મહાકુંભ 2025માં આજે અમૃત સ્નાન થવાનું હતું, પરંતુ વધતી ભીડને કારણે નાસભાગ મચી ગઈ હતી જેમાં 10થી વધુ લોકોના મોત થયા છે. બાદ અખાડા પરિષદે નિર્ણય લીધો છે કે, મૌની અમાવસ્યાના દિવસે અમૃત સ્નાન નહીં થાય. આ માહિતી અખાડા પરિષદના પ્રમુખ રવિન્દ્ર પુરીએ આપી હતી. તેમણે કહ્યું કે, આજે પ્રયાગરાજ મહાકુંભમાં નાસભાગની ઘટના બાદ અખાડાએ મૌની અમાવસ્યા પર અમૃત સ્નાનનો કાર્યક્રમ સંપૂર્ણપણે રદ કરી દીધો છે.
હવે આજે કોઈ અમૃતમાં સ્નાન નહીં કરે. અખાડાએ પણ તેના સરઘસોને છાવણીઓમાં પાછા બોલાવ્યા છે. અખાડા પરિષદના પ્રમુખ મહંત રવિન્દ્ર પુરીએ વાતચીતમાં આ માહિતી આપી હતી.
મહાકુંભમાં નાસભાગના સમાચાર પર, સ્પેશિયલ ડ્યુટી ઓફિસર આકાંક્ષા રાણાએ કહ્યુ કે, “સંગમ માર્ગો પરના કેટલાક અવરોધો તોડવાને કારણે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી. કેટલાક લોકો ઘાયલ થયા છે. તેઓની સારવાર ચાલી રહી છે. કોઇને ગંભીર ઇજા નથી થઇ. ”
ઉલ્લેખનિય છે કે, મેળા વિસ્તારમાં નાસભાગના કારણે કેટલાક વૃદ્ધો અને મહિલાઓ ગૂંગળામણને કારણે બેભાન થઈ ગયા હતા. આ પછી અફવા ફેલાઈ ગઈ અને 20 થી 25 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. અફવાના કારણે મેળા વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી.