પેપર લીક કેસમાં ભરતી બોર્ડના અધ્યક્ષને રૂખસદ

Share this story

ઉત્તર પ્રદેશમાં પોલીસ ભરતી પેપર લીક મામલે યોગી સરકારે મોટી કાર્યવાહી કરી છે. સરકારે પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ રેણુકા મિશ્રાને હટાવી દીધા હતા. ડીજી વિજિલન્સ રાજીવ કૃષ્ણને નવા અધ્યક્ષ બનાવવામાં આવ્યા. સાથે તેમની પાસે વિજિલન્સનો હવાલો પણ રહેશે. ઉત્તર પ્રદેશમાં ૬૦,૦૦૦થી વધુ કોન્સ્ટેબલ ભરતીની જગ્યાઓ માટે ૪૮ લાખથી વધુ ઉમેદવારોએ ભાગ લીધો હતો. પેપર લીક થયા બાદ યોગી સરકારે તાત્કાલિક કાર્યવાહી કરતા પરીક્ષા રદ કરી હતી. એ સાથે સરકાર આગામી ૬ મહિનામાં ફરીથી પરીક્ષા લેશે એવી જાહેરાત પણ કરી હતી.

પેપર લીક કેસમાં અત્યાર સુધીમાં અનેક લોકોની ધરપકડ કરવામાં આવી છે. તાજેતરમાં, ઉત્તર પ્રદેશ પોલીસ ભરતી પેપર લીક કેસમાં, SOG સર્વેલન્સ સેલ, STF યુનિટ ગોરખપુર અને ઇટાવા પોલીસે ૪ આરોપીઓની ધરપકડ કરી હતી. તેમની પાસેથી ઉમેદવારોની માર્કશીટ, એડમિટ કાર્ડ, બ્લેન્ક ચેક, મોબાઈલ ફોન અને લેપટોપ મળી આવ્યા હતા. આ પહેલા પેપર લીકના આરોપી નીરજ યાદવની પણ આ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. તે બલિયાનો રહેવાસી છે અને અગાઉ મર્ચન્ટ નેવીમાં કામ કરતો હતો. જોકે બાદમાં તેણે નોકરી છોડી દીધી હતી. મથુરાના એક વ્યક્તિએ તેમને આન્સર કી મોકલી હતી. એસટીએફ આ મામલે તપાસ કરી રહી છે.

સીએમ યોગી આદિત્યનાથેકહ્યું હતું કે, તેઓ ઉમેદવારોની જિંદગી સાથે રમત થવા દેશે નહીં. અધિકારીઓને આગામી ૬ મહિનામાં ફરીથી પોલીસ કોન્સ્ટેબલની ભરતીની પરીક્ષા લેવાનો આદેશ આપવામાં આવ્યો છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, અમે પહેલા દિવસથી જ સંકલ્પ લીધો હતો કે જો નિમણૂક પ્રક્રિયા પ્રામાણિકપણે આગળ નહીં વધે તો તે યુવાનો સાથે રમત થઈ કહેવાશે.

તેને રાષ્ટ્રીય પાપ ગણાવતા સીએમ યોગી આદિત્યનાથે કહ્યું હતું કે, જો યુવાનો સાથે અન્યાય થાય છે તો તે રાષ્ટ્રીય પાપ છે. અમે પહેલા દિવસથી જ નક્કી કર્યું છે કે અમે પણ ઝીરો ટોલરન્સની નીતિ અપનાવીશું અને યુવાનોના જીવન અને ભવિષ્ય સાથે રમત કરનારા તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરીશું. સરકાર ફરી એકવાર આવા લોકો સામે કાર્યવાહી કરવા જઈ રહી છે, જેની શરૂઆત તેણે કરી હતી. કારણ કે આપણે ટેકનોલોજીનો ઉપયોગ કરીએ છીએ, તે તત્વો પણ આપણી જેમ ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે.

આ પણ વાંચો :-