દિવાળી નજીક આવતા સુરતના ટેક્સટાઇલ માર્કેટમાં ટ્રકોની ડિમાન્ડમાં વધારો થયો છે. આ અંગે સુરત ટેક્સટાઇલ ગુડ્સ એન્ડ ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ યુવરાજ દેસલેએ જણાવ્યું કે, સુરત એક ટેક્સ્ટાઇલ હબ છે. જેમાં એશિયાની મોટામાં મોટી ટેક્સટાઇલ મંડી આવેલી છે. રક્ષાબંધનના પર્વ પર સુરતથી દરરોજ અંદાજીત ૧૮૦ જેટલી ટ્રકો કાપડ અને સાડીના પાર્સલો લઈ અન્ય રાજ્યોમાં મોકલવામાં આવતી હતી. પરંતુ હાલ દિવાળીનો તહેવાર નજીક છે અને ગઈકાલથી સુરતથી અલગ અલગ રાજ્યોમાં અંદાજીત ૨૩૫ જેટલી ટ્રકમાં પાર્સલો મોકલવામાં આવ્યા છે.
છેલ્લા ઘણા સમયથી મંદીના માહોલમાંથી પસાર થઈ રહેલા સુરત ટેક્સટાઇલ ઉદ્યોગને મોટી રાહત મળી છે. નવરાત્રી, દિવાળી સહિતના તહેવારો નજીક છે, ત્યારે બહારગામથી ઓર્ડરો નીકળતા વેપારની નવી આશા જાગી છે. હમણાં સુધી મંદીનો સામનો કરી રહેલા સુરત ટેક્સટાઇલ્સ માર્કેટમાંથી પ્રતિદિવસ માંડ માંડ ૫૦ થી ૬૦ જેટલી ટ્રક માલ ભરી અન્ય રાજ્યમાં જતી હતી, જે ટ્રકોની સંખ્યા વધીને ૨૪૦ થી ૨૫૦ પર પહોચી છે. જેના પગલે દિવાળી સુધીમાં સુરત ટેક્સટાઇલ્સ માર્કેટને અંદાજીત આઠથી દસ હજાર કરોડનો વેપાર મળે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.
સુરત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિએશનના મહામંત્રી દિનેશ કટારીયાએ કહ્યું કે, સુરતના રિંગ રોડ વિસ્તારમાં આવેલી ૧૫૦થી વધુ ટેક્સટાઇલ માર્કેટોને આ વખતે પણ દિવાળી ફળે તેવી શક્યતા રહેલી છે. કારણ કે અલગ અલગ રાજ્યમાંથી કાપડની ડિમાન્ડ નીકળતા માર્કેટમાં પણ પાર્સલોના ખડકલા જોવા મળી રહ્યા છે. જે પાર્સલોનું ડિસ્પેચિંગ ઝડપથી થાય તેવા પ્રયત્ન ટ્રાન્સપોર્ટ સંચાલકો દ્વારા કરવામાં આવી રહ્યા છે. મહત્વનું છે કે, છેલ્લા ઘણા સમયથી સુરતનો ટેક્સટાઇલ ઉદ્યોગ મંદીની માર સહન કરતો આવ્યો છે, પરંતુ દિવાળી સહિતના તહેવારો નજીક આવતા સારા વેપારની આશા ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોએ વ્યક્ત કરી છે.
આ પણ વાંચો :-
- પુણા ગામમાં ઈ-મોપેડની બેટરી ધડાકા બાદ ગેસ સિલિન્ડર બ્લાસ્ટ, ચાર વ્યકિત દાઝતા
- ભારત-પાકિસ્તાન મેચને લઈને અમદાવાદમાં અલર્ટ, ૬૦૦૦થી વધું પોલીસકર્મીઓ તૈનાત