જબલપુર જઈ રહેલી સ્પાઈસજેટની ફ્લાઈટ દિલ્હી પરત ફરી, કેબિનમાં જોવા મળ્યો ધુમાડો

Share this story

SpiceJet flight to Jabalpur

  • 5000 ફૂટની ઊંચાઈ પર પહોંચ્યા પછી વિમાનના કેબિનમાં ધુમાડો જોવા મળતા ફ્લાઈટ જબલપુર જવાની જગ્યાએ દિલ્હી પાછી ફરી.

દિલ્હીથી (Delhi) જબલપુર (Jabalpur) જઈ રહેલું સ્પાઈસજેટનું વિમાન આજે સવારે ટેક ઓફ થયાના થોડીવાર બાદ દિલ્હી એરપોર્ટ પાછું આવી ગયું. સ્પાઈસજેટના (SpiceJet) પ્રવક્તાએ આ જાણકારી આપતા કહ્યું કે ફ્લાઈટના ટેકઓફ કર્યા બાદ જ્યારે વિમાન 5 હજાર ફૂટની ઊંચાઈ પર પહોંચ્યું તો પાઈલટની કેબિનમાં ધુમાડો જોવા મળ્યો. ત્યારબાદ વિમાન દિલ્હી એરપોર્ટ (Delhi Airport) પર લેન્ડ કરાવવામાં આવ્યું.

ન્યૂઝ એજન્સી એએનઆઈ દ્વારા શેર કરાયેલા એક વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે વિમાનમાં ધુમાડો ભરાયેલો છે. અંદર બેઠેલા મુસાફરોને ધુમાડાથી ઘણી પરેશાની થઈ રહી છે. વિમાનના ઈમરજન્સી લેન્ડિંગ બાદ મુસાફરોને હાલ એરપોર્ટ ઉપર જ રાખવામાં આવ્યા છે. એવું કહેવાઈ રહ્યું છે કે બીજા વિમાનથી મુસાફરોને જબલપુર મોકલવામાં આવશે.

અત્રે જણાવવાનું કે 19 જૂનના રોજ પણ સ્પાઈસજેટના એક વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. વિમાનની અંદર આગની જાણ થતા જ દિલ્હી જઈ રહેલા વિમાનનું પટણા એરપોર્ટ પર લેન્ડિંગ કરાવવામાં આવ્યું. આ વિમાનમાં 185 લોકો સવાર હતા. વિમાન પટણાના જયપ્રકાશ ઈન્ટરનેશનલ એરપોર્ટથી 12.10 વાગે ઉડ્યું હતું. ટેકઓફની થોડી મિનિટ બાદ જ વિમાનના એક પાંખમાં આગ લાગી ગઈ હતી.

વિમાનના પાંખમાં લાગેલી આગને નીચેથી લોકોએ જોઈ હતી ત્યારબાદ તેની જાણ પટણા પોલીસને કરાઈ હતી. આ ઘટનાની સૂચના એરપોર્ટને અપાઈ. પછી વિમાન પાછું લાવવામાં આવ્યું હતું. આ બાજુ DGCA દ્વારા કહેવામાં આવ્યું હતું કે દિલ્હી જતી સ્પાઈસજેટની ફ્લાઈટની ઝપેટમાં એક પક્ષી આવી ગયું હતું. ત્યારબાદ હવામાં જ વિમાનનું એન્જિન બંધ થઈ ગયું હતું. પછી વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું.