સુરતની સરકારી મેડિકલ કોલેજ ખાતે માઇક્રોબાયોલોજી વિભાગના પ્રથમ વર્ષના રેસિડેન્ટ ડૉક્ટર સ્વ. ડૉ. હર્ષ પડ્યાએ રેગિંગનો ભોગ બની આત્મહત્યા કરી લીધા બાદ આ ગંભીર ઘટનાને રોકવામાં તેમજ પોતાની શિસ્તબદ્ધ ક્ષમતા અને ફરજ બજાવવામાં ગંભીર નિષ્કાળજી દાખવવા બદલ, આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાની સૂચનાથી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા માઇક્રોબાયોલોજી વિભાગના વર્ગ-૧ ના પ્રાધ્યાપક ડૉ. સુમૈયા મુલ્લાને તત્કાલ અસરથી 90 દિવસ માટે સેવામાંથી ફરજમોકૂફ (સસ્પેન્ડ) કરી દીધા છે.
આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, ગુજરાતની કોઈપણ શૈક્ષણિક કે તબીબી સંસ્થામાં રેગિંગ અથવા માનસિક ઉત્પીડન સાંખી લેવામાં આવશે નહીં. રેગિંગ સામે રાજ્ય સરકારની ‘ઝીરો ટોલરન્સ’ નીતિ રહી છે અને આગામી સમયમાં પણ રહેશે. વિદ્યાર્થીઓની સુરક્ષા સાથે રમત કરનાર કે પોતાની ફરજમાં ગંભીર નિષ્કાળજી દાખવનાર વ્યક્તિ ગમે તેટલા ઉચ્ચ હોદ્દા પર હશે, તેમની સામે કડકમાં કડક કાયદાકીય અને શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં રાજ્ય સરકાર સહેજ પણ બાંધછોડ કરશે નહીં.
આ ઉપરાંત આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, “ફરજમોકૂફી (સસ્પેન્શન)ના સમયગાળા દરમિયાન ડૉ. સુમૈયા મુલ્લાનું મુખ્ય મથક સરકારી મેડિકલ કોલેજ, વડોદરા રહેશે. આ સમય દરમિયાન સક્ષમ નિયંત્રક અધિકારીની લેખિત મંજૂરી વિના તેઓ વડોદરા સ્થિત મુખ્ય મથક છોડી શકશે નહીં. તદુપરાંત, ફરજમોકૂફી હેઠળ હોય ત્યાં સુધી તેઓ કોઈપણ પ્રકારની ખાનગી નોકરી કે વ્યાપાર-ધંધો કરી શકશે નહીં. જો આ શરતોનો અનાદર કે ભંગ કરવામાં આવશે, તો તેમને મળવાપાત્ર નિર્વાહ ભથ્થું અટકાવી દેવાશે અને તેમની સામે વધારાની કડક શિસ્તવિષયક કાર્યવાહી હાથ ધરાશે.
આ ઘટના બાદ આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ રાજ્યની તમામ સરકારી મેડિકલ કોલેજોને ‘એન્ટિ-રેગિંગ સમિતિ’ અને ‘એન્ટિ-રેગિંગ સ્ક્વોડ’ને તુરંત વધુ સક્રિય અને સુદ્રઢ કરવાના કડક આદેશ આપ્યા છે. તેમણે વધુમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે, તમામ મેડિકલ કોલેજોએ પોતાના પરિસરમાં તબીબી વિદ્યાર્થીઓને સંપૂર્ણપણે સુરક્ષિત, શિસ્તબદ્ધ અને ભયમુક્ત વાતાવરણ પૂરું પાડવાનું રહેશે.