટરમાં ગંદકી વહેતી હતી. પરિણામે લોકો પણ ખુલ્લી ગટરમાં વહેતી ગંદકીમાં ઉમેરો કરતા હતા. એક સમયે સુરતમાં ખૂંણે ખાંચરે દિવાલને અડીને ઉભા રહીને પેશાબ કરવાની કોઈ નવાઈ નહોતી કારણ સુરત પાસે સાધનો જ નહોતા. વળી, સુરત પાસે આવક નહોતી એવું પણ નહોતું. આખા રાજ્યમાં જકાતપેટે સુરતની આવક સૌથી વધુ હતી. એમ કહી શકાય કે અમદાવાદ કરતા પણ સુરતની આવક વધુ હતી પરંતુ ગંદાગોબરા સુરતને સ્વચ્છ કરી શકાય એવી શાસકો કે વહિવટીતંત્ર પાસે દૃષ્ટિનો અભાવ હતો! ખુદ મહાપાલિકાની મુખ્ય કચેરીના દરવાજે ગંદકીના ઢગલા પડેલા રહેતા હતા.
એ જમાનાના શાસકોએ ધાર્યંુ હોત તો કદાચ આજે સુરત દેશનાં સૌપ્રથમ સ્વચ્છ સુરત તરીકે ઓળખાતું હોત પરંતુ કમનસીબે હાથમાં મૂડી હોવા છતાં એ જમાનાના શાસકો તો ઠીક વહિવટી અધિકારીઓએ પણ ગંદકી દૂર કરવાના મુદ્દે કોઈ જ વિચાર કર્યો નહોતો. જાણીને નવાઈ લાગશે કે સુરત  પાસે માત્ર આઠ કિ.મી. વિસ્તારમાં ભૂગર્ભ ગટર લાઈન હતી અને એ પણ રોજેરોજ ઉભરાતી રહેતી હતી.
સુરતીઓ મૂળભૂત ગંદા નહોતા પરંતુ એવું ચોક્કસ કહી શકાય કે સુરતીઓને ગંદકી કરવાની ફરજ પાડવામાં આવતી ઘરનો એંઠવાડ ફેંકવા માટે કોઈ વ્યવસ્થા નહીં હોવાથી લોકો રોડની વચ્ચોવચ્ચ એંઠવાડનો ઢગલો કરતા હતા અને ત્યારબાદ વાહનો પસાર થતા આ એંઠવાડ આખી શેરીમાં પ્રસરવાથી શેરી, મહોલ્લા ગંધાઈ ઉઠતા હતા. આવું દાયકાઓ સુધી ચાલતું રહ્યું પરંતુ સમયની સાથે શાસકો અને વહિવટી અધિકારીઓની નિયત બદલાઈ નહોતી. સુરત એક ‘નર્કાગાર’ની જેમ જીવતું રહ્યું હતું, પરંતુ આ નર્કાગાર માટે સુરતના લોકોને દોષ આપવા કરતા દૃષ્ટિહીન શાસકો અને અધિકારીઓ વધારે જવાબદાર હતા.
પરંતુ ૧૯૯૪ના વર્ષે સુરતને વધુ બદસુરત જ નહીં પરંતુ સુરતનું નામ પડતા લોકો ફફડી ઊઠે એવી સ્થિતિનું નિર્માણ થયું હતું. આ ભયાવહ સ્થિતિએ જ સુરતનો બદસુરત ચહેરો બદલવાની સ્થિતિ પેદા કરી હતી. ૧૯૯૪ના વર્ષમાં ચોમાસાના દિવસોમાં શહેરના વેડરોડ-કતારગામના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદનાં પાણી ભરાયાં હતાં અને દિવસો સુધી પાણી ભરાયેલાં રહેવાથી કેટલાક લોકોએ વરસાદના અને ગટરના ગંદા પાણીમાં પલળેલું અનાજ ખાવાથી એક જ રાતમાં આઠ લોકોનાં મોત નિપજ્યાં હતાં. આ ઘટના ભયાનક હતી. વળી, સિવિલ હોસ્પિટલના એક વરિષ્ઠ તબીબી અધિકારીએ વ્યક્ત કરેલી શંકાએ સુરતના લોકોને બદનામીના દલદલમાં ધકેલી દીધા હતા.

૧૯૯૪ના ઓગષ્ટ માસના લગભગ અંત ભાગમાં વેડરોડના આઠ વ્યક્તિઓના મોત નિપજ્યા હતા… ખરેખર તો આ મોતની પાછળ ફૂડ પોઈઝનીંગ અેટલે કે ખોરાકી ઝેરની અસર કારણભૂત હતી પરંતુ સિવિલ હોસ્પિ.ના તબીબે મોત માટે ‘શંકાસ્પદ પ્લેગ’ હોવાનું કારણ દર્શાવતા ગણતરીના કલાકોમાં દેશમાં અને વિશ્વના દેશોમાં ખળભળાટ મચી ગયો હતો. નજીકના સંબંધીઓ સહિત કોઈપણ લોકો સુરતીઓને આશ્રય આપવા તૈયાર નહોતા અને સુરત શહેર બિનસત્તાવાર ‘પ્લેગગ્રસ્ત’ શહેર જાહેર થઈ ગયું હતું.

આ ઘટના કમનસીબ હતી અને તબીબે વ્યક્ત કરેલી શંકા પણ કમનસીબ હતી. પરંત‌ુ આ ઘટનાને કારણે જ ઐતિહાસિક નગર સુરતની કાયાપલટ થવાની શરૂઆત થઈ હતી અને રાજકીય ઈતિહાસ પણ બદલાયો હતો.
પ્લેગની મહામારીની ઘટના બાદ રાજ્ય સરકારે એક એસ.આર. રાવ નામના સનદી અધિકારીની મ્યુનિ. કમિશનર તરીકે નિમણૂંક કરી હતી. સાવ સુકલકડી બાંધો સ્વભાવે સાવ સામાન્ય અને લોકો સાથે ફૂટપાથ ઉપર બેસીને વાતો કરતા આ અધિકારી એસ.આર. રાવે બદસુરતને ખૂબ સુરત બનાવવાનું બીડુ ઝડપ્યું  હતું. ૧૯૯૫ના ઓગષ્ટ માસની ત્રીજી તારીખે એસ.આર. રાવે સુરત મનપાના કમિશનર તરીકે અખત્યાર સંભાળ્યાના પહેલા જ દિવસે જાતે પેન્ટ ચઢાવીને શહેરમાંથી ગંદકી ઉલેચવાની શરૂઆત કરી હતી અને ટ્રક બંધી કચરો, કીચડ, ગંદકી દિવસો સુધી ઉલેચાતા રહ્યા. શેરી, મહોલ્લા નાકે દિવસો સુધી છલકાતી રહેતી અને માથું ફાટી જાય એવી બદબુ ધરાવતી જાહેર કચરાપેટીઓ ઊંચકી લેવામાં આવી. આ ઘટના જ માની શકાય તેવી નહોતી. ઘરના આંગણામાં ગંદકી કરવા અને ગંદકી ફેંકવા ટેવાયેલા સુરતીઓ માટે જાહેર કચરાપેટી ગાયબ થઈ જવાની ઘટના જ પચાવી શકાય તેવી નહોતી પરંતુ મક્કમ ‌િમજાજના એસ.આર. રાવે બદનામ સુરતને ખૂબસુરત કરવાનું બીડું ઝડપ્યું હતું અને ત્યાર પછીના વર્ષોમાં એસ.આર. રાવના અનુગામી એસ. જગદીશન, ગુરૂપ્રસાદ મહાપાત્ર, અલોરિયા, પંકજ જોશી, એસ. અપર્ણા, એમ.કે. દાસ, એમ. થેન્‍નારશન સહિતના સનદી અધિકારીઓએ સુરતના લોકોની કુટેવ બદલીને સ્વચ્છતાના આગ્રહી બનાવી દીધા હતા.

આ તરફ સ્થાનિક, રાજ્ય અને કેન્દ્ર સરકારમાં ક્રમશઃ ભાજપ શાસનનો મક્કમ ઉદય થયો હતો. નરેન્દ્ર મોદી ૨૦૦૧મા મુખ્યમંત્રી અને ૨૦૧૪ બાદ વડાપ્રધાન બન્યા ત્યારથી સ્વચ્છતા તેમની સૌથી પહેલી પ્રાયો‌િરટી રહી છે. તેમણે છેવાડાના ગામડાંથી શરૂ કરીને મહાનગરો સુધી સ્વચ્છતાની આહલેક જગાવી, લોકોને સ્વચ્છતામાં જોડવા ઝૂંબેશ ચલાવી, શહેરો વચ્ચે સ્પર્ધા કરવા સાથે અગ્રક્રમે આવનાર નગર, મહાનગર અને ગ્રામપંચાયતોને આર્થિક મદદરૂપ થવા વિશેષ ઈનામો એટલે કે ગ્રાંટની ફાળવણી કરતા દેશભરમાં સ્વચ્છતાનો નારો ગુંજી ઉઠ્યો હતો. ખરેખર જોવા જઈએ તો દુનિયામાં બદનામ સુરતને દુનિયામાં સ્વચ્છ સુરત શહેરનું બિરૂદ અપાવવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સૌથી વધુ યશ આપવો પડે.

અત્યાર સુધી સુરત સ્વચ્છતામાં બીજા ક્રમે હતું પરંતુ પ્રથમ ક્રમ શહેરની સરખામણીએ જરાપણ ઉતરતું નહોતું. સુરતનો ભૌગોલિક વિસ્તાર, પચરંગી પ્રજા અને ૮૦ લાખની વસ્તી અા બધું જોતા સુરતને સ્વચ્છતામાં પ્રથમ ક્રમે લાવવાનું કામ આસાન નહોતું પરંતુ સુરતીઓનો બદલાયેલો સ્વભાવ અને વહિવટીતંત્રની સખત કામગીરીની ફળશ્રુતિરૂપે આજે સુરત દેશભરમાં પ્રથમ ક્રમનું શહેર ‘સ્વચ્છ સુરત’ તરીકે ગૌરવ અનુભવી રહ્યું છે.
આવું જ સુરતની ટ્રાફિક વ્યવસ્થા માટે કહેવાય છે. લોકો એવું માને છે કે સુરતીઓમાં ટ્રાફિક સેન્સ નથી પરંતુ ગંદાગોબરા સુરતને બદલી શકાતું હોય તો સુરતની ટ્રાફિક વ્યવસ્થા બદલવાનું સાવ આસાન છે પરંતુ સવાલ માત્ર શાસકોની ઈચ્છા શક્તિનો છે. ટ્રાફિક ભંગ પાછળના કારણો જાણીને ઈજનેરી વ્યવસ્થામાં ફેરફાર કરવામાં આવે તો રાતોરાત નહીં પરંતુ આવનારા દિવસોમાં સુરતની ટ્રાફિક સમસ્યા ખૂબ જ ઝડપથી ઉકેલી શકાય તેમ છે. પરંતુ તેના માટે એક મજબૂત ઈચ્છા શક્તિવાળા નેતૃત્વની જરૂર છે.

આ પણ વાંચો :-