પશ્ચિમ બંગાળમાં મતદાન દરમિયાન બે જૂથો વચ્ચે પથ્થરમારો કર્યો

Share this story

લોકસભા ચૂંટણી ૨૦૨૪ના પહેલો તબક્કાનું મતદાન શરૂ થઇ ગયું છે. એવા સમાચાર આવી રહ્યા છે કે પશ્ચિમ બંગાળમાં અત્યાર સુધીમાં સૌથી વધુ ૧૫ ટકા મતદાન થયું છે. દરમિયાનમાં એવા સમાચાર આવી રહ્યા છે કે પશ્ચિમ બંગાળના કૂચ બિહાર વિસ્તારમાં મતદાન દરમિયાન પથ્થરમારો થયો છે. ભાજપે આરોપ લગાવ્યો છે કે ટીએમસી કાર્યકર્તાઓએ કૂચ બિહારના ચાંદમારીમાં મતદારોને રોકવા માટે પથ્થરમારો કર્યો હતો.

પશ્ચિમ બંગાળમાં ગુરૂવાર રાત્રે પણ હિંસા થઇ હતી. જ્યારે તૃણમૂલ કોંગ્રેસના બે કાર્યકર્તાઓ પર અજાણ્યા હુમલાખોરોએ હુમલો કર્યો હતો. કૂચ બિહારમાં થયેલા હુમલામાં TMCના બન્ને કાર્યકર્તા ઘાયલ થયા હતા. ઉત્તર બંગાળ વિકાસ મંત્રી અને TMCના દિનહાટાના ધારાસભ્ય ઉદયન ગુહાએ ભાજપ પર આ હુમલાનું ષડયંત્ર રચવાનો આરોપ લગાવ્યો છે, તેમણે કહ્યું કે બન્ને કાર્યકર્તા દિનહાટામાં બૂથ સમિતિ અધ્યક્ષના ઘરે જઇ રહ્યાં હતા ત્યારે તેમણે રોકવામાં આવ્યા હતા અને તેમના પર ધારદાર હથિયારોથી હુમલો કરવામાં આવ્યો હતો.

પહેલા તબક્કામાં જે રાજ્યોમાં મતદાન થઈ રહ્યું છે તે તમામ લોકસભા સીટોમાં તમિલનાડુ (૩૯), ઉત્તરાખંડ (૫), અરુણાચલ પ્રદેશ (૨), મેઘાલય (૨),મિઝોરમ (૧), નાગાલેન્ડ (૧), પુડુચેરી (૧), સિક્કિમ (૧) અને લક્ષદ્વીપ (૧). આ ઉપરાંત રાજસ્થાનની ૧૨, ઉત્તર પ્રદેશની ૮, મધ્યપ્રદેશની ૬, આસામ અને મહારાષ્ટ્રની ૫-૫, બિહારની ૪, પશ્ચિમ બંગાળની 3, મણિપુરની ૨ અને ત્રિપુરા, જમ્મુ કાશ્મીર, છત્તીસગઢ અને આંદામાન નિકોબાર દ્વિપસમુહની એક-એક બેઠક માટેના મતદાનનો સમાવેશ થાય છે.

પશ્ચિમ બંગાળમાં કુચ બિહાર, અલીપુરદ્વાર અને જલપાઈગુડી લોકસભા સીટો પર શુક્રવારે શાંતિપૂર્ણ રીતે મતદાન ચાલી રહ્યું છે. મતદાન સવારે ૭ વાગ્યાથી શરૂ થયું હતું અને સાંજે ૬ વાગ્યા સુધી ચાલશે, એમ ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું. રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા આ ત્રણ મતવિસ્તારમાંથી કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિસિથ પ્રામાણિક સહિત કુલ ૩૭ ઉમેદવારો મેદાનમાં છે. આ ત્રણેય બેઠકો પર કુલ ૫૬.૨૬ લાખ લોકો મતદાન કરવા પાત્ર છે. ત્રણેય બેઠકો અનામત છે. કૂચ બિહાર અને જલપાઈગુડી અનુસૂચિત જાતિ માટે અને અલીપુરદ્વાર અનુસૂચિત જનજાતિ માટે આરક્ષિત છે.

આ પણ વાંચો :-